રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેના વિરુદ્ધમાં એક પણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિત મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું. જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ.
આ બિલને બંને ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સામાજિક, શૈક્ષેણિક દ્રષ્ટીથી પછાત વર્ગો (SEBC)નું લિસ્ટિંગ કરી શકશે. રાજ્યોની આ શક્તિ સુપ્રીમ કોર્ટના મરાઠા અનામત મામલે આપવામાં આવેલા નિર્ણય બાદ ખતમ થઈ ગઈ હતી.
વિપક્ષનો સાથ મળવાથી સરકારને આસાની
ગૃહમાં સતત વિરોધ કરી રહેલો વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે જોવા મળ્યો. કાર્યવાહી દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે અન્ય પછાત વર્ગના કલ્યાણ સાથે સંબંધિત આ બિલને પાસ કરાવવા ઈચ્છીએ છીએ. અમે વિપક્ષની જવાબદારી સમજીએ છીએ. જેના પર મંત્રી વીરેન્દ્ર કુમારે કહ્યું કે વિપક્ષી દળોના શાસનવાળા રાજ્યોના મુખ્યમંત્રી પણ આ ખરડો લાવવાની માગ કરતા હતા. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે વિપક્ષ આ બિલનું સમર્થન કરશે.
રાજ્યસભામાં હોબાળો યથાવત
પેગાસસ જાસૂસ કેસથી લઈને મોંઘવારી સુધીના મુદ્દે સંસદના બંને ગૃહમાં વિપક્ષનો વિરોધ યથાવત છે. મંગળવારે રાજ્યસભા અને લોકસભામાં 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો અને બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ. જે બાદ 12 વાગ્યાથી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જે હજુ પણ યથાવત છે. રાજ્યસભાની કાર્યવાહી હોબાળાને કારણે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો યથાવત જ રહ્યો જે બાદ ગૃહ 4 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું હતું.
જે બાદ પણ હોબાળો યથાવત રહેતા રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવાઈ. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ જય જવાન- જય કિસાનના સૂત્રોચ્ચારો કર્યા. તેઓએ ત્રણેય નવા કૃષિ કાયદા પરત લેવાની માગ કરી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે રાજ્યસભામાં આજે કૃષિ પર ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ કોંગ્રેસ, TMC, આપના સાંસદોએ જે લોકશાહિને શોભે નહીં તેવું વર્તન કર્યું, જેની હું ભારે નિંદા કરું છું.
લોકસભામાં જાસૂસી મામલે હોબાળા વચ્ચે બિલ પાસ
જાસૂસી અને અન્ય મુદ્દાઓને લઈને કોંગ્રેસ અને TMC સહિત બીજા વિપક્ષી દળોએ સોમવારે પણ લોકસભામાં હોબાળો કર્યો. જેનાથી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. હોબાળા વચ્ચે લોકસભામાં સીમિત દાયિત્વ ભાગીદારી (સંશોધન) ખરડો-2021, નિક્ષેપ વીમા અને પ્રત્યય ગેરંટી નિગમ (સંશોધન) ખરડો-2021 અને બંધારણ (અનુસૂચિત જનજાતિઓ) આદેશ (સંશોધન) ખરડો-2021ને પાસ કરી દેવાયા છે.
BJPએ સાંસદો માટે વ્હિપ જાહેર કર્યું
સંસદમાં આજે અને આવતીકાલે ઘણાં મહત્વના બિલ પાસ કરવામાં આવી શકે છે. ગૃહમાં યથાવત ચર્ચા વચ્ચે ભાજપે વ્હિપ જાહેર કરી પોતાના તમામ સાંસદોને 10 અને 11 ઓગસ્ટે બંને ગૃહમાં અને અન્ય બેઠકોમાં હાજર રહેવાનું કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.