• Gujarati News
  • National
  • Now Germany's Attempt To Keep India Away From The G 7 Meeting, An Action Plan Against Russia Is Also Ready Russia Ukraine War

રશિયાને વખોડવું જરૂરી હતું?:હવે G-7 મીટિંગથી ભારતને દૂર રાખવાનો જર્મનીનો પ્રયત્ન, રશિયા સામેનો એક્શન પ્લાન પણ તૈયાર

એક મહિનો પહેલા
  • આ વર્ષે ગેસ્ટ લિસ્ટમાં સેનેગલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયા સામેલ થાય એવી શક્યતા
  • ભારત G-7 દેશોનું સભ્ય દેશ ના હોવા છતાં એમાં ભાગ લે છે

યુક્રેન-રશિયા વિરુદ્ધ છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન NATO સહિત ઘણા દેશોએ રશિયાનો વિરોધ કર્યો છે. અમેરિકાએ તો રશિયા પર વેપાર સહિત ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે, પરંતુ આ સમગ્ર સમય દરમિયાન ભારતે ક્યારેય રશિયાનો વિરોધ કર્યો નથી કે પુતિન વિરુદ્ધ કોઈ મત આપ્યો નથી. જોકે ભારતે તેના આ વર્તનની આગામી સમયમાં લાંબી કિંમત ચૂકવવી પડે એવું લાગે છે. યુક્રેન પર હુમલા વિશે રશિયા વિરુદ્ધ એક શબ્દ ના બોલવાને કારણે જર્મની ભારતને G-7 મીટિંગથી દૂર રાખવાનો પ્રયત્ન કરે એવી શક્યતા છે. બ્લૂમબર્ગ સાથે જોડાયેલાં સૂત્રો દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં આ વિશે દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, G-7 મીટિંગમાં જર્મની સેનેગલ, દક્ષિણ આફ્રિકા અને ઈન્ડોનેશિયાને ગેસ્ટ તરીકે સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ ગેસ્ટ લિસ્ટ યુક્રેન યુદ્ધ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ હતું, પરંતુ હવે આ લિસ્ટમાં ફેરવિચારણા કરવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટમાં જર્મન સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિશે આવો કોઈ વિચાર નથી.

ભારત અડગ રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાને માનવાધિકાર પરિષદથી બહાર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના વોટિંગમાં ભારત સહિત 50 દેશે અંતર રાખ્યું છે. આ સિવાય ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યા નથી. આટલું જ નહીં, ભારત રશિયામાંથી મોટે પાયે તેલની ખરીદી પણ કરી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી હથિયારોની ખરીદી પણ ચાલુ રાખી છે. તાજેતરમાં જ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પણ ભારતે રશિયા પાસેથી કરી છે.

ભારત-રશિયાના સંબંધો ઘણા ખાસ છે એ ફરી એક વખત વડાપ્રધાન મોદીએ સાબિત કરી દીધું છે.
ભારત-રશિયાના સંબંધો ઘણા ખાસ છે એ ફરી એક વખત વડાપ્રધાન મોદીએ સાબિત કરી દીધું છે.

જર્મન સરકારે કહ્યું- ટૂંક સમયમાં ગેસ્ટ લિસ્ટ તૈયાર કરીશું
બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં જર્મન સરકારના પ્રવક્તા સ્ટેફેન હેબેસ્ટ્રેટે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ G-7નું ગેસ્ટ લિસ્ટ ફાઈનલ કરી દેવાશે. તેમણે કહ્યું હતું કે અમારા ચાન્સેલરે વારંવાર કહ્યું છે કે જર્મનીના વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ભાગીદારો રશિયા વિરુદ્ધ પ્રતિબંધો લગાવે. ભારત સરકાર તરફથી આ વિશે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે જર્મની પોતે જ યુક્રેન અને પોલેન્ડની નિંદાનો ભોગ બની રહ્યું છે.

જર્મની રશિયા પર નિર્ભર
જર્મની સતત તેલ અને ગેસની આયાત રશિયાથી કરી રહ્યું છે. જર્મની સહિત યુરોપિયન ઘણા દેશો રશિયા પર આધારિત છે. આ વિશે ભારતીય વિદેશમંત્રી જયશંકરે નિવેદન પણ આપ્યું હતું. ભારત રશિયાથી તેલની આયાત કરે છે એ વિશે જ્યારે દુનિયાના વિવિધ દેશોએ સવાલ ઊભા કર્યા ત્યારે જયશંકરે કહ્યું હતું કે અમે જેટલી આયાત એક મહિનામાં કરીએ છીએ એટલી આયાત યુરોપ એક દિવસમાં કરી લે છે.

