કોંગ્રેસમાં ફરી હોબાળો:સિદ્ધુનું રાજીનામું નામંજૂર, સમર્થનમાં રઝિયા સુલ્તાન સહિત 3 લોકોનાં રાજીનામાં; ચન્નીએ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી

એક મહિનો પહેલા

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન મોટા સમાચાર એ છે કે કોંગ્રેસ અધ્યક્ષે સિદ્ધુનું રાજીનામું સ્વીકાર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને આ મામલે પોતાના સ્તરે ઉકેલ લાવવા જણાવ્યું છે.

સિદ્ધુના સમર્થનમાં રઝિયા સુલ્તાનાએ પણ ચન્ની કેબનેટથી રાજીનામું આપી દીધું છે. તેમણે મંગળવાર સવારે જ ચાર્જ સંભાળ્યો હતો. રઝિયા સિદ્ધુના સલાહકાર અને પૂર્વ DGP મોહમ્મદ મુસ્તફાની પત્ની છે. તેઓએ મંગળવારે સવારે જ ચાર્જ સંભાળ્યો હતો. આ અગાઉ, પંજાબ કોંગ્રેસના નવનિયુક્ત ખજાનચી ગુલઝાર ઈન્દ્રસિંહ ચહલ અને મહાસચિવ યોગેન્દ્ર ઢીંગરાએ પણ સિદ્ધુના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. સાંજે પાર્ટીના પ્રભાર મહાસચિવ પ્રશિક્ષણ ગૌતમ સેઠે પણ રાજીનામું આપી દીધું છે

પરગટના રાજીનામાંના સમાચાર પરંતુ તેઓનો ઈનાકર
આ વચ્ચે માહિતી સામે આવી છે કે કેબિનેટ મંત્રી પરગટ સિંહે પણ રાજીનામું આપી દીધું છે. સમાચાર ફ્લેશ થયા બાદ પરગટે પોતાના રાજીનામાંના સમાચાર નકારતા સ્પષ્ટ કર્યું છે કે પંજાબ કેબિનેટમાં જ છું. જો કે તેઓ સિદ્ધુના સૌથી નજીકના ધારાસભ્ય માનવામાં આવે છે. પરગટ સિદ્ધુને મળવા પટિયાલા રવાના થઈ ગયા છે.

પટિયાલામાં નવજોતસિંહ સિદ્ધુના ઘરે કોંગ્રેસના ધારાસભ્યો એકઠાં થવા લાગ્યા છે. પાર્ટીના નેતા કુલજીત નાગર, ઈન્દ્રબીરસિંહ બુલારિયા, મંત્રી રઝિયા સુલ્તાના અને તેમના પતિ મોહમ્મદ મુસ્તફા સિદ્ધુના ઘરે પહોંચી ગયા છે. મુસ્તફા સિદ્ધુના સલાહકાર છે અને સોમવારે જ તેઓએ કેપ્ટન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે સિદ્ધુની આગેવાનીમાં આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત નિશ્ચિત છે.

ચન્નીએ ઈમરજન્સી મીટિંગ બોલાવી, નક્કી કરવામાં આવશે કે સિદ્ધુને મનાવવા કે નહીં
પંજાબના CM ચરણજીત ચન્નીએ બુધવારે સાંજે જ ઈમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. સિદ્ધુના રાજીનામાથી ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મીટિંગમાં તે પણ નક્કી થશે કે સિદ્ધુને મનાવવા કે નહીં.

મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલવામાં આવેલું રઝિયા સુલ્તાનાનું રાજીનામું
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલવામાં આવેલું રઝિયા સુલ્તાનાનું રાજીનામું
નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું
નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું

અમરિંદરે કહ્યું- સિદ્ધુની માનસિક સ્થિતિ સારી નથી
નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા વિશે કેપ્ટન અમરિંદર સિંહની પ્રતીક્રિયા આવી છે. કેપ્ટને કહ્યું છે કે, મેં પહેલાં જ કહ્યું હતું કે, સિદ્ધુ સ્થિર માણસ નથી. તેઓ પંજાબ જેવા બોર્ડર સ્ટેટ માટે ફિટ નથી.

