કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે રાહતના સમાચાર છે કે જ્યાં સુધી કોરોનાનો નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. ઓમિક્રોનને કારણે 98% ભારતીયોમાં એન્ટિબોડી બની ગઈ છે. આવામાં આપણા માટે કોરોનાનું જોખમ નહિવત છે છતાં મોતના આંકડા ડરાવે એવા છે. ભારતમાં 28 એપ્રિલના રોજ 60 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 27 એપ્રિલે 39 લોકોનાં મોત થયાં હતાં. મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં 5.23 લાખ લોકોનાં મોત થયાં છે.
હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ચોથી લહેર આવશે, પરંતુ સંક્રમણની વર્તમાન સ્થિતિની તુલના ત્રીજી લહેરના શરૂઆતનાં ત્રણ સપ્તાહ સાથે કરીએ તો એવું જરા પણ લાગતું નથી. દેશમાં સંક્રમણનો દર હાલ 1% પણ નથી, જ્યારે ત્રીજી લહેરની શરૂઆતનાં ત્રણ સપ્તાહમાં આ દર 13% હતો.
બીજી તરફ, મહામારી વિશેષજ્ઞોનું માનવું છે કે હાલ નવી લહેરની આશંકા નથી, કારણ કે નવી લહેર વેરિયન્ટથી આવે છે. દેશમાં હાલ ઓમિક્રોન અને એના સબ-વેરિયન્ટ છે. એટલા માટે નવી લહેરની આશંકા નથી.
દાખલ થનારા દર્દીઓની સિક્વેસિંગ જરૂરી
શું સંક્રમણ વધી શકે છે?
જે લોકોને ઓમિક્રોનથી સંક્રમણ નથી થયું તેઓ સંક્રમિત થઈ શકે છે. દેશમાં આવા 2% લોકો છે. સીરો સર્વે મુજબ દેશની 98% વસતિ ઓમિક્રોન કે એના સબ-વેરિયન્ટથી સંક્રમિત થઈ ચૂકી છે. આ લોકોમાં એન્ટિબોડી છે, એટલે તેમને જોખમ નથી. જો કોઈ નવો વેરિયન્ટ આવશે તો જોખમ થશે.
નવા વેરિયન્ટની જાણ કઈ રીતે થશે?
સામાન્ય શરદી-ઉધરસવાળા દર્દીઓએ ટેસ્ટ કરવાની જરૂર નથી. જો કોઈ ગંભીર રીતે બીમાર પડે તો હોસ્પિટલમાં દાખલ થતાં જ જીનોમ સિક્વેસિંગ માટે સેમ્પલ મોકલવું જોઈએ અને એનાથી નવા વેરિયન્ટની જાણ થશે.
નવા વેરિયન્ટની આશંકા કેટલી છે?
ઘણી ઓછી, દેશમાં મોટા ભાગના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેઓમાં એન્ટિબોડી છે, આથી જોખમ ઓછું છે.
કોરોનાથી મોત થઈ રહ્યાં છે એ ક્યારે અટકશે?
કોરોનાથી મોત થઈ રહ્યાં છે, એનું કારણ માત્ર કોરોના નથી. એનું યોગ્ય તબીબી મૂલ્યાંકન થવું જોઈએ, કારણ કે હવે જેટલાં મોત થઈ રહ્યાં છે તેમને કોઈ ને કોઈ ગંભીર બીમારી હતી. તાવથી થતાં મોતને કોરોના સાથે જોડવું યોગ્ય નથી.
વર્તમાન સ્થિતિને જોતાં આગળ શું થશે?
એક વાત તો સ્પષ્ટ છે, હોસ્પિટલમાં ભીડ નહીં થાય, ન તો મોત વધશે. પહેલાં પણ ઓમિક્રોનને કારણે લહેર આવી હતી, પરંતુ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને મોત થનારા લોકોની સંખ્યા ઓછી હતી.
એક્સપર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.