317 દિવસ બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ:CM ભગવંત માન અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા; કહ્યું- પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નવજોતસિંહ સિદ્ધુ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. સિદ્ધુ 317 દિવસ બાદ પટિયાલા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને 1988ના પટિયાલામાં થયેલા રોડરેજ કેસમાં સજા થઈ હતી. સુપ્રીમ કોર્ટે 19 મે 2022ના રોજ તેમને સજા સંભળાવી હતી. સિદ્ધુ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે તેમના સમર્થકોનું સલામી સાથે અભિવાદન કર્યું હતું. તેમણે રાહુલ ગાંધીને ક્રાંતિકારી ગણાવ્યા. આ ઉપરાંત પંજાબના CM ભગવંત માનને અખબારી સીએમ કહ્યા. સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થાના બહાને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગે છે.

વાંચો સિદ્ધુના નિવેદનની મોટી વાતો...

1. રાહુલનું લોકસભા સભ્યપદ રદ્દ કરવા મામલે
સિદ્ધુએ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કરવા મુદ્દે કહ્યું- લોકતંત્ર આજે ખતરામાં છે. સંસ્થાઓ ગુલામ છે. જ્યારે પણ આ દેશમાં સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે. રાહુલ ગાંધી એક એવી ક્રાંતિ છે જે કેન્દ્ર સરકારને હચમચાવી નાખશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પૂર્વજોએ દેશને આઝાદ કરાવ્યો છે.

2. પંજાબની તાજેતરની સ્થિતિ અને CM માન પર
સિદ્ધુએ પંજાબની તાજેતરની સ્થિતિને લઈને પંજાબના CM ભગવંત માન અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું- ભગવંત માને પંજાબમાં સપના અને જુઠ્ઠાણું વેચ્યું. પંજાબીઓને મૂર્ખ બનાવ્યા. આજે તે અખબારી મુખ્યમંત્રી તરીકે બેઠા છે. મારી સુરક્ષા પાછી ખેંચવાની વાત કરી. એક સિદ્ધુને મરાવી નાખ્યો, હું ડરતો નથી. હું અમૃતપાલ અને સિદ્ધુ મુસેવાલાના ઘરે જઈશ અને વાત કરીશ.

3. કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસનનું ષડયંત્ર રચી રહી છે
સિદ્ધુએ પંજાબની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે કહ્યું- પંજાબ આ દેશની ઢાલ છે, તેને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જ્યાં પણ લઘુમતીઓ બહુમતીમાં હોય ત્યાં કેન્દ્ર સરકાર ષડયંત્ર કરે છે. પહેલા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાય છે, પછી તેને દબાવવાના પ્રયાસમાં કહેવાય છે કે અમે તેને શાંત કરી દીધો.

4. અમૃતપાલ અને મૂસેવાલા પર પણ બોલ્યા
જ્યારે સિદ્ધુને અમૃતપાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરે જઈને કાયદો અને વ્યવસ્થા પર વાત કરશે. તમને જણાવી દઈએ કે મૂસેવાલાની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉભો થયો હતો. નવજોત સિદ્ધુ અમૃતપાલ કેસને કાયદો અને વ્યવસ્થા સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. તેથી જ તેમણે મૂસેવાલાના ઘરે જવાની વાત કરી.

5. પત્નીને કેન્સર, પરંતુ હું દરેક કોંગ્રેસી સાથે ઉભો છું
સિદ્ધુએ કહ્યું કે જો તમે પંજાબને નબળું પાડશો તો તમે પોતે પણ નબળા થઈ જશો. સિદ્ધુ પોતાના પરિવાર માટે નથી લડી રહ્યા. સિદ્ધુએ કહ્યું કે મારી પત્ની કેન્સરથી પીડિત છે. પરંતુ મારા માટે રાષ્ટ્રવાદથી મોટું કંઈ નથી. સિદ્ધુએ કહ્યું કે આ મુશ્કેલીના સમયે હું દરેક કોંગ્રેસી સાથે ખડકની જેમ ઉભો છું.

