વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના પહેલા મંત્રીમંડળના વિસ્તરણમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ઘણા જૂના મંત્રીઓને બદલી દેવામાં પણ આવ્યા છે. આ ફેરબદલમાં રેલવેમંત્રી પણ બદલવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવને દેશના નવા રેલવેમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રાલયમાં પોતાનો કાર્યભાર સંભાળતાં જ અશ્વિનીએ કર્મચારીઓનો ઓફિસનો ટાઈમ બદલી દીધો છે. આ દરમિયાન રેલવેમંત્રીની એન્જિનિયર સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મુલાકાતમાં રેલવેમંત્રીએ એન્જિનિયરને કહ્યું હતું કે તમે મને સર નહીં, બોસ કહીને બોલાવશો...!
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે કાર્યાલયમાં તેમના સહયોગીઓ સાથે મુલાકાત કરી હતી. રેલવેમંત્રીની તેમના સહયોગીઓ સાથેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. તેમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ તેમના સહયોગીઓને કહી રહ્યા છે કે બહુ જ સારું કામ કરીશું, ખૂબ મજા આવશે...જીવનમાં લાગવું જોઈએ કે મજા આવી.
આ દરમિયાન રેલવે મંત્રાલયના એક કર્મચારીએ મંત્રીને તેમના અન્ય સહયોગી તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે અમે લોકો કાલે જ વાત કરતા હતા કે આપણા આ સહયોગી કર્મચારીએ એ જ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે જ્યાંથી તમે તમારો અભ્યાસ કર્યો છે. આ વાત સાંભળીને રેલવેમંત્રી ઘણા જ ખુશ થયા હતા અને તેમણે હાથના ઈશારે તે એન્જિનિયરને પોતાની નજીક બોલાવ્યો હતો. ત્યાર પછી રેલવેમંત્રીએ કહ્યું, આવો આવો...ગળે મળીએ.
વીડિયોમાં દેખાય છે કે રેલવેમંત્રી તે એન્જિનિયરને ગળે મળે છે અને બાકીના લોકો તાળીઓ વગાડીને તેમનું અભિવાદન કરે છે. ત્યાર પછી રેલવેમંત્રી વૈષ્ણવ એવું પણ કહી રહ્યા છે કે આપણી કોલેજમાં જુનિયર સિનિયર્સને સર નથી કહેતા, બોસ કહે છે તો તમે મને બોસ કહેશો...?
નોંધનીય છે કે અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના જોધપુરથી એમબીએ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અશ્વિની તે નેતાઓમાં સામેલ છે જે પહેલાં IAS અધિકારી હતા અને પછી રાજકારણમાં આવ્યા છે.
રેલવેમંત્રીએ કર્મચારીનો સમય બદલ્યો
રેલવેમંત્રીએ કાર્યભાર સંભાળતાં જ વિભાગના કર્મચારીઓનો સમય બદલ્યો છે. હવે રેલવે મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ બે શિફ્ટમાં કામ કરવું પડશે. રેલવેમંત્રી તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે પહેલી શિફ્ટ સવારે 7 વાગ્યાથી શરૂ થઈને 4 વાગે પૂરી થશે, જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી શરૂ થઈને રાતના 12 વાગ્યા સુધી ચાલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.