શું છે G-7 સંગઠન? 1973માં કેમ થઈ શરૂઆત?
સંયુક્ત રાજ્ય અમેરિકા (US), યુનાઈટેડ કિંગ્ડમ (UK), કેનેડા, ઈટલી, જર્મની અને જાપાન જેવા સાત સૌથી વિકસિત દેશો આ ગ્રુપના 7ના સભ્ય છે. વર્ષ 1973માં આવેલા તેલ સંકટ અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે એ સમયના રાષ્ટ્રપતિ બૈલેરી જિસ્કોર્ડ ડી એસ્ટેઈંગે આ સંગઠનની શરૂઆત કરી હતી. ત્યારે આ છ દેશની સંગઠનની પહેલી બેઠક 1975માં આયોજિત કરવામાં આવી હતી. માનવાધિકારોની સુરક્ષા, લોકતંત્ર, કાયદો અને વ્યવસ્થા, સતત વિકાસ અને સમૃદ્ધી જેવા મુદ્દા પર કામ કરતા આ સંગઠનમાં 1976માં કેનેડાને પણ સામેલ કરવામાં આવ્યું હતું. છેલ્લાં 49 વર્ષથી દરેક વર્ષે G-7 સમિટનું આયોજન કરવામાં આવે છે.

કયા દેશોને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવે છે
G-7માં જે દેશો સામેલ છે એ ઘણા મુદ્દે દુનિયામાં પહેલા ક્રમે સ્થાન ધરાવે છે. આ ગ્રુપમાં સામેલ દેશોની વિશેષતા આ પ્રમાણે છેઃ
- G-7 દેશ દુનિયાના સૌથી મોટા નિકાસકાર હોય છે.
- આ દેશો પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ હોય છે.
- આ દરેક સાત દેશ દુનિયામાં સૌથી મોટા સ્તર પર પરમાણુ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
- વર્ષ 2018 સુધી G-7માં સામેલ દેશોની કુલ સંપત્તિ 317 ડ્રિલિયન ડોલર (31,700,000 કરોડ ડોલર) હતી, જે વિશ્વની કુલ સંપત્તિની 58 ટકા છે.
- ગ્લોબલ જીડીપીમાં G-7 દેશોનો હિસ્સો 46 ટકા કરતા પણ વધારે છે.

ભારત માટે કેમ છે ખાસ
2020માં આયોજિત કરવામાં આવેલી G-7 સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને રશિયાને આ સમિટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેમણે આ સંગઠનને G-7માં G-10 અથવા G-11 કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પનું માનવું હતું કે દુનિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું ઘણું યોગદાન છે, તેથી ભારતને આ સંગઠનમાં સામેલ કરવું જોઈએ. એ ઉપરાંત ભારતે આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થા વધારીને 5 ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, તેથી પણ તે G-7 દેશોમાં સામેલ થઈ શકે છે, જેથી ભારતીય ઉદ્યોગોને યુરોપીય બજારોનો પણ લાભ મળી શકે.

G-7 રશિયા સામે કડક પગલાં લેવા તૈયાર
G-7ના વિદેશમંત્રીઓએ એક બેઠક કરીને રશિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેનમાં જે પણ યુદ્ધ અપરાધ કરવામાં આવ્યો છે એ માટે દરેક દોષિતનો આરોપ નક્કી કરવામાં આવશે. એ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે રશિયા દ્વારા કોઈપણ કારણ વગર માત્ર ઉશ્કેરવાના હેતુથી યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે અને લાખો લોકોને તેમનાં ઘર-દેશ છોડવો પડ્યો છે.
માર્ચ મધ્યમાં થયેલી આ બેઠકમાં G-7 દેશો દ્વારા રશિયાને ચેતવણી આપવામાં આવી છે કે તે તરત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણયનું પાલન કરે, જેમાં યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેનમાંથી શક્ય હોય એટલી વહેલી તેની સેનાને પરત બોલાવી લે. એ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે G-7 દ્વારા રશિયા પર કડક પ્રતિબંધો લગાવવામાં આવે અને મોલડોવ જેવા દેશને સહાય કરવામાં આવે, કારણ કે અત્યારે યુક્રેનના ઘણા નાગરિકોએ મોલડોવમાં શરણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...