ડ્રગ્સ કાંડ:મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં NIAના દિલ્હી સહિત 18 સ્થળે દરોડા

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આતંકીઓ વિરુદ્ધ એક્શનમાં તપાસ એજન્સી

મુન્દ્રા પોર્ટ પર 3 હજાર કિલોગ્રામ ડ્રગ્સ પકડાયાની ઘટનાની તપાસના ભાગરૂપ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા મંગળવારે 18 વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સની હેરાફેરીની આ ઘટનાના તાર આતંકવાદીઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે એવી આશંકા છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં લાજપતનગર, અલીપુર અને ખેરા કલાક વિસ્તારના કેટલાક ગોડાઉન સહિતના સ્થળે તથા નોઇડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએના પ્રવકત્તાએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન વિવિધ દસ્તાવેજો તથા ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ચેન્નાઇ, કોઇમ્બતુર તથા વિજયવાડામાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ ગત મહિને એનઆઇએએ મુન્દ્રા ડ્રગ્સ કેસ ડીઆરઆઇ (ડિરેક્ટરોટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ) પાસેથી મેળવ્યો હતો. કેસ નોંધાયા બાદ તુરંત એનઆઇએ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર યાદી મુજબ મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેઇનરમાંથી 2,988 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 હજાર કરોડથી વધુ આંકવામાં આવી હતી. ડીઆરઆઇ દ્વારા આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાંચ વિદેશીઓ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે અદાણી મુન્દ્રા પોર્ટે બે દિવસ પહેલાજ 15 નવેમ્બરથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી આવતા કંટેનર કાર્ગોને અસ્વિકાર કરવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...