સ્કૂલોનું ન્યૂ નોર્મલ:NCERTએ કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, હવે સ્કૂલો પણ ઑડ-ઇવન શરૂ થશે

નવી દિલ્હી3 વર્ષ પહેલાલેખક: અમિત કુમાર નિરંજન
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • NCERTનું સૂચન: રૂમના બદલે ખુલ્લા આકાશ નીચે ભણાવાય તો વધુ સારું
 • ધોરણ પ્રમાણે સ્કૂલના સમયમાં 10 મિનિટનું અંતર, જેથી વિદ્યાર્થી એક સાથે ભેગા ન થાય
 • NCERTના ડ્રાફ્ટ મુદ્દે આખરી નિર્ણય લઈને કેન્દ્ર માર્ગદર્શિકા જાહેર કરશે
 • હવામાન ખરાબ થતાં રૂમમાં ક્લાસ લેવો પડે તો એસી બંધ રહેશે, બારી-બારણાં ખુલ્લાં

એનસીઈઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે. વિદ્યાર્થીઓના સ્કૂલ પહોંચવાના સમયે ધોરણો પ્રમાણે 10-10 મિનિટનું અંતર રખાશે. આ ડ્રાફ્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના હેતુથી ક્લાસ ખુલ્લા આકાશ નીચે લેવાય એવું પણ સૂચન કરાયું છે.

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ માટે એક સીટ પર એક જ વિદ્યાર્થીને બેસાડી શકાશે અને માર્ગદર્શિકામાં વધુ વિગતો જાહેર કરાશે. હોસ્ટેલ હોય ત્યાં બેડ પણ 6-6 ફૂટના અંતરે રાખવાના રહેશે અને કુલ ક્ષમતાના 33% વિદ્યાર્થી જ હોસ્ટેલમાં રહી શકશે.

6 તબક્કામાં સ્કૂલ ખૂલશે

 • પ્રથમ તબક્કો – 11માં અને 12માંના ક્લાસ શરૂ થશે.
 • 1 અઠવાડિયા પછી – 9માં અને 10માંના ક્લાસ શરૂ થશે.
 • 2 અઠવાડિયા પછી – 6થી 8 ધોરણ સુધીના ક્લાસ શરૂ થશે.
 • 3 અઠવાડિયા પછી – 3થી 5 ધોરણના ક્લાસ શરૂ થશે.
 • 4 અઠવાડિયા પછી – પહેલા ધોરણના ક્લાસ શરૂ થશે.
 • 5 અઠવાડિયા પછી – વાલીઓની સંમતિથી નર્સરી-કેજીના ક્લાસ શરૂ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનની સ્કૂલ બંધ રહેશે.

સ્કૂલ : ક્લાસમાં બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી

 • ક્લાસમાં 30 કે 35 બાળકોને જ બેસાડી શકાશે. વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી.
 • ક્લાસમાં એસી નહીં ચલાવાય. દરવાજા-બારી ખૂલ્લાં રહેશે.
 • વિદ્યાર્થીઓને ઓડ-ઈવનના આધારે બોલાવવાના રહેશે પણ હોમ એસાઈનમેન્ટ રોજ આપવાનું.
 • ડેસ્ક પર નામ લખેલું હશે, જેથી બાળકો રોજ એક જ જગ્યાએ બેસે.
 • મોર્નિંગ એસેમ્બલી અને વાર્ષિક ઉત્સવ નહીં યોજાય.

બાળકો: નોટ-બુક્સ, પેન્સિલ, નાસ્તો શૅર નહીં કરી શકે

 • દરેક બાળક માટે માસ્ક જરૂરી.
 • બાળકો નોટ-બુક્સ, પેન, પેન્સિલ, ઇરેઝર વગેરે શૅર નહીં કરી શકે.
 • પાણી ઘરેથી લઇને આવશે. નાસ્તો કોઇની સાથે શૅર નહીં કરી શકે.
 • જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે તેમના વાલીઓને જાણ કરાશે.