ભાસ્કર LIVE અપડેટ્સ:આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCBએ બે તપાસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, બેદરકારી અને ગરબડીનો આરોપ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કૉર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBએ એક મોટી કાર્યવાહી કરતા આ કેસના બે તપાસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. જેમાં IO અને ઈન્ટેલિજન્સ ઓફિસર સામેલ છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મુખ્ય તપાસ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ વીવી સિંહ અને ઈન્ટેલીજન્સ ઓફિસર આશીષ રંજન પ્રસાદ સામેલ છે. બંનેના કામમાં બેદરકારી અને ગરબડીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કેસમાં 2 ઓક્ટોબર 2021નાં રોજ NCBએ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. લગભગ 26 દિવસ જેલમાં રહ્યાં બાદ આર્યન હાલ જામીન પર બહાર છે. આ કેસમાં વિવાદ પછી NCBના ઝોનલ ડાયરેક્ટર રહેલા સમીર વાનખેડેને DRIમાં મોકલી દીધા હતા.

આર્યન ઉપરાંત આ કેસમાં 19 અન્ય લોકોની NCBએ ધરપકડ કરી હતી. જેમાંથી એકને છોડીને લગભગ તમામ લોકો જામીન પર જેલની બહાર છે. NCBએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. એવામાં તપાસ અધિકારીને હટાવવાથી કેસ પર વધુ અસર નહીં થાય.

દિલ્હીમાં 24 કલાકમાં 299 કોરોના સંક્રમિત મળ્યાં; દરરોજ 100-200 કેસ આવી રહ્યાં છે
દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે 24 કલાકમાં 299 નવા કોરોના વાયરસના દર્દી સામે આવ્યા છે. મંગળવારે 202 દર્દી નોંધાયા હતા. દિલ્હીમાં હાલ 841 એક્ટિવ કેસ છે. શહેરમાં એક દિવસમાં 173 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે- સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. દિલ્હીમાં રોજ 100-200 વચ્ચે નવા દર્દી સામે આવી રહ્યાં છે.

મુસ્લિમ મહિલાઓ સાથે રેપની ધમકી આપનાર બજરંગ મુનિની ધરપકડ, જેલ હવાલે

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ખુલ્લેઆમ મુસ્લિમોની બહેન-દીકરીઓની સાથે રેપની ધમકી આપનાર બજરંગ મુનિની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સાંજે ધરપકડ બાદ પોલીસે બજરંગ મુનિને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. 2 એપ્રિલે મહંત બજરંગ મુનિ દાસે પોલીસની હાજરીમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. 5 દિવસ પહેલા આ અંગેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેસ તેના વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો.

ઈન્ફોસિસ દ્વારા આ વર્ષે 50,000 ફ્રેશર્સને નોકરી આપવાનો પ્લાન

ITની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે બુધવારે ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)ના પરિણામ જાહેર કર્યા. આ પરિણામમાં ઈન્ફોસિસને કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના (YOY)આધારે 12% વધીને 5,686 કરોડ રૂપિયા થઈગયો છે. એક વર્ષ પહેલા આ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 5,076 કરોડ રૂપિયા હતો. ઈન્ફોસિસે છેલ્લા નાણાકીય વર્ષમાં 85,000 ફ્રેશર્સને કામ પર રાખ્યા અને ચાલુ નાણાકીય વર્ષમાં 50,000 ફ્રેશર્સની નિમણૂંકની યોજના છે.

કાશ્મીરમાં સંદિગ્ધ આતંકીએ સ્થાનિક રહેવાસીને ગોળી મારી
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સતેશ સિંહને સંદિગ્ધ આતંકીને બુધવારે સાંજે ગોળી મારી દીધી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકીને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરી દેવાઈ છે.

હેટ સ્પીચ મામલે AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીનો છુટકારો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને હેટ સ્પીચ કેસમાં કોર્ટે રાહત આપી છે. સાંસદ, ધારાસભ્યો માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ કોર્ટે AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને હેટ સ્પીચ મામલે છોડી મુક્યો છે. ઓવૈસી વિરૂદ્ધ બે કેસ નિરમલ અને નિઝામાબાદ જિલ્લા સાથે જોડાયેલો હતો.

કોર્ટે કહ્યું કે ફરિયાદી પુરતા પુરાવા નથી આપ્યા. કોર્ટે અકબરુદ્દીન ઓવૈસીને સુચના આપી છે કે તેઓ કોઈ પણ જાતનું વિવાદીત નિવેદન ન કરે. કોર્ટે કહ્યું કે દેશની અખંડતાને ધ્યાનમાં રાખીને પોતાની ભાષા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આ મામલો 2012નો છે.

