લક્ષદ્વિપમાં વિવાદ:લક્ષદ્વીપમાં શુક્રવારે રજા નહીં, દાયકાઓ જૂનો નિયમ રદ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલના નિર્ણયથી વિવાદ
  • નિયમ બદલવા માટે લોકોની પટેલને અપીલ

મુસ્લિમ બહુમતી ધરાવતા લક્ષદ્વીપની સ્કૂલોમાં હવે શુક્રવારે રજા નહીં હોય. આ કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ વિભાગે નવા કેલેન્ડરમાં શુક્રવારે વર્કિંગ ડે અને રવિવારે રજાની જોગવાઈ કરી છે. લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યું છે કે, છ દસકા પહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી દ્વીપોમાં સ્કૂલો ખોલાઈ, ત્યારથી શુક્રવારે રજા અને શનિવારે હાફ ડે હોય છે. આ નિર્ણય સ્કૂલોની કોઈ સંસ્થા, જિલ્લા પંચાયતો કે સ્થાનિક સાંસદો સાથે ચર્ચા વિના લેવાયો છે. આ નિર્ણય લોકો માટે યોગ્ય નથી અને એકતરફી છે.

લક્ષદ્વીપ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પી. પી. અબ્બાસે લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને પત્ર લખીને આ મુદ્દે પુનઃવિચાર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, લક્ષદ્વીપ મુસ્લિમ બહુમતી દરાવે છે. તેમની આસ્થા પ્રમાણે, અહીં લોકો શુક્રવારે જુમ્માની નમાજ અદા કરે છે, જે અહીંની ધાર્મિક પ્રથા છે. આ મુદ્દે વિચાર કરવા અગ્રણી પ્રતિનિધિઓ અને અન્ય લોકોની મીટિંગ બોલાવવી જોઈએ.

નવા નિયમો પ્રમાણે હવે 2021-22ના નવા કેલેન્ડર વર્ષમાં સ્કૂલોમાં સવારે 9ઃ30થી 12ઃ30 વાગ્યા સુધી સવારના વર્ગો ચાલશે, જ્યારે 1ઃ30થી 4ઃ30 વાગ્યા સુધી બપોરના વર્ગો ચાલશે. આ બંને સત્રમાં ચાર પીરિયડ હશે. આ ઉપરાંત શિક્ષકો માટે પણ સવારે 9ઃ00થી 12ઃ30 વાગ્યા સુધીનો સમય રહેશે, જ્યારે તેમના માટે બપોરનો સમય 1ઃ30થી 4ઃ30 સુધીનો રહેશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, તંત્રએ વિદ્યાર્થીઓની યોગ્ય હાજરી અને શીખવાની પ્રક્રિયાની જરૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે સ્કૂલના સમય અને નિયમિત સ્કૂલ ગતિવિધિમાં પણ ફેરફાર કર્યા છે.

નોંધનીય છે કે, આ પહેલા પ્રફૂલ પટેલે સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં ગૌમાંસ અને માંસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનો પણ કેટલાક સ્થાનિક નેતાઓએ ભારે વિરોધ કરતા કહ્યું હતું કે, લક્ષદ્વીપમાં પણ ભાજપ સરકાર હિંદુત્વ એજન્ડા આગળ વધારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...