• Gujarati News
  • National
  • Navi Mumbai Murder Case; 15 Year Old Girl Killed Her Mother Over Studies For NEET Entrance Exam

મુંબઈમાં 15 વર્ષની દીકરીએ કરી માતાની હત્યા:માતા ભણવા માટે ટોકતી હતી, તેથી કરાટે બેલ્ટથી ગળું દબાવી દીધું, પછી સંબંધીઓને સુસાઇડનો મેસેજ પણ મોકલી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વારંવાર ભણવા ટોકતાં નારાજ 15 વર્ષની દીકરીએ તેની માતાનું કરાટે બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દીધી છે. માતા દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું જોતી હતી અને તેથી તેને વારંવાર એન્ટ્રસ એક્ઝામ (NEET)નો અભ્યાસ કરવાનું કહેતી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના 30 જુલાઈની છે અને રબાલે પોલીસે કિશોરી સામે હત્યાનો કેસ દાખલ કરીને તેની અટકાયત કરી લીધી છે. દીકરીએ પણ તેનો આરોપ સ્વીકારી લીધો છે. ઘટનાની તપાસ કરતાં એપીઆઈ અવિનાશ મહાજને જણાવ્યું હતું કે 30 જુલાઈએ શૈલેષ પવાર નામની વ્યક્તિએ સૂચના આપી કે ઐરોલીમાં રહેતી તેની બહેન શિલ્પા જાધવે તેના ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો છે.

ગળામાં વીંટાળેલો હતો કરાટે બેલ્ટ
ત્યાર પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો તો જોયું કે મહિલાની 15 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો જમીન પર બેઠા હતા, પરંતુ બેડરૂમનો દરવાજો બંધ હતો. તેને તોડ્યા પછી શિલ્પા જાધવ નામની મહિલા જમીન પર બેભાન પડેલી મળી હતી અને તેના ગળામાં કરાટે ડ્રેસનો બેલ્ટ વીંટાળેલો હતો. ત્યાર પછી પોલીસે તરત તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

હત્યાના 9 દિવસ પછી પકડાઈ દીકરી
ત્યાર પછી પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી અને આશરે 9 દિવસ પછી રવિવારે સાંજે કડક પૂછપરછ દરમિયાન 15 વર્ષીય દીકરીએ પોતાની માની હત્યા કર્યાની વાત સ્વીકારી. તેણે પોલીસને જણાવ્યું હતું કે માતા તેના પર ભણવા માટે ખૂબ દબાણ કરતી હતી. એના પછી રવિવાર રાત્રે પોલીસે હત્યાનો કેસ દાખલ કરી દીકરીની ધરપકડ કરી છે.