કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી ફરિયાદ મળ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મંગળવારે દેશભરમાં અનેક શહેરોમાં દરોડા પાડ્યા છે. ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ એક્ટ (FCRA) 2020નું ઉલ્લંઘન કરવા બદલ આ દરોડા પાડવામાં આવ્યા છે. FCRA અંતર્ગત દિલ્હી, ચેન્નઈ, જયપુર, કોઈમ્બતૂર, મૈસૂર સહિત આશરે 40 જગ્યા પર NGO, બ્રોકર્સ તથા ગૃહમંત્રાલયના લાંચિયા કર્મચારીઓની ધરપકડ કરવા માટે ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ FCRAના ઉલ્લંઘન તથા લાંચ લઈને મંજૂરી આપવાને લગતી બાબતોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ખાસ ઓપરેશન ચાલી રહ્યું છે.
કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર
કાશ્મીરના અનંતનાગના દોરુ વિસ્તારમાં આવેલા ક્રીરીમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સિક્યોરિટી ફોર્સે વધુ એક આતંકીને ઠાર કર્યો છે. IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે એન્કાઉન્ટર સોમવાર રાતથી સતત ચાલી રહ્યું છે. સોમવારે લશ્કરનો કમાન્ડર નિસાર ડારને ઠાર કરી દેવાયો હતો. IGPના જણાવ્યા મુજબ, હાલ પણ કેટલાંક આતંકી છુપાયા હોવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે PVSMથી સન્માનિત
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કર્યા. મનોજ પાંડેએ 30 એપ્રિલે 29માં સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 1.3 મિલિયન સ્ટ્રોંગ ફોર્સનું નેતૃત્વ કરનાર કોર ઓફ એન્જિનિયર્સના પહેલા અધિકારી છે.
મહબૂબા મુફ્તીએ ભાજપને ફેંક્યો પડકાર, કહ્યું- હિંમત હોય તો તાજમહેલ, લાલકિલ્લામાં મંદિર બનાવીને દેખાડો
જમ્મુ કાશ્મીરની પૂર્વ CM અને PDP પ્રમુખ મહબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. મુફ્તીએ કહ્યું કે આ લોકો મોઘલના સમયમાં બનેલી વસ્તુઓ જેમેકે તાજમહેલ, મસ્જિદો, કિલ્લાને બગાડવા પાછળ પડ્યા છે. જેનાથી કંઈ મળવાનું નથી. જો હિંમત હોય તો તાજમહેલ, લાલકિલ્લામાં મંદિર બનાવીને દેખાડો, પછી જોઈએ કે કેટલા લોકો આ દેશને જોવા માટે આવે છે.
કર્ણાટકના DGP પી રવિન્દ્રનાથે રાજીનામું આપ્યું, કારણ જણાવ્યું- કર્ણાટક સરકાર તપાસ રોકવાને લઈને દબાણ બનાવતી હતી
કર્ણાટકના DGP રવિન્દ્રનાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે અંગે તેમને રાજ્ય સરકારને જવાબદાર ગણાવ્યા છે. રવિન્દ્રનાથનું કહેવું છે કે તેમનું શોષણ થતું હતું. આ વાત સામે આવતા કર્ણાટકના રાજકારણમાં હોબાળો થઈ ગયો છે. રવિન્દ્રનાથે કહ્યું કે નકલી SC/ST પ્રમાણપત્રનો ઉપયોગ કરવાવાળા વિરૂદ્ધ તેમની તપાસને લઈને કર્ણાટક સરકાર રોકવાનું દબાણ કરતી હતી.
કુતુબમીનારની બહાર યુનાઈટેડ હિન્દુ ફ્રંટના લોકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માગ
યુનાઈટેડ હિન્દુ ફ્રંટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જય ભગવાન ગોયલે અન્ય હિન્દુ સંગઠનોની સાથે મંગળવારે કુતુબમીનાર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા. હિન્દુ સંગઠન મહાકાળ માનવ સેવાના સભ્ય કુતુબમીનારની પાસે વિરોધ કરી રહ્યાં છે. તેમની માગ છે કે કુતુબમીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવામાં આવે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે કુતુબમીનાર પરિસર સ્થિત મસ્જિદના ઢાંચા પર લાગેલી તમામ મૂર્તિઓ કાઢીને તેને પ્રતિષ્ઠિત કરવામાં આવે જ્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
ગૃહમંત્રીનું મોટું નિવેદન કહ્યું- ટૂંક સમયમાં જ સમગ્ર આસામમાંથી AFSPAને હટાવવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ પોલીસને 'પ્રેસિડન્ટ કલર એવોર્ડ' આપ્યો છે. આ દરમિયાન તેમને કહ્યું કે કેન્દ્ર અને મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાના પ્રયાસથી મોટાભાગના આતંકવાદી સંગઠનોએ શાંતિ સમજૂતી કરી છે અને તે દિવસ દૂર નથી જ્યારે આખું રાજ્ય ઉગ્રવાદ અને હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. AFSPAને આસામના 23 જિલ્લામાંથી સંપૂર્ણપણે એક જિલ્લાથી આંશિકરૂપે નાબૂદ કરી દેવાયો છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી તેજિન્દર બગ્ગાને રાહત, 5 જુલાઈ સુધી ધરપકડ પર રોક
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દિલ્હીના ભાજપના પ્રવક્તા તેજિન્દર પાલ સિંહ બગ્ગાને મોટી રાહત આપી છે. કોર્ટે 5 જુલાઈ સુધી બગ્ગાની ધરપકડ પર રોક લગાવી દીધી છે. બગ્ગા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે IT એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.
પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષે નિધન, 'ચાંદની' ફિલ્મમાં આપ્યું હતું સંગીત
જાણીતા સંગીતકાર અને પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે 84 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. મળતી માહિતી મુજબ તેમનું મોત હાર્ટ અટેકના કારણે થયું. તેઓ છેલ્લાં કેટલાંક મહિનાથી કિડની સંબંધી સમસ્યાઓથી પીડિત હતા. તેમને મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.શર્મા અને વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ સિલસિલા, લમ્હે, ચાંદની જેવી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું.
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત, 9 લાખથી વધુ યાત્રિકોએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન
3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે. જેને લઈને CM ધામી આજે દેહરાદૂનમાં સમીક્ષા બેઠક કરી રહ્યાં છે. તો ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 9.5 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. સૌથી વધુ 3.35 લાખ કેદારનાથ માટે રજિસ્ટ્રેશન થયા છે. તમામ ચાર ધામમાં નિર્ધારિત ક્ષમતાથી ત્રણ ગણા વધુ શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી રહ્યાં છે.
શરદ પવારે રાજદ્રોહ હટાવવાની વકાલત કરી, NCP ચીફે કહ્યું- આ અંગ્રેજોનો કાળો કાયદો
NCP પ્રમુખ શરદ પવારે રાજદ્રોહ કાયદો હટાવવાની વકાલત કરી. તેમને કહ્યું કે અંગ્રેજો દ્વારા 1890માં શરૂ કરાયેલા રાજદ્રોહ કાયદાનું હવે કોઈ મહત્વ રહ્યું નથી. આ કાયદો વિદ્રોહ દબાવવા માટે અંગ્રેજો દ્વારા થોપવામાં આવ્યો હતો. આ કાળા કાયદા અંતર્ગત સરકાર કોઈના પણ વિરૂદ્ધ આરોપ લગાવી શકે છે અને તેમને જેલ મોકલી શકે છે. દેશના નાગરિકોને પોતાના સવાલો માટે સરકાર વિરૂદ્ધ વિરોધ કરવાનો અધિકાર છે. તેથી આ કાયદાનો હવે ઉપયોગ કરવો યોગ્ય નથી.
2021માં નાગાલેન્ડના મોન જિલ્લામાં થયેલી ફાયરિંગની ઘટનાની તપાસ પૂરી, ટૂંક સમયમાં જ આવશે રિપોર્ટ
નાગાલેન્ડના મોન જિલ્લામાં ગત વર્ષે 4 ડિસેમ્બરે થયેલી ફાયરિંગની ઘટનાની તપાસ પૂરી થઈ ગઈ છે. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ આ જાણકારી આપી. તેમને કહ્યું કે રિપોર્ટની હવે કાયદાકીય રીતે તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક જવાન સહિત 15 લોકોના મોત નિપજ્યા છે.
અફઘાનિસ્તાનમાં જીવ ગુમાવનાર ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને મળશે પુલિત્ઝર એવોર્ડ
વર્ષ 2022 માટે પુલિત્ઝર એવોર્ડની જાહેરાત કરાઈ છે. આ વર્ષે ફીચર ફોટોગ્રાફી માટે અદનાન આબિદી, સના ઈરશાદ મટ્ટૂ, અમિત દવે અને અફઘાનિસ્તાનમાં જીવ ગુમાવનાર દાનિશ સિદ્દીને આ પુરસ્કાર અપાશે. આ દાનિશનો બીજો પુલિત્ઝર પુરસ્કાર હશે. ગત વર્ષે દાનિશની અફઘાનિસ્તાન યુદ્ધના કવરેજ દરમિયાન મોત નિપજ્યું હતું. તે સમયે દાનિશ સમાચાર એજન્સી રોયટર્સ માટે કંધારમાં કામ કરી રહ્યો હતો.
BJP યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિ હિમાચલમાં યોજાશે, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ ભાગ લેશે
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 12થી 15 મે સુધી ભાજપની યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિ મળશે. ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેરિયાએ જણાવ્યું કે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે. કાર્યક્રમમાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ થશે. તેમની સફળતાને લઈને યુવાનોને એક સંદેશ આપવામાં આવશે કે રાજનીતિ જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ તેઓ આગળ વધી શકે છે.
યૂં સુક-યોલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
યું સુક-યોલે મંગળવારે સિયોલની નેશનલ એસેમ્બલીમાં દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. પ્યોંગયાંગની સાથે કડક વલણ રાખવાના સોગંદ ખાનાર કટ્ટર રૂઢિવાદી યૂં સુક-યોલે કહ્યું- "હું લોકોની સામે શપથ લઉં છું કે હું રાષ્ટ્રપતિના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરીશ."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.