ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મેળવી લીધી છે. અન્ય રાજ્યોમાં સતત આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું હતું અને હવે પક્ષે નેશનલ પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે આપે કેટલી મુશ્કેલીઓ અને પડકારોને પાર કર્યા બાદ આ દરજ્જો હાંસિલ કર્યો. કેટલી ચૂ્ંટણી જીત્યા બાદ આપને નેશનલ પાર્ટી તરીકે જાહેર કરવામાં આવી. આખરે કેટલી રાજકીય પાર્ટીઓ નેશનલ પાર્ટી તરીકે ઓળખાય છે અને કેટલી પાર્ટીઓ સ્ટેટ પાર્ટી તરીકે છે. આ બંને સ્તરની માન્યતા મેળવવા રાજકીય પાર્ટીએ કેટલી મહેનત કરવી પડે છે અને કેટલી ચૂંટણી લડવી પડે છે. આ તમામ સવાલોના જવાબ અહીં મેળવીશું માત્ર સ્ટેપમાં. રાષ્ટ્રીય સ્તરની માન્યતા માટેના માપદંડ ત્રણ સ્ટેપમાં સમજો.
આપ બની નેશનલ પાર્ટી
દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ પોતાનું કદ વધારી રહી છે. દિલ્હીમાં આપ પહેલાથી બહુમતી સાથે સરકાર બનાવી ચુકી છે. અને પંજાબમાં પણ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી લીધી છે. તો ક્રમમાં ગોવા પણ સામેલ છે જ્યાં ચૂંટણી પંચે રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો આપી દીધો છે. હવે ગુજરાત રાજ્યમાં પણ આ વખતે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી્માં માપદંડ પ્રમાણે 12 ટકા વોટશેર હાંસિલ કરી નેશનલ પાર્ટીનું ટેગ મેળવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં દાવા પ્રમાણે આપનું સારું પ્રદર્શન ન રહ્યું પરંતુ, મળતી માહિતી મુજબ, પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વીડિયો શેયર કરી જણાવ્યું કે AAP હવે નેશનલ પાર્ટી બની ચૂકી છે. ગુજરાતના મતદારોએ ગાંધીનગરની ગાદી ન આપી પરંતુ, 12 ટકા વોટ શેર આપીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દીધો છે.
કેવી રીતે મળે નેશનલ પાર્ટીની માન્યતા?
નેશનલ પાર્ટી બનવા માટે શું કરવું પડે છે. તેના માપદંડ શું હોય છે. જો કોઈ પક્ષ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માગતો હોય તો તેની કેટલીક શરતો હોય છે. જેનું પાલન કરવું જરૂરી બને છે. આ ત્રણ શરતોમાં કોઈ એક શરત પૂર્ણ થાય તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી શકે છે. ત્યારબાદ તે પક્ષને કેટલીક સુવિધાઓ પણ મળે છે અને ચૂંટણી પંચની તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ કેટલાક ખાસ કાર્યો પણ કરી શકે છે.
માપદંડ- 1
3 રાજ્યોમાં મળીને કુલ લોકસભાની બેઠકોની 3 ટકા બેઠકોમાં વિજય અનિવાર્ય.
માપદંડ- 2
લોકસભા કે વિધાનસભામાં ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા 6 ટકા વોટશેર જરૂરી.
માપદંડ- 3
ચાર રાજ્યોમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે છે.
નેશનલ પાર્ટી તરીકે કેટલા પક્ષ?
ભારતમાં હાલ નેશનલ પાર્ટીની વાત કરીએ કે જેને રાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી તરીકે સામેલ છે. જેમાં આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવી આઠમી નેશનલ પાર્ટી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.