દિલ્હીના કંઝાવાલા એક્સિડન્ટ કેસમાં અંજલિની માતાનો નવો આરોપ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે આ એક કાવતરું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોતાને અંજલિની મિત્ર ગણાવતી નિધિ પણ આમાં સામેલ હોઈ શકે છે.
અંજલિની માતા રેખાએ મીડિયાને જણાવ્યું કે "હું નિધિને ઓળખતી નથી. મેં તેને ક્યારેય જોઈ નથી. અંજલિ ડ્રિંક ન કરતી હતી. તે ક્યારેય નશાની હાલતમાં ઘરે આવી નથી."
તેમણે કહ્યું, "નિધિએ જે પણ દાવો કર્યો છે તે અમે માનતા નથી. નિધિ જૂઠું બોલી રહી છે. આ એક સુનિયોજિત કાવતરું છે. મને લાગે છે કે તે પોતે પણ તેમાં સામેલ છે. આની તપાસ થવી જોઈએ, પાંચેય આરોપીઓને સખત સજા મળે."
પરિવારે કહ્યું- આ પ્લાન્ડ મર્ડર, અંજલિનું બ્રેન નથી મળ્યું
આ પહેલા, અંજલિના પરિવારે આ ઘટનાને ષડયંત્ર ગણાવી છે. તેમણે કહ્યું કે નિધિ સંપૂર્ણપણે જુઠ્ઠું બોલી રહી છે. સ્કૂટી પર સવાર બે લોકોનો અકસ્માત થયા છે. એક મૃત્યુ પામે છે, પરંતુ અન્ય મદદ કર્યા વિના ત્યાંથી ભાગી જાય છે. ત્યારે અચાનક 75 કલાક પછી એક સાઈડ હીરોઈનની જેમ આવે છે અને ખોટી કહાની કહે છે.
તેમણે નિધિના આરોપોને નકારી કાઢ્યા છે. પરિવારે કહ્યું કે તે કેવી બેનપણી છે જે અકસ્માત બાદ ગાયબ થઈ ગઈ. પરિવારજનોએ જણાવ્યું કે અંજલિ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. બોડીની સાથે બ્રેન મળ્યું નથી.
ઓટોપ્સી રિપોર્ટમાં પેટમાં માત્ર ખાવાનું હોવાનો ખુલાસો
આ કેસના ફોરેન્સિક રિપોર્ટમાં અંજલિ કારની અંદર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. બુધવારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટ અનુસાર અંજલિ કારના આગળના ડાબા ટાયરમાં ફસાઈ ગઈ હતી, કારણ કે આ જ ટાયરની પાછળ લોહીના ડાઘા જોવા મળ્યા હતા. કારની નીચે અન્ય ભાગોમાં પણ લોહીના ડાઘા મળી આવ્યા હતા.
પીડિત યુવતીના ફેમિલી ડોક્ટરે અંજલિના નશામાં હોવાના દાવાને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકના પેટમાં આલ્કોહોલ નથી.
તેમણે કહ્યું, 'ઓટોપ્સી રિપોર્ટ અનુસાર પેટની અંદર ખાવાનું જ મળ્યું છે. જો અંજલિએ ડ્રિંક કર્યું હોત તો રિપોર્ટમાં કેમિકલની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોત, પરંતુ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પેટમાં માત્ર ખાવાનું જ મળ્યું છે. ડોક્ટરે પણ કહ્યું કે આ કોઈ સામાન્ય હત્યા નથી. મૃત્યુ પહેલાં અંજલિને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેના શરીર પર 40 ઈજાનાં નિશાન હતાં.
અગાઉ નિધિએ પોલીસને કહ્યું હતું - અંજલિ નશામાં ગાડી ચલાવી રહી હતી
અંજલિની બહેનપણી નિધિએ પોલીસને આપેલા નિવેદનમાં અકસ્માત માટે કારચાલકોની ભૂલ ગણાવી છે. જો કે તેણે અંજલિ નશામાં હોવાની વાત પણ કરી છે. તેણે દાવો કર્યો, "અંજિલ ખૂબ જ નશામાં હતી. મેં તેને કહ્યું કે મને સ્કૂટી ચલાવવા દે પરંતુ તેણે મને સ્કૂટી ચલાવવા દીધું નહીં. કારે અમને ટક્કર માર્યા પછી હું એક બાજુ પડી ગઈ અને તે કારની નીચે આવી ગઈ. પાછળથી, તે કારની નીચે કોઈ વસ્તુમાં ફસાઈ ગઈ. કાર તેને ખેંચીને લઈ ગઈ. હું ડરી ગઈ એટલે હું ત્યાંથી નીકળી ગઈ અને કોઈને કહ્યું નહીં."
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિધિએ જણાવ્યું કે જ્યારે કાર અથડાઈ ત્યારે તે ડરી ગઈ હતી જેના કારણે તેણે કોઈને કંઈ કહ્યું નહીં. અમે બંને હોટલમાં સાથે હાજર હતાં.
બીજી તરફ આરોપીઓએ પોલીસને નિવેદન આપ્યું છે કે સ્કૂટી રોડ પર આડુંઅવળું ચાલતું હતું જેના કારણે ટક્કર થઈ હતી. હાલ પોલીસ બંને પક્ષોનાં નિવેદનો ચકાસી રહી છે.
પોલીસ ફોર્સની હાજરીમાં અંતિમ સંસ્કાર
દિલ્હીના મંગોલપુરીના વાય બ્લોક સ્મશાનભૂમિ (વિજય વિહાર રોડ) ખાતે મૃતક યુવતી અંજલિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સ હાજર હતી. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને કેસ લડવા માટે શ્રેષ્ઠ વકીલની નિમણૂક કરવામાં આવશે. તો અંજલિની માતાએ મીડિયાને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પાંચેય આરોપીઓને ફાંસી આપવામાં આવે. મારી દીકરીના અંતિમ સંસ્કાર ભલે થઈ ગયા પણ જનતા ચૂપ નહીં બેસે.
પોસ્ટમોર્ટમમાં માથા અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજા જોવા મળી
દિલ્હીના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) એસપી હુડ્ડાએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં અંજલિના માથા, કરોડરજ્જુ અને ડાબા સાથળમાં ઈજા થઈ હતી અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ થયું હતું. બળાત્કારની પુષ્ટિ થઈ નથી. અગાઉ, પોલીસે ખુલાસો કર્યો હતો કે પીડિતા તેની બહેનપણી નિધિ સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ અંજલિ કારમાં ફસાઈ ગઈ હતી અને તે 12 કિમી સુધી ઢસડાઈ હતી.
તમામ આરોપીઓ રિમાન્ડ પર
કોર્ટે પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે દીપક ખન્ના કાર ચલાવી રહ્યો હતો. તેમાંથી મનોજ મિત્તલ ભાજપનો આગેવાન હોવાનું કહેવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.