નેશનલ હેરાલ્ડ કેસમાં EDની તપાસ દરમિયાન યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલે કહ્યું હતું કે 'અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવુ હોય તે કરી લે. અમારુ કામ સંવિધાનની રક્ષા માટે લડવાનું છે, દેશના સન્માન માટે લડવાનું છે. આ યુધ્ધ ચાલુ રહેશે. હવે સત્યાગ્રહ નહિ, રણસંગ્રામ થશે'.
રાહુલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે 'દેશનો કાયદો બધા માટે એક છે. ના તો તે કોંગ્રેસ અધ્યક્ષ માટે બદલી શકે ના તે પૂર્વ અધ્યક્ષ માટે બદલી શકે. તેઓ ભારતના કાયદા વિરૂદ્ધ જવા માંગે છે. તેઓને ના તો રણસંગ્રામ કરવા દઈશું, ના ભાગવા દઈશું'.
બુધવારે સીલ થઈ યંગ ઈન્ડિયાની ઓફિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બુધવારે દિલ્લીની હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસ સીલ કરી હતી. મની લૉન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીએ આ ઓફિસને સીલ કરી હતી. યંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ સીલ થયા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાનો કર્ણાટકનો પ્રવાસ ટુંકાવીને દિલ્લી પરત ફર્યા હતા.
મંગળવારે જ EDની ટીમે સવારથી સાંજ સુધી નેશનલ હેરાલ્ડની દિલ્લી, મુંબઈ અને કોલકતા સહિત 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કર્યા બાદ EDએ આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
જાણો નેશનલ હેરાલ્ડ કેસ શું છે?
નેશનલ હેરાલ્ડ કેસ અંગે સૌથી પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં ખુલાસો કર્યો હતો. ઑગસ્ટ 2014માં EDએ આ કેસ પોતાની પાસે લઈને મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસના જ નેતા જેમકે મોતીલાલ વોરા, ઑસ્કર ફર્નાંડીઝ, સામ પિત્રોડા અને સુમન દૂબેને આરોપી બનાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.