તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રનના કેસમાં સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી:કોઇ આરોપીને માત્ર એ કારણથી રાહત ન આપી શકાય કે તે બહુ ધનિક છે: સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિટ એન્ડ રનના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે કોઇ આરોપીને માત્ર એટલા માટે રાહત ન આપી શકીએ કે તે બહુ ધનિક છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે સોમવારે કોલકાતાની બિરયાની ચેન અર્સલાનના માલિક અખ્તર પરવેઝની અરજી મામલે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી.

વર્ષ 2019ની 16 ઓગસ્ટે પરવેઝના પુત્ર રાગિબે બેફામ ઝડપે કાર ચલાવતાં બીજી કારને ટક્કર મારી હતી, જેમાં નજીકમાં ઊભા રહેલા બે બાંગ્લાદેશી નાગરિકનાં મોત થયાં હતાં. પરવેઝે કોર્ટમાં જણાવ્યું હતું કે પુત્રની માનસિક હાલત બરાબર ન હોવાથી તેને જેલમાં ન મોકલવામાં આવે. કોર્ટે તેમની માગ ફગાવતાં કહ્યું કે આ બનાવ બન્યો ત્યારે રાગિબ કલાકના 130થી 135 કિ.મી.ની ઝડપે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.

તેણે 7 મહિનામાં 48 વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. તમે ધનિક છો એટલે રાહત માગો છો પણ અમે તેવું નહીં કરીએ.પરવેઝના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે રાગિબની માનસિક હાલત બરાબર ન હોવાથી તે પરીક્ષણ પ્રક્રિયાઓ સમજી શકે તેમ નથી. તેને જામીન આપવામાં આવે.

તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, શું તમે ઇચ્છો છો કે અમે જેમની સામે ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે એ બધાને છોડી મૂકીએ? આમ પણ રાગિબની માનસિક હાલત અંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસ, બેંગલુરુના બોર્ડે તો વિપરીત અભિપ્રાય આપ્યો છે. તેથી તેને ન છોડી શકીએ.

પોતાના બચાવ માટે બીજાને બલીનો બકરો બનાવ્યો
સિબ્બલે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે 2019માં ધરપકડ બાદ રાગિબને 8 મહિના જેલમાં રખાયો હતો. હવે ચાર્જશીટ થયા બાદ તેને જેલહવાલે કરવાનો કોઇ અર્થ નથી. કોર્ટે કહ્યું કે રાગિબે તો વિદેશ નાસી છૂટવા અને બીજાને બલીનો બકરો બનાવવા પણ પ્રયાસ કર્યો. દુર્ઘટના બાદ તે દુબઇ ભાગી ગયો હતો પણ 2 દિવસ બાદ પરત ફર્યો હતો. તે એક નર્સિંગ હોમમાંથી પકડાયો હતો. શરૂમાં તેને બચાવવા તેના નાના ભાઇ અર્સલાને દુર્ઘટનામાં સંડોવણી કબૂલી હતી.

અન્ય સમાચારો પણ છે...