તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટિલિયા અને મનસુખ મર્ડર કેસ:પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની અટકાયત કરી NIAએ પૂછપરછ શરૂ કરી, શર્માને સચિન વઝેના ગુરુ માનવામાં આવે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને ધુલેમાં આવીને વસેલા પ્રદીપ શર્માએ 35 વર્ષની પોલીસ સર્વિસમાં 112 એન્કાઉન્ટર કર્યા છે

એન્ટિલિયા અને મનસુખ મર્ડર કેસમાં બુધવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની અટકાયત કરી છે. શર્માના ઘરે બુધવારે સવારે રેડ થઈ છે અને તેમની ઘરે જ પૂછપરછ થઈ રહી છે. NIA જાણવા માગે છે કે પ્રદીપ શર્મા, સસ્પેન્ડ કરવામાં આવેલા API સચિન વઝે અને પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદેના સંપર્કમાં હતા કે નહિ. મનસુખ હિરેનની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના ખાસ રહ્યા છે.

NIA દ્વારા આ રેડ અંધેરી-ઈસ્ટના ભગવાન ભવન એપાર્ટમેન્ટમાં કરવામાં આવી રહી છે. એક ડઝનથી વધુની સંખ્યામાં NIAના લોકો શર્માના ઘરને શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શર્માના મોબાઈલ ફોન, લેપટોપ સહિત ઘણાં ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને NIAએ જપ્ત કર્યા છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા શર્મા થાણેની એન્ટી-એક્સટોર્શન સેલમાં રહી ચૂક્યા છે. 90ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ટીમને અંડરવર્લ્ડની સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીંથી શર્મા એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ બન્યા.

4 સવાલના જવાબથી સમજો ગુરુ-શિષ્ય અને કેસનું કનેક્શન

1. શર્મા NIAના રડાર પર શા માટે આવ્યા?
સૂત્રોના જણાવ્યા મુજબ, NIAની પાસે પ્રદીપ શર્મા અને સચિન વઝેની એક બેઠકની માહિતી છે. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે મનસુખના મર્ડરના થોડા દિવસો પહેલાં વઝેએ અંધેરી વિસ્તારમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરી. પ્રદીપ શર્મા પણ આ જ વિસ્તારમાં રહે છે. શક છે કે બેઠક વઝે અને શર્માની વચ્ચે થઈ. એક CCTV ફૂટેજમાં વઝે અને શિંદે બ્રાંદ્રા વર્લી સી લિન્ક પર કારમાં બેઠેલા જોવા મળ્યા. એજન્સીનું માનવું છે કે આ બંને અંધેરીમાં શર્માને મળવા જઈ રહ્યા હતા. મનસુખને જે નંબરમાંથી કોલ કરીને બોલાવવામાં આવ્યો, એનું અંતિમ લોકેશન પણ અંધેરીનું જેબી નગર હતું. NIAએ વઝેને સાથે લઈને 3 એપ્રિલની રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધેરીમાં ઘણા વિસ્તારમાં રેડ કરી હતી.

2. NIA શર્મા પાસેથી શું જાણવા માંગે છે?
NIA જાણવા માગે છે કે શર્માએ અંતિમ વખત વઝે સાથે ક્યારે મુલાકાત કરી? શું શર્માએ નોકરી છોડી દીધા પછી પણ વઝે તેમના સંપર્કમાં હતા? શું શર્માની વઝે અને શિંદેની સાથે બેઠક થઈ? શું વઝે અને શિંદેએ શર્માએ મનસુખ હિરેન વિશે કોઈ વાત કહી હતી?

3. વઝે અને શર્માનું શું કનેક્શન છે?
2007માં જ્યારે વઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એ પછી તેમણે શિવસેના જોઈન કરી હતી. એમ કહેવામાં આવે છે કે શર્માને શિવસેનામાં એન્ટ્રી કરાવનાર વઝે જ હતા. જોકે શિવસેના તરફથી એ સતત કહેવામાં આવે છે કે 2008 પછી તેમણે વઝેના સભ્યપદને રિન્યૂ કર્યું નથી. પ્રદીપ શર્માને વઝેના ગુરુ ગણવામાં આવે છે. તેઓ પોતે નાલાસોપારા વિધાનસભામાંથી શિવસેનાની ટિકિટ પર 2019ની ચૂંટણી લડી ચૂક્યા છે.

4. શર્માના કેટલા નજીકના છે વિનાયક શિંદે?
બીજી તરફ શિંદે 10 વર્ષ સુધી એ જ એન્કાઉન્ટર ટીમનો હિસ્સો રહ્યા, જેમાં શર્મા હતા. છોટા રાજનના ખાસ લખન ભૈયાનું નકલી એન્કાઉન્ટર કરાવવાનો આરોપ શર્મા, શિંદે સહિત આખી ટીમ પર લાગ્યો હતો. આરોપ હતો કે મુંબઈના બિલ્ડર જનાર્દન ભાંડે પાસેથી પૈસા લઈ લીધા પછી લખનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. શર્માને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, જોકે બાદમાં તેઓ કોર્ટમાંથી દોષમુક્ત થઈ ગયા હતા. વિનાયકની આ જ મામલામાં ધરપકડ થઈ હતી. તે પેરોલ પર બહાર આવ્યો હતો અને આ દરમિયાન મનસુખ મર્ડર કેસ બહાર આવ્યો.

35 વર્ષ પોલીસ વિભાગમાં રહ્યા શર્મા
ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને ધુલે(મહારાષ્ટ્ર)માં આવીને વસેલા પ્રદીપ શર્માએ 35 વર્ષની પોલીસ સર્વિસમાં 112 એન્કાઉન્ટર કર્યા. 100થી વધુ એન્કાઉન્ટર કરનાર તેઓ દેશના પ્રથમ પોલીસકર્મચારી છે. 2019માં તેમણે મહારાષ્ટ્ર પોલીસ વિભાગ છોડી દીધો. એ પછી 2019માં ચૂંટણી લડ્યા. તેઓ પોતાનું NGO પીએસ ફાઉન્ડેશન ચલાવે છે.