- Gujarati News
- National
- Not Bitter Or Sweet But A Tongue Of Gold ?: Planes Stuck In The Snow In Russia Had To Be Lifted; Eventually The Museum Opened In Vatican City
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:કડવી કે મીઠી નહીં, પણ સોનાની જીભ?: રશિયામાં બરફમાં ફસાયેલાં વિમાનોને ઊંચકવા પડ્યાં, કાશ્મીરમાં ફરી હિમવર્ષા
ઇજિપ્તના પ્રાચીન સ્થળ તપોસાઇરિસ મેગ્નામાં ખોદકામ દરમિયાન પુરાતત્ત્વવિદોને 2 હજાર વર્ષ જૂનું મમી મળી આવ્યું છે, જેમાં સોનાની જીભ છે. ઇજિપ્તના પર્યટન મંત્રાલયે કહ્યું હતું કે મમીમાં સોનાની જીભ એમ વિચારીને મુકાઈ હશે કે મૃતક મૃત્યુ પછી પણ બોલી શકે. પુરાતત્ત્વવિદોએ આ મમીમાંથી બીજા 15 અવશેષ પણ કાઢ્યા છે.
રશિયામાં વિમાનો બરફના થરમાં ફસાયાં
તસવીર સાઇબેરિયાની છે, જ્યાં રનવે પર રખાયેલાં પેસેન્જર વિમાન પણ બરફમાં દબાઈને ક્ષતિગ્રસ્ત થયાં છે.
રશિયાના સાઇબેરિયામાં છેલ્લા બે મહિનામાં 8 ફૂટ સુધી બરફ પડી ચૂક્યો છે, તેથી અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે. મોટા ભાગના રસ્તા બંધ છે. વિમાનસેવાને પણ અસર થઈ છે. ભારે બરફવર્ષાને કારણે નાનાં વિમાનોને નુકસાન પહોંચ્યું છે. એને રિપેરિંગ માટે એમઆઇ-26 હેલિકોપ્ટર દ્વારા મોસ્કો મોકલાઇ રહ્યાં છે. જોકે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતાં ઘણાં વિમાનો બરફમાં દબાઇ ગયાં હતાં, જે એમઆઇ-26 હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યાં છે. એમઆઇ-26 વિશ્વનું સૌથી શક્તિશાળી માલવાહક હેલિકોપ્ટર છે. એ 20 ટન જેટલું વજન ઊંચકી શકે છે.
વેટિકન સિટીમાં આખરે મ્યુઝિયમ ખૂલ્યું
આ તસવીર ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મસ્થળ વેટિકન સિટીના મ્યુઝિયમ સિસ્ટાઈન ચેપલની છે. આ ચર્ચ સોમવારથી સામાન્ય લોકો માટે પણ ખૂલી ગયું છે, જોકે પહેલા દિવસે અહીં ખૂબ ઓછા લોકો આવ્યા હતા. કોરોના ગાઈડલાઈન્સને કારણે એ છેલ્લા 88 દિવસથી બંધ હતું. ગયા વર્ષે માર્ચમાં બંધ કરાયા પછી એ જૂનમાં ફરી એકવાર ખોલાયું હતું. હવે એ અઠવાડિયામાં પાંચ જ દિવસ ખૂલશે.
આ મ્યુઝિયમની આરસપહાણની દીવાલો અને છત પર બાઈબલને લગતાં ચિત્રો છે, જેમાં ઈટાલિયન કળાની ઝલક દેખાય છે. આ ચર્ચની છત પર ઈસ.1508થી 1512 વચ્ચે માઈકલ એન્જેલોએ 300થી પણ વધુ ચિત્રો બનાવ્યાં હતાં, જેમાંનાં કેટલાંક 18 ફૂટથી પણ વધુ લાંબાં છે. આ ચિત્રોમાં બાઈબલની અનેક કથાઓ જોઈ શકાય છે.
ઓસ્ટ્રેલિયામાં દાવાનળે કાબૂમાં લેવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
ઓસ્ટ્રેલિયામાં પર્થની ઉત્તરપશ્ચિમે જંગલમાં લાગેલી આગ બેકાબૂ બની છે. અનેક ઘરોને નુકસાન થયું છે. દાવાનળને અંકુશમાં લેવા માટે હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
પિટ્સબર્ગમાં ભારે હિમવર્ષા
પિટ્સબર્ગમાં સતત ભારે હિમવર્ષા થઈ છે, જેને કારણે મકાનો પર બરફના થર જામ્યા છે. કાતિલ ઠંડી અને બરફના થર જામતાં લોકોની હાલાકી વધી છે.
કાશ્મીરમાં ફરી હિમવર્ષાથી બર્ફિલી ચાદર પથરાઈ
કાશ્મીરના અનેક પ્રદેશોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. કુપવાડામાં રસ્તાઓ પર બરફના થર જામ્યા છે. જેના કારણે અહીં કાતિલ ઠંડીએ સપાટો બોલાવી દીધો છે.
કાશ્મીરના પ્રખ્યાત દાલ લેકના કિનારે શિકારા પરથી બરફ સાફ કરી રહેલો વ્યક્તિ. હાડ થિજાવતી ઠંડી પછી અહીં દાલ લેક થીજી ગયું છે.