ભાસ્કર LIVE અપડેટ્સ:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટમાં 4 આતંકવાદી ઠાર, મૂવમેન્ટ દરમિયાન આર્મી વાન પલટી ખાઈ જતા બે જવાનોના મોત

એક મહિનો પહેલા

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના બડીગામ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદી અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકી ઠાર થયા છે. મળતી માહિતી મુજબ લગભગ ત્રણ આતંકીઓને સિક્યોરિટી ફોર્સે ઘેરી રાખ્યા હતા. જેમાં ચાર આતંકી ઠાર થયા છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ પણ થયા છે. સુરક્ષા દળો હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સિક્યોરિટી ફોર્સે આખો વિસ્તાર ઘેરી લીધો હતો. જે બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો સુરક્ષા દળોના જવાનોએ જવાબ આપ્યો.

તો અથડામણ સ્થળ પાસે સેનાનું વાહન પલટી જતા બે જવાનના મોત નિપજ્યા છે, જ્યારે બે ઘાયલ થયા છે. વાહન સેનાના કેમ્પથી સૈનિકોને લઈને બડીગામમાં અથડામણ સ્થળ તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. બંને ઘાયલ જવાનોને શોપિયાંની જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દિલ્હી-NCRમાં ધૂળની ડમરીઓ ઉડશે, IGI એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકવામાં આવી

દિલ્હી-NCRમાં હવામાન બગડશે તે અંગેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટની તમામ ઉડાનને રોકી દેવાઈ છે. હવામાન વિભાગની સૂચના મુજબ દિલ્હી તેમજ NCR, હરિયાણા નજીકના વિસ્તારોમાં ધૂળભરી આંધી ઊડી શકે છે. સાથે જ વરસાદની પણ શક્યતા છે. મળતી માહિતી મુજબ હવાની ગતિ 20થી 60 કિમી પ્રતિ કલાક હોય શકે છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધી એરપોર્ટે પોતાની તમામ ઉડાનને રોકી દીધી છે.

કર્ણાટકના મંત્રી કેએસ ઈશ્વરપ્પા આવતીકાલે રાજીનામું આપશે, કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના મામલે એક દિવસ પહેલા જ થઈ હતી FIR

કર્ણાટકના મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે તેઓ માત્ર મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું સોંપશે. કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલની આત્મહત્યાના કેસમાં નામ સામે આવ્યા બાદ તેમને રાજીનામું આપ્યું હતું. વિપક્ષ સતત તેમના રાજીનામાની માગ કરી રહ્યું હતું. પૂર્વ CM સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓએ પ્રતિનિધિમંડળે રાજ્યપાલ થાવરચંદ ગહેલોતની મુલાકાત કરીને તેમને હટાવવાની માગ કરી હતી.

દિલ્હીના રેસ્ટોરાંમાં સિલિન્ડર ફાટતા વિસ્ફોટ, દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ

દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ગુરુવારે બપોરે એક ફાસ્ટ ફુડની રેસ્ટોરાંમાં સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના વડાપ્રધાન રાજીનામું આપશે

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ના વડાપ્રધાન સરદાર અબ્દુલ કય્યૂમ નિયાઝીએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સી મુજબ સરદાર વિરૂદ્ધ પાર્ટીમાં બળવો થઈ ગયો છે. તેમની પાર્ટી જ સરદાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ જ કારણ છે કે તેઓ શરમજનક સ્થિતિથી બચવા માટે રાજીનામું આપી શકે છે. સરદારની ઓફિસમાંથી જાહેર એક નિવેદન મુજબ- વડાપ્રધાન કય્યૂમે પાર્ટી ચીફ ઈમરાન ખાન સાથે વાતચીત પછી રાજીનામાનો નિર્ણય કર્યો છે. સરદાર પર આરોપ છે કે તેમને ઘોષણા પત્રનો એક પણ વાયદો પૂરો નથી કર્યો અને તેઓ દુનિયાની સામે કાશ્મીરનો પક્ષ પણ નથી રાખી શક્યા. તેમના પર ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે.

એલન મસ્કે આપી ટ્વિટર ખરીદવાની ઓફર, દરેક શેર માટે 54.20 ડોલરની ઓફર કરી

ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કેર 3.2 લાખ કરોડ રૂપિયામાં ટ્વિટરને ખરીદવાની ઓફર કરી છે. એલન મસ્ક ટ્વિટરના દરેક શેરના બદલે 54.20 ડોલરના હિસાબે પેમેન્ટ કરવા તૈયાર છે. 50 વર્ષના મસ્કે ગુરુવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનની સાથે ફાઈલિંગમાં આ પ્રસ્તાવની જાણકારી આપી. આ જાહેરાત બાદ ટ્વિટરના શેર બુધવારે 3.10%થી વધીને 45.85 ડોલર પર બંધ થયા.