સિદ્ધુ પક્ષથી નારાજ?
નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું એટલે ચોંકાવનારુ છે, કારણકે કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તે સાથે જ તેમની સાથેના વિવાદના કારણે જ કેપ્ટન અમરિંદર સિંહે તેમનું પદ છોડ્યું હતું.

કેપ્ટન અમરિંદર સિંહે પદ છોડ્યા પછી જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ તાજેતરમાં જે રીતે પંજાબમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નહતા.

ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બન્યા પછી જે પ્રમાણેની તસવીરો સામે આવી હતી તે વિશે પણ ઘણાં વિવાદ શરૂ થયા હતા. તેમાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડેલો હતો. તેના કારણે કોંગ્રેસની અંદર આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજીનામાનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું
સિદ્ધુના રાજીનામાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે, સિદ્ધુને મુખ્યમંત્રી ના બનાવવાના કારણે તેઓ નારાજ હતા. ત્યારપછી મંત્રી પદ અને મંત્રાલયની વહેંચણીમાં સિદ્ધુની કોઈ વાત માનવામાં આવી નહતી. મંગળવારે મંત્રાલયની વહેંચણી કરવામાં આવી તો ગૃહ વિભાગ સુખજિંદર રંધાવાને આપવામાં આવ્યું. ત્યારપછી બપોરે સિદ્ધુએ રાજીનામું આપી દીધું હતું.
નવજોત સિંહ સિદ્ધુની આગેવાનીમાં પંજાબ કોંગ્રેસમાં થયેલી બળવાખોરીના પરિણામના આધારે 18 સપ્ટેમ્બરે કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી. ત્યારપછી 20 સપ્ટેમ્બરે ચરણજીત સિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે મંત્રીમંડળમાં પોતાની વાતને મહત્વ ના મળતા નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે.

ચન્ની સાથે રહ્યા તો સુપર સીએમ કહેવાયા
ચરણજીત સિંહ ચેન્નીના મુખ્યમંત્રી બનતા ખુશ ના હોવા છતા સિદ્ધુ ચેન્નીની સાથે રહેવા લાગ્યા. જોકે ત્યારપછી તેમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા કે તેઓ સુપર સીએમની જેમ વર્તન કરી રહ્યા છે. ત્યારપછી સિદ્ધુએ પીછે હટ કરવી પડી. માનવામાં આવે છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને આ વિશે ટોકવામાં આવ્યા હતા. તેથી છેલ્લાં કેટલાક દિવસોથી તેઓ અલગ થઈ ગયા હતા.

4 ચહેરાના મંત્રી બનતા વિરોધમાં હતા સિદ્ધુ
માનવામાં આવે છે કે, ચન્ની સરકારમાં સિદ્ધુ 4 ચહેરાના વિરોધમાં હતા. સિદ્ધુને પહેલેથી જ અંદાજ હતો કે તેમની છબી વિવાદિત છે તેથી તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં નહીં આવે. તેમ છતાં તેમની ભલામણ પણ સાંભળવામાં આવી નહતી. સિદ્ધુએ એડવોકેટ ડીએસ પટવાલિયાને પંજાબના નવા એડવોકેટ જનરલ બનાવવાની ભલામણ કરી હતી, તેમ છતાં હવે એપીએસ દેયોલને પંજાબના નવા એજી બનાવવામાં આવ્યા છે. સિદ્ધુ ડિપ્યૂટી સીએમ સુખજિંદર રંધાવાને પણ ગૃહ વિભાગ આપવાના પક્ષમાં નહતા. તેઓ ઈચ્છતા હતા કે મુખ્યમંત્રી ચરણજીત ચેન્ની આ પદ તેમની પાસે રાખે. તેમ છતાં સિદ્ધુની વાત માનવામાં ના આવી અને હોમ મિનિસ્ટ્રી રંધાવાને આપવામાં આવી.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

અન્ય સમાચારો પણ છે...