નવજોત સિદ્ધુના રોડ શો માટે ફુલોથી તૈયાર કરવામાં આવેલું વાહન
નવજોત સિદ્ધુના રોડ શો માટે ફુલોથી તૈયાર કરવામાં આવેલું વાહન

મુક્તિમાં વિલંબ થયો
આ પહેલા સિદ્ધુની મુક્તિમાં વિલંબ થતો રહ્યો. પહેલા સવારે 11 વાગ્યે અને પછી 3 વાગ્યે તેમની મુક્તિની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમને લગભગ સાંજે 6 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના પુત્ર કરણ સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે તેમને કાગળના નામે બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સવારથી ઘણી વખત એક કલાકમાં મુક્તિ થવાની વાત કહેવામાં આવી. સમર્થકોની ભારે ભીડને કારણે મુક્તિમાં વિલંબ થયો.

પટિયાલા પહોંચેલા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ સ્પોક્સ પર્સન ગૌતમ સેઠે જણાવ્યું કે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આજે રાજ્ય સ્તરના કાર્યક્રમો રદ કરવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસના તમામ નેતાઓને નવજોત સિંહ સિદ્ધુના સ્વાગત માટે પટિયાલા જેલ પહોંચવાનો આદેશ આપ્યો છે.

નવજોત કૌર સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું- બરાબર છેઃ તમારી રાહ જોઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત થતાં જોયા. સત્ય એટલું શક્તિશાળી છે. પરંતુ તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરજો તમારા માટે રાહ જોઈ શકતી નથી કારણ કે સ્ટેજ 2 જીવલેણ કેન્સર છે. આજે સર્જરી માટે જાવું છે. કોઈને દોષ ન આપવો જોઈએ, કારણ કે આ ભગવાનની યોજના છે.

પટિયાલા સેન્ટ્રલ જેલની બહાર સિદ્ધુની મુક્તિ માટે ઢોલ વગાડવામાં આવી રહ્યા છે.
પટિયાલા સેન્ટ્રલ જેલની બહાર સિદ્ધુની મુક્તિ માટે ઢોલ વગાડવામાં આવી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુને સજા દરમિયાન કોઈ રજા ન લેવાનો ફાયદો મળી રહ્યો છે કે તે 19મેના રોજ મુક્ત થવાનો હતો હવે 48 દિવસ પહેલાં જ મુક્ત થઈ રહ્યા છે. શુક્રવારે સિદ્ધુના ટ્વિટર પેજ પર આ માહિતી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓએ રિલીઝની સૂચના આપી છે.

નવજોત સિંહ સિદ્ધુને લેવા માટે આ વખતે કોઈ ખાસ તૈયારી કરવામાં આવી નથી. ત્યાં જ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રધાન અમરિંદર સિંહ રાજા વડિંગે પણ તેમને રિસીવ કરવા જવાની ના પાડી દીધી છે. જોકે, સિદ્ધુના સમર્થકો તેમના ગ્રાન્ડ વેલકમની તૈયારીમાં છે.

સિદ્ધિની મુક્તિ પહેલાં જ વિવાદ
રિલીઝ પહેલાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા અમરિંદર સિંહ રાજા વેડિંગે નવજોત સિંહ સિદ્ધુના સહયોગી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અમૃતસર ઈસ્ટમાં નવા અમૃતસર બ્લોક પ્રધાન નવતેજ સિંહ સુલતાનવિંદને હટાવવામાં આવ્યા છે. જનરલ સેક્રેટરી કેપ્ટન સંદીપ સિંહ સંધુ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ પગલું પ્રધાન રાજા વેડિંગના નિર્દેશ પર લેવામાં આવ્યું છે. સુલતાનવિંદ પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમોમાં નવતેજ ગેરહાજર રહ્યા હતા.

