ઉત્તરપ્રદેશના મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રગાન ગાવું ફરજિયાત કરી દેવાયું છે. UP મદરેસા શિક્ષણ બોર્ડ પરિષદે આ આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ માન્યતા પ્રાપ્ત, ગ્રાન્ટ મેળવનાર અને ગ્રાન્ટ ન મેળવનાર તમામ મદરેસાઓ પર લાગુ થશે. ક્લાસ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના સમયે રાષ્ટ્રગાન ગવાશે. રમજાન અને ઈદની રજાઓ પછી ગુરુવાર એટલે કે આજથી તમામ મદરેસાઓ ખુલી ગયા છે. 14 મેથી મદરેસાઓમાં બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે.
બોર્ડ મીટિંગમાં લેવાયો હતો નિર્ણય
મદરેસાઓમાં રાષ્ટ્રગાનનો નિર્ણય UP મદરેસા શિક્ષણ પરિષદની બેઠકમાં 24 માર્ચે લેવાયો હતો. આ ગુરુવારે રજિસ્ટ્રાર નિરીક્ષણ એસએન પાંડેએ જાહેર કર્યો છે. તેમને જણાવ્યું કે સત્ર 2022-23ની સ્કૂલ ખોલવામાં આવ્યા બાદ રાષ્ટ્રગાનનો નિર્ણય લેવાયો હતો. મદરેસા બોર્ડની પરીક્ષાઓ શરૂ થયા બાદ આ નિર્ણય લાગુ કરી દેવાયો છે.
14થી 23 મે સુધી થશે મદરેસા બોર્ડની પરીક્ષા
યુપી મદરેસા બોર્ડની પરીક્ષીઓ 14થી 23 મે વચ્ચે યોજાશે. લખનઉના જિલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારી જગમોહન દ્વારા તમામ મદરેસાને પરીક્ષા કાર્યક્રમ મોકલવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા નિયમોનું પાલન કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
જિલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે અરબી, ફારસીની 2022ની પરીક્ષા 14 મેથી શરૂ થશે. પહેલી બેંચ સવારે 8થી 11 અને સીનિયર સેકેન્ડરીની પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યે યોજાશે. તમામ મદરેસાને કહેવામાં આવ્યું છે કે પોતાને ત્યાં ભણતા છાત્રોને સમય અંગે જાણકારી આપવામાં આવે.
આ વખતે વાર્ષિક પરીક્ષા માટે કુલ એક લાખ 62 હજારથી વધુ છાત્ર પરીક્ષા આપશે
આ વખતે વાર્ષિક પરીક્ષા માટે કુલ એક લાખ 62 હજાર 631 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ક્લાસની દ્રષ્ટીથી જોઈએ તો સેકેન્ડરી ક્લાસની પરીક્ષા માટે સૌથી વધુ 91 હજાર 467 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તો સીનિયર સેકન્ડરી માટે 25 હજાર 921, કામિલ ફર્સ્ટ યર માટે 13 હજાર 161 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
કામિલ સેકન્ડ યર માટે 10 હજાર 888, કામિલ થર્ડ યર માટે 9 હજાર 796, ફાઝિલ ફર્સ્ટ યર માટે 5 હજાર 197 અને ફાઝિલ સેકન્ડ યર માટે 6,201 પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.