નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશન(IGI)એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તેના જોતા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે IGI એરપોર્ટ પર અલ કાયદાના ચીફ તરફથી બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરે શનિવારે આ અંગેની માહિતી આપી છે.
ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે કરણબીર સુરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૌલી શારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપુરથી ભારત આવી રહ્યાં છે. તે 1-3 દિવસમાં એરપોર્ટ પર બોમ્બ મુકવાની તૈયારીમાં છે. DIGએ જણાવ્યું કે તાજેતરમાં જ આ નામો અને ડિટેલ સાથે આવો જ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો, જેને બોમ્બ થ્રેટ એસસમેન્ટ કમિટી(BTAS)એ નોન સ્પેસિફિક ગણાવ્યો હતો.
સિક્યોરિટી એજન્સી અલર્ટ પર
SOPના જણાવ્યા અનુસાર, સિક્યોરિટી ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરે તમામ સંબંધિત એજન્સીઓને આ અંગેની માહિતી આપી છે અને સ્ટાફને પણ અલર્ટ કર્યો છે. હાલ IGI એરપોર્ટના તમામ ટર્મિનલ, એક્સેસ કન્ટ્રોલ અને વ્હીકલ ચેકિંગ પોઈન્ટ પર તપાસ ચાલુ છે. સાથે જ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
એપ્રિલમાં વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી
આ પહેલા 18 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. તે સમયે બેંગલુરુથી દિલ્હી આવનારી ફ્લાઈટમાં એક મુસાફરને ચિઠ્ઠી મળી હતી, જેમા વિમાનમાં બોમ્બ હોવાની વાત લખવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પહોંચતા જ પ્લેનમાં બ્લાસ્ટ થશે.
વિમાન જેવુ દિલ્હી પહોંચ્યું, તેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘેરી લીધું. જોકે તપાસમાં આવી કોઈ પણ વસ્તુ મળી ન હતી. એરપોર્ટ પોલીસ કમીશનર રાજીવ રંજને જણાવ્યું હતું કે કોઈ મુસાફરને વિમાનના વોશરૂમમાંથી એક ટિશ્યૂ પેપર મળ્યું હતુ, જેમાં એર એશિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત લખવામાં આવી હતી.
15 ઓગસ્ટ પહેલા અલર્ટ પર દિલ્હી
20 જુલાઈથી રાજધાનીમાં હાઈ અલર્ટ છે. જાસુસી એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે અલર્ટ આપવામાં આવ્યું છે. એજન્સીઓએ 15 ઓગસ્ટ પહેલા ડ્રોન દ્વારા આતંકી હુમલાના ષડયંત્ર વિશે જણાવ્યું હતું. ડ્રોન હુમલો રોકવા માટે પ્રથમ વખત દિલ્હી પોલીસ અને બીજા સુરક્ષા દળોને ટ્રેનિંગ આપવામાં આવી છે. સાથે જ ઈન્ડિયન એરફોર્સની ઓફિસમાં વિશેષ ડ્રોન કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.