કાળી માતા મંદિર અને દુઃખ નિવારણ ગુરુદ્વારામાં જશે.
નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી મુક્ત થયા પછી કાળી માતા મંદિર અને દુઃખ નિવારણ ગુરુદ્વારામાં દર્શન કરવા પહોંચશે. અહીંથી તેઓ સીધા ઘરે જશે, જ્યાં તેઓ તેમની પત્ની ડૉ.નવજોત સિંહ સિદ્ધુ સાથે થોડો સમય રોકાશે.

નોંધનીય છે કે ડો. નવજોત કૌર સિદ્ધુ કેન્સરથી પીડિત હતાં. તેઓ કેન્સર સ્ટેજ-2ના દર્દી હતાં. ડેરા બસ્સીની જ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમનું ઓપરેશન થયું. જ્યાંથી તેમને બુધવારે રજા આપવામાં આવી છે. હાલ તેઓ પટિયાલા સ્થિત ઘરમાં જ છે અને બેડ રેસ્ટ છે. નવજોત સિંહ સિદ્ધુ મુક્ત થયા પછી તેમની પાસે જશે.

પત્ની ડો. નવજોત કૌર, દીકરા એડવોકેટ કરણ સિદ્ધુ અને દીકરી રાબિયા સાથે નવજોત સિદ્ધુ
પત્ની ડો. નવજોત કૌર, દીકરા એડવોકેટ કરણ સિદ્ધુ અને દીકરી રાબિયા સાથે નવજોત સિદ્ધુ

એડવોકેટ દીકરાએ કહ્યું- પપ્પાનું વેલકમ જોરદાર જ હોય છે
નવજોત સિંહ સિદ્ધુના દીકરા એડવોકેટ કરણ સિદ્ધુએ કહ્યું કે તે, તેમની માતા અને તેમની બહેન બધા લોકો પટિયાલા સ્થિત તેમના ઘરે પિતાના આવવાની રાહ જોઈ રહ્યા છે. બધા લોકો એકસાથે બેસીને ભોજન કરવા ઇચ્છે છે, કેમ કે તેમના પિતા લગભગ 1 વર્ષ પછી પાછા ફરશે.

જેલમાંથી છૂટ્યા પછી રાજકારણમાં તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવેલા જવાબમાં કરણ સિદ્ધુએ કહ્યું કે જ્યારે પણ પિતા નીચેથી ઉપર આવે છે, ત્યારે તેમની વાપસી હંમેશાં ખૂબ જ મજબૂત હોય છે. સક્રિય રાજકારણમાં તેઓ તેમના સ્વાસ્થ્યની કાળજી લઈ શકતા ન હતા, તેથી તેમણે આ એક વર્ષમાં જેલમાં તેમના સ્વાસ્થ્ય પર સૌથી વધારે ધ્યાન આપ્યું હતું.

તેમણે પોતાનું વજન ઘટાડ્યું છે. મેડિટેશન કર્યું છે. તેમને ઘણું વિચારવાનો સમય મળ્યો છે, તેથી બહાર આવ્યા પછી શું સ્ટેન્ડ લે છે, તેની જાણકારી તેઓ બહાર આવશે પછી જ મળશે.

શું છે સિદ્ધુનો રોડરેજ કેસ?
1988માં પંજાબના પટિયાલામાં ગાડી પાર્કિંગને લઈને 65 વર્ષના ગુરનામ સિંહ સાથે સિદ્ધુનો વિવાદ થઈ ગયો. આ વિવાદમાં સિદ્ધુએ ગુરનામ સિંહને મુક્કાઓ માર્યા, જે પછી ગુરનામ સિંહનું મોત થઈ ગયું. મૃતક ગુરનામ સિંહના પરિવારે 2010માં એક ચેનલ શોમાં સિદ્ધૂ દ્વારા ગુરનામને મારવાની વાતનો સ્વીકાર કરવાની સીડી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.

