દિલ્હી પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં બીબીસીની ડોક્યુમેન્ટરી 'ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગની જાહેરાત કરનાર ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. તેમના પર માહોલ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટરની ફરિયાદના આધારે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ, બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધનું સમર્થન કરનારા કોંગ્રેસ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ બુધવારે સવારે તમામ પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું- કોંગ્રેસે મને ટ્વીટ ડિલીટ કરવાનું કહ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી. શું તળિયાં ચાટવા એ જ યોગ્યતાનો માપદંડ બની ગયો છે? તેમણે મંગળવારે બપોરે 1 વાગે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બીબીસીના વિચારો થોપવાનો અર્થ દેશની સાર્વભૌમત્વને નબળી પાડવાનો છે.
JNUમાં બની હતી પથ્થરમારાની ઘટના
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં મંગળવારે રાત્રે પ્રતિબંધિત BBC ડોક્યુમેન્ટરીને લઈને હંગામો થયો હતો. મોડી રાત્રે ક્યુઆર કોડથી મોબાઈલમાં ડાઉનલોડ કરેલી ડોક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોણે પથ્થરમારો કર્યો તે જાણી શકાયું નથી. અંધારાનો લાભ લઈ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. અગાઉ અહીંના વિદ્યાર્થી સંઘ કાર્યાલયની લાઇટ અને ઈન્ટરનેટ મંગળવારે રાત્રે બંધ કરી દેવામાં આવ્યાં હતાં, જે મોડી રાત્રે ચાલુ થઈ ગયાં હતાં.
અહીં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)એ જાહેરાત કરી છે કે BBCની ડોક્યુમેન્ટરી દેશભરની મોટી સંસ્થાઓમાં બતાવવામાં આવશે. તો કોંગ્રેસના નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ આ મામલે પાર્ટીથી અલગ વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે BBCના વિચારોને પ્રાથમિકતા આપવી ખૂબ જ ખતરનાક છે.
પથ્થરમારો કરનારા 25 લોકો વિરુદ્ધ ફરિયાદ
JNUના વિદ્યાર્થીઓએ વસંતકુંજ પોલીસ સ્ટેશન સુધી કૂચ કરી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસીને વિરોધ કર્યો હતો. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ આઈસી ઘોષે પથ્થરમારા માટે એબીવીપી પર આરોપ લગાવ્યો હતો. આઈ.સી.એ કહ્યું- અમે 25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે આશ્વાસન આપ્યું છે કે તેઓ પ્રકરણની તપાસ કરશે.
આઈસીએ વધુમાં કહ્યું કે જે લોકોને ઈજા થઈ છે તેઓ પણ સારવાર બાદ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન આપશે. પોલીસ સ્ટેશન ઉપરાંત અમે જેએનયુના તંત્રને પણ ફરિયાદ કરીશું. અમે હાલ માટે વિરોધ પ્રદર્શન બંધ કરી દીધું છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરવાના હતા JNUના કેટલાક સ્ટુડન્ટ્સ
JNUના કેટલાક વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રતિબંધિત BBC ડોક્યુમેન્ટરી સ્ક્રીન કરવાના હતા. વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટરી ન બતાવવાની અપીલ કરી હતી, પરંતુ તેઓ તેને સ્વીકારવા તૈયાર ન હતા. જેએનયુ તંત્રે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ યુનિવર્સિટીમાં શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.
વિદ્યાર્થીઓએ ધીરજ ન રાખી અને મંગળવારે રાત્રે 9 વાગ્યે ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવાનું આયોજન કર્યું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્ક્રિનિંગ યુનિવર્સિટીનાં કોઈપણ ધોરણોનું ઉલ્લંઘન કરશે નહીં, અને તે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડશે નહીં. સ્ક્રીનિંગ અટકાવ્યા પછી, JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઈસી ઘોષે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન પર ડોક્યુમેન્ટરી ડાઉનલોડ કરવા માટે QR કોડ શેર કર્યો હતો.
કોંગ્રેસ નેતા એકે એન્ટોનીના પુત્રએ સરકારને સમર્થન કર્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ સીએમ એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસથી અલગ વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય સંસ્થાઓ પર BBCના વિચારો થોપવાનો અર્થ દેશની સાર્વભૌમત્વને ક્ષીણ કરવાનો છે. એકે એન્ટોનીના પુત્રએ આ વાત એવા સમયે કરી છે જ્યારે કેરળમાં કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ BBC ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી છે.
17 જાન્યુઆરીએ પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો, સરકારે હટાવ્યો
BBCએ 17 જાન્યુઆરીએ ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચિયન’ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ યૂટ્યૂબ પર રિલીઝ થયો હતો. બીજો એપિસાડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે. એની પહેલાં જ કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને યૂટ્યૂબ પરથી હટાવી લીધો. પ્રથમ એપિસોડની ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોકસ કરે છે. ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના દાવાની તપાસ કરે છે. બતાવી દઇએ કે ગુજરાતનાં રમખાણો માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી.
UKના સાંસદ બોલ્યા- ડોક્યુમેન્ટરી નિષ્પક્ષ નથી
UKના સાંસદ લોર્ડ રામી રેન્જરએ BBCની ડોક્યુમેન્ટરીને લઇને 18 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું. તેમણે BBCને કહ્યું- તમે ભારતના 100 કરોડથી અધિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. એક લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પ્રધાનમંત્રી, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયપાલિકાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે ગુજરાતનાં રમખાણોની નિંદા કરીએ છીએ, પરંતુ તમારા પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગની આલોચના કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટ PM મોદીને ક્લીન ચીટ આપી ચૂકી છે
ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોને લઇને સુપ્રીમ કોર્ટે SIT બનાવી હતી. કમિટીએ રમખાણોમાં નરેન્દ્ર મોદીનો હાથ ન હતો તે માન્યું. SITએ કહ્યું હતું કે મોદીની વિરુદ્ધ કોઇ સબૂત મળ્યા નથી. જૂન 2022માં સુપ્રીમ કોર્ટે SITની તરફથી મોદીને મળેલી ક્લીન ચીટને સાચી માની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.