ઉત્તર પ્રદેશના હાપુડમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થવાને લીધે ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુના વિસ્તારોમાં લોકો ધ્રુજી ગયા હતા. ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્યની કામગીરી ચાલી રહી છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ સાથે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઉપરાંત આ લોકોના મોત દાઝી જવાથી તથા શ્વાસ રૂંધાવાથી થયા છે. ફેક્ટરની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. ધૂમાળાના ગોટા આકાશમાં ફેલાઈ ગયા છે. ઘટના સ્થળે પહોંચી IG પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીમાં ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ માટે લાઈસન્સ મેળવવામાં આવ્યું હતું. અહીં ફટાકડા બનાવવામાં આવતા હોવાની વાત સામે આવી છે. હવે આ અહીં કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે તેની તપાસ શરૂ થઈ ગઈ છે. જે પણ વ્યક્તિ દોષિત જણાશે તેની સામે કઠોર પગલાં ભરવામાં આવશે.
CM યોગીએ દુખ વ્યક્ત કર્યું
CM યોગી આદિત્યનાથે હાપુડમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની ત્વરીત પણે સારવાર કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા તથા તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ફેક્ટરીમાં પ્લાસ્ટીક પીગાળવાનું કામ થતું હતું. પ્લાસ્ટીક પીગાળતી વખતે બોઈલર ફાટી ગયું હતું અને તેને લીધે ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ પ્લાસ્ટીક પીગળીને શ્રમિકોના શરીર ઉપર ચોટી ગયું છે, જેને લીધે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બોઈલર બ્લાસ્ટ સમયે આજુબાજુમાં રહેલી ફેક્ટરીની છતો પણ ઉડી ગઈ હતી અને દૂર સુધી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળતો હતો. આ ઘટના હાપુડ પોલીસ સ્ટેશન ધૌલાના વિસ્તારમાં થયો છે.
PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે ઉત્તર પ્રદેશના હાપુડમાં થયેલી ઘટના હૃદયદ્રાવક છે. આ ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સારવાર તથા અન્ય શક્ય તમામ સહાયતા રાજય સરકાર ઝડપભેર પૂરી પાડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.