રોડરેજ કેસમાં સિદ્ધુ સાથે શું-શું થયું?
રોડરેજ સાથે જોડાયેલા મામલે સપ્ટેમ્બર 1999માં પંજાબની નીચલી કોર્ટે સિદ્ધૂને મુક્ત કર્યો હતો, પરંતુ ડિસેમ્બર 2006માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે IPCના સેક્શન 304-II હેઠળ સિદ્ધુ અને એક અન્યને અજાણતા થયેલી હત્યાના દોષી જાહેર કરી 3-3 વર્ષની સજા સંભળાવી હતી.

આ સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી. 2018માં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને અજાણતા થયેલી હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કરતાં IPCના સેક્શન 323 અંતર્ગત પીડિતને ઈજા પહોંચાડવાના દોષી જાહેર કરી એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરનામ સિંહના પરિવારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. હવે આ રિવ્યૂ પિટિશનની સુનાવણી થતાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી છે.

પત્ની નવજોત કૌર કેન્સરથી પીડિત, લખ્યું- રાહ જોઈ શકતી નથી
નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર કેન્સરથી પીડિત છે. તેમને સ્ટેજ-2નું કેન્સર છે. થોડા દિવસ પહેલાં નવજોત કૌરે તેના પતિ સિદ્ધુ માટે મેસેજ લખ્યો હતો કે તે તેમના રિલીઝ થવાની રાહ જોઈ શકતી નથી. તેમની તકલીફ વધી રહી છે. ત્યાર બાદ અનેક સિનિયર કોંગ્રેસી નેતાઓએ તેમને જલદી મુક્ત કરવા અંગે માગ કરી હતી.

ક્રિકેટરથી નેતા બન્યા નવજોત સિંહ સિદ્ધુ
નવજોત સિદ્ધુએ કોમેન્ટ્રી અને TVમાં ખૂબ જ નામ કમાયું છે. તેઓ પંજાબના ટૂરિઝમ મંત્રી પણ રહ્યા છે. અમૃતસરથી લોકસભાના સભ્ય રહેલા સિદ્ધુની મૂળ ઓળખ ક્રિકેટ સાથે છે. તેમના પિતા સરદાર ભગવંત સિંહ ક્રિકેટર હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમનો દીકરો પણ તેમની જેમ ખેલાડી બને.

પોતાના પિતાની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે સિદ્ધુએ 1983માં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ રમી. સિદ્ધુએ કુલ 51 ટેસ્ટ મેચ અને 136 વનડે મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 3202 અને વનડેમાં 4413 રન બનાવ્યા છે. લગભગ 17 વર્ષ પછી 1999માં ક્રિકેટથી સંન્યાસ લીધો.

નાના પડદા પર પણ સિદ્ધુ ચમક્યા
સિદ્ધુએ ક્રિકેટ પછી ટેલિવિઝનના નાના પડદા પર પણ પોતાનો હુનર બતાવ્યો. કોમેન્ટ્રી કરવા સિવાય તેઓ રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહ્યા છે. ગ્રેટ ઇન્ડિયન ચેલેન્જ અને કપિલ શર્મા શોનો પણ તેઓ ભાગ રહ્યા. આ સિવાય તેમણે મુજસે શાદી કરોગી અને એબીસીડી 2 ફિલ્મમાં કેમિયો કર્યો. પંજાબી ફિલ્મ મેરા પિંડમાં પણ તેમણે એક્ટિંગ કરી છે.

સિદ્ધુની પત્ની નવજોત કૌર ડોક્ટર છે, તેઓ પંજાબ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યાં છે.
સિદ્ધુની પત્ની નવજોત કૌર ડોક્ટર છે, તેઓ પંજાબ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યાં છે.

2017માં ભાજપ છોડ્યું હતું
2017માં સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ તે જ વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પૂર્વ અમૃતસર બેઠક 42 હજાર 809 મતોના માર્જિનથી જીતી. સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.