વિરોધ રેલીમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારી ઘાયલ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં CM મમતા બેનર્જી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતા શુભેન્દુ અધિકારી ઘાયલ થઈ ગયા છે. બેરિકેડથી લાગેલા ધક્કાને કારણે તેમને ઈજા થઈ છે. હાલ તેમની બીરભૂમની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રામપુરહાડ હિંસા મામલે બીરભૂમ જિલ્લામાં ભાજપની એક રેલી નીકળી હતી, જેને 'કાયદા તોડો આંદોલન' નામ આપ્યું હતું. સર્કિટ હાઉસથી જિલ્લાધિકારી કાર્યાલય સુધી પ્રદર્શન કરવાની તૈયારી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

EDએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરી

EDએ મહારાષ્ટ્રના મંત્રી અને NCPના નેતા નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી એન્ટી મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત કરવામાં આવી છે. મલિક હજુ જેલમાં જ છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિ કુર્લા અને ઓસ્માનાબાદમાં છે. સુપ્રીમ કોર્ટ બુધવારે નવાબ મલિકની તે અરજી પર સુનાવણી માટે રાજી થઈ ગયું જેમાં મલિકે તાત્કાલિક છુટકારાની માગ કરી છે.

કરૌલી બોર્ડર પર પોલીસ-ભાજપ સામસામે, ન્યાય યાત્રા રોકી, BYJMના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂર્યા, ભાજપના પ્રદેશાધ્યક્ષ સહિત ત્રણની અટકાયત

રાજસ્થાનના કરૌલીમાં રમખાણ પીડિતને મળવા માટે ન્યાય યાત્રા કાઢી રહેલા ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા તેમજ સાંસદ મનોજ રાજૌરિયાની પોલીસે અટકાયત કરી છે. આ પહેલા સેંકડો કાર્યકર્તાની સાથે પહોંચેલા સૂર્યાને કરૌલી બોર્ડર પાસે પોલીસે રોકી દીધા હતા. કરૌલીમાં જવા માટે જીદે ચડેલા સૂર્યા તેમજ અન્ય નેતાઓ બોર્ડર પર જ ધરણાં પર બેસી ગયા. પોલીસની સમજાવટ બાદ પણ જ્યારે તેઓ ન ઉઠ્યા તો પોલીસે તેમની અટકાયત કરી હતી.

આસામમાં ઝેરીલા મશરુમ ખાવાથી એક સપ્તાહમાં 13 લોકોનાં મોત
આસામના ચરાઈદેવ જિલ્લા સહિતના ચાર જિલ્લામાં ઝેરીલા મશરુમ ખાવાને કારણે છેલ્લા એક સપ્તાહમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે. મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. 6 એપ્રિલે જિલ્લાના લાલતીપાથર ગામમાં જંગલી મશરુમ ખાધા બાદ ચાના બગીચામાં કામ કરતા મજૂર અને તેમના ત્રણ બાળકો સહિત 15 લોકો બીમાર પડી ગયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે.

હરિદ્વારમાં ધર્મ સંસદ મામલોઃ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસેથી માગી હેટ સ્પીચ પર સ્ટેટસ રિપોર્ટ

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસે હરિદ્વાર ધર્મ સંસદમાં કથિત રીતે અલ્પસંખ્યકો સમુદાય વિરૂદ્ધ હિંસા ભડકાવનાર ભાષણોનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અરજકર્તા કુર્બાન અલીને પણ હિમાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત ધર્મ સંસદ અંગે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાની મંજૂરી આપી છે. મામલો જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ અભય એસ ઓકાની બેંચની પાસે હતો. 13 એપ્રિલે સુનાવણી કરતા બેંચે આ આદેશ જાહેર કર્યો છે. ઉત્તરાખંડ રાજ્યના વકીલે મામલામાં જવાબ સોગંદનામું દાખલ કરવા માટે સમય માગ્યો છે. રાજ્યએ કોર્ટને એમ પણ જણાવ્યું છે કે પોલીસે મામલામાં 4 FIR દાખલ કરી છે અને 3 મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે.

કર્ણાટકના મંત્રી કેએસ ઈશ્વરપ્પા વિરૂદ્ધ FIR

સરકારી કોન્ટ્રાક્ટમાં 40% કમીશનનો આરોપ લગાવી સુસાઈડ કરનાર કર્ણાટકના કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલ કેસમાં ભાજપ સરકારના મંત્રી કેએસ ઈશ્વરપ્પા વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પાટિલના ભાઈની ફરિયાદ બાદ પોલીસે આ પગલું ભર્યું છે. મંગળવારે સરકારે આ મામલામાં પોલીસને તપાસ સોંપી હતી. તો પાટિલના પરિવારે કહ્યું કે જ્યાં સુધી મંત્રીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી સંતોષના અંતિમ સંસ્કાર નહીં થાય.

આ મામલાને લઈને કર્ણાટક કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે અમે રાજ્યપાલને હસ્તક્ષેપ કરીને મંત્રીને બરતરફ કરવાની માગ કરી છે.

બોઈંગ-737 વિમાન નહીં ઉડાવી શકે સ્પાઈસજેટના 90 પાઈલટ

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સ્પાઈસજેટના 90 પાઈલટને બોઈંગ-737 મેક્સ વિમાન ઉડાવવા પર રોક લગાવી દીધી છે. DGCAએ કહ્યું કે આ તમામને ફરીથી ટ્રેનિંગની જરૂરિયાત છે. તો સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે અમને DGCA તરફથી પત્ર મળ્યો છે, અમે તમામ પાયલટને ફરીથી ટ્રેનિંગ આપીશું.

અન્ય સમાચારો પણ છે...