• Gujarati News
  • National
  • Narendra Modi Security Vs Punjab Police; PM Modi Cancels Ferozepur Rally After Farmers Block Roads

પંજાબ પોલીસ શંકાના દાયરામાં:ખેડૂત સંગઠનોએ કહ્યું- ખેડૂતો હાઇવે બ્લોક કરવા નહીં, જિલ્લા મથકે વિરોધ કરવા જઈ રહ્યા હતા, પંજાબ પોલીસે તેઓને મોદીના રુટ પર રોકી દીધા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાકિયુ- ભારતીય કિસાન યુનિયન - Divya Bhaskar
ભાકિયુ- ભારતીય કિસાન યુનિયન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ચૂકનું કારણ ખેડૂતો નહીં પણ પંજાબ પોલીસ જ હતી. ખેડૂતો જિલ્લા મથકે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે મોદી સડક માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે.

ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે રસ્તો જામ થઈ ગયો હતો અને મોદીનો કાફલો આ હાઈવેના ફ્લાઈઓવર પર અટવાઈ ગયો હતો. પંજાબ પોલીસના કારણે જામ સર્જાયો હતો, કારણ કે ખેડૂતો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ફિરોઝપુર ડીસી ઓફિસમાં વિરોધ કરવા જઈ રહ્યા હતા. પોલીસે તેમને રોક્યા અને તેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો. આ કારણોસર PMને 20 મિનિટ સુધી રસ્તા પર ઉભા રહેવું પડ્યું હતું.

ખેડૂતોનો ઈરાદો હાઇવે બ્લોક કરવાનો નહોતો
ભાસ્કરે હાઈવે પર વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનના આગેવાન સાથે વાત કરી તો ખબર પડી કે વડાપ્રધાન આ માર્ગ પરથી પસાર થવાના છે તેની તેમને જાણ પણ નહોતી. ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના પ્રમુખ સુરજીત સિંહ ફૂલ, જેઓ પ્યારેઆના ગામ પાસે એકઠા થયેલા ખેડૂતોનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે તેમનો કોઈ કાર્યક્રમ કે ઈરાદો હાઈવે બ્લોક કરવાનો કે PMની સુરક્ષાને જોખમમાં નાખવાનો નથી.

PMનો રુટ ક્લિયર કરવાને બદલે ચાની ચુસ્કી લગાવી રહેલા પંજાબ પોલીસ જવાન
PMનો રુટ ક્લિયર કરવાને બદલે ચાની ચુસ્કી લગાવી રહેલા પંજાબ પોલીસ જવાન

મોદીની મુલાકાત પર અલગ-અલગ જગ્યાએ વિરોધ કાર્યક્રમો નક્કી હતા
ફૂલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર રેલીની જાહેરાત બાદ પંજાબના 10 અલગ-અલગ ખેડૂત સંગઠનોએ બરનાલામાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 5 જાન્યુઆરીએ જ્યારે PM પંજાબમાં હશે ત્યારે તમામ ખેડૂત સંગઠનોના સભ્યો અલગ-અલગ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરશે અને તેમના પૂતળા બાળશે. મીડિયા ઉપરાંત તમામ જિલ્લાના વહીવટી અધિકારીઓને પણ આ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

ફૂલના જણાવ્યા અનુસાર, 5 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાની આસપાસ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ફિરોઝપુરના અનેક ગામોના ખેડૂતો ફેરુશાહ અનાજ મંડીમાં એકઠા થયા હતા અને ત્યાંથી ખેડૂત નેતા બલદેવ સિંહ જીરાના નેતૃત્વમાં ફિરોઝપુર ડીસી ઓફિસ માટે રવાના થયા હતા. સવારે લગભગ 11 વાગ્યે, જ્યારે લગભગ 700 ખેડૂતોનું એક જૂથ ભટિંડા-ફિરોઝપુર હાઈવે પર પ્યારેના ગામ પાસે પહોંચ્યું ત્યારે ત્યાં હાજર પંજાબ પોલીસે તેમને રોક્યા હતા. ખેડૂતોએ કહ્યું કે તેઓ ડીસી ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે પણ પંજાબ પોલીસે તેમને આગળ જવા દીધા ન હતા.

રોકવા પર ખેડૂતોએ ચેતવણી પણ આપી હતી
ફૂલના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ ખેડૂતોને કહ્યું કે તેઓ PMની રેલીમાં ખલેલ પહોંચાડવા જઈ રહ્યા છે, તેથી તેમને આગળ જવાની મંજૂરી આપી શકાય નહીં. પોલીસ અધિકારીઓએ કહ્યું કે જો ખેડૂતો ઈચ્છે તો તેઓ અહીં (પ્યારેઆના ગામ પાસે) હાઈવેની બાજુમાં વિરોધ કરી શકે છે. આ અંગે બલદેવસિંહ જીરાએ પોલીસકર્મીઓને ચેતવણી પણ આપી હતી કે જો તેમના લોકોને આગળ વધવા દેવામાં નહીં આવે તો તેઓ અહીંથી ભાજપના કાર્યકરોની બસને પસાર થવા દેશે નહીં. પોલીસકર્મીઓએ જીરાની ચેતવણી પર ધ્યાન આપ્યું નહીં.

પોલીસકર્મીઓના વલણથી નારાજ તેમના જૂથના સભ્યો હાઈવે પર બેસી ગયા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. રેલીમાં જઈ રહેલા ભાજપના કાર્યકરોની 100થી વધુ બસો ફસાઈ ગઈ હતી. બાદમાં પોલીસ અધિકારીઓએ રૂટ ડાયવર્ટ કરીને ભાજપના કાર્યકરોની બસોને આગળ લઈ જવાની શરૂઆત કરી હતી.

પોલીસે જણાવ્યું જ નહીં કે PM સડક માર્ગે આવી રહ્યા છે
સુરજીત સિંહ ફૂલના જણાવ્યા અનુસાર, હાઈવે સવારે