ઝઘડા પછી લખનઉમાં અડધો ડઝન લોકોને કારે કચડ્યા, એકનું મોત, CCTV ફુટેજ સામે આવ્યા

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉના ગોસાઈગંજ પોલીસ સ્ટેશનના કબીરનગરમાં કાર સવારે અડધો ડઝન લોકોને કચડ્યા છે, જેમાં એકનું મોત થઈ ગયું છે. તો ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના અંદરોદર માથાકૂટને લઈને છે. પહેલા બંને પક્ષમાં લડાઈ થઈ, જે બાદ એક શખ્સ કાર ચલાવીને આવ્યો અને કેટલાંકને હડફેટે લઈ લીધા. લખનઉ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. CCTV ફુટેજના આધારે આરોપીઓની ધરપકડની તૈયારી શરૂ કરી છે.

દિલ્હીની પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર અને સ્ટૂડન્ટ કોરોના પોઝિટિવ

દિલ્હી અને આજુબાજુના વિસ્તારમાં કોરોના ફરી વધી રહ્યો છે. ગુરુવારે દિલ્હીની પ્રાઈવેટ સ્કૂલના ટીચર અને એક બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, જે બાદ આખા ક્લાસને રજા આપી દેવાઈ. છેલ્લાં 4 દિવસમાં નોયડા, ગાઝિયાબાદમાં 39 વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટવ થયા છે. 13 એપ્રિલે ખેતાન પછી ડીપીએસ સહિત 5 સ્કૂલમાં 8 બાળકો પોઝિટિવ થયા છે.

અલ-ઉમર મુઝાહિદ્દીનના સંસ્થાપક મુશ્તાક અહમદ ઝરગર આતંકવાદી જાહેર

ગૃહ મંત્રાલયે અલઉમર-મુઝાહિદ્દીનના સંસ્થાપક અને મુખ્ય કમાન્ડર મુશ્તાક અહમદ ઝરગરને ગેરકાયદે પ્રવૃતિઓ અધિનિયમ, 1967 અંતર્ગત આતંકવાદી જાહેર કર્યા છે. મંત્રાલયે બુધવારે આ વાત એક ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. મંત્રાલય મુજબ ઝરગર જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ આતંકી સંગઠન સાથે જોડાયેલું હતું અને ગેરકાયદે હથિયાર તેમજ ગોળા બારુદ પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાન ગયા હતા. તે ન માત્ર ભારત માટે પરંતુ દુનિયામાં શાંતિ માટે પણ ખતરારુપ છે.

CBIએ બીરભૂમ હત્યાકાંડમાં પેટ્રોલ પહોંચાડનાર શખસની ધરપકડ

CBIએ ગુરુવારે એક ઈ-રિક્ષા ચાલક રિતાન શેખની ધરપકડ કરી છે. આ તે જ શખસ છે જેને બીરભૂમના બાગટુઈ ગામના ઘરોમાં આગ લગાડવા માટે પેટ્રોલ પહોંચાડ્યું હતું. આ હત્યાકાંડમાં 9 લોકોના મોત થયા હતા. રિતાન શેખને તેના ઘરમાંથી પકડવામાં આવ્યો છે. CCTV ફુટેજ અને ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. હત્યાકાંડ બાદથી જ રતન ગુમ થઈ ગયો હતો. તે દિવસ દરમિયાન છુપાઈ જતો હતો અને રાતના અંધારામાં ઘરે પરત ફરતો હતો. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NCBની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી 24 કરોડની હેરોઈન જપ્ત કરી
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક મોટી કાર્યવાહી કરતા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 24 કરોડ રૂપિયાની કિંમતની 3.980 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી છે. આ મામલે દક્ષિણ આફ્રિકાના એક નાગરિકની ધરપકડ કરી છે. આરોપી આ હેરોઈનને સૂટકેસની કેવટીમાં છુપાવીને લાવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કેસમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.

નાઈઝીરિયાની નદીમાં બોટ ઊંધી વળી, 26નાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નાઈઝીરિયાના ઉત્તર-પશ્ચિમી રાજ્ય સોકોતોમાં એક નદીમાં બોટ ઊંધી વળી ગઈ છે. જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે. લોકલ અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવાર સાંજે ગિદાન-મગના ગામમાં આ ઘટના ઘટી. અત્યાર સુધીમાં 26 લોકોના મૃતદેહ નદીમાંથી કાઢવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓ જ છે, જે બોટમાં બેસીને નદી ક્રોસ કરી રહી હતી. માર્યા ગયેલા લોકોમાં 5 બાળકો પણ છે. જાણકારી મુજબ હાલ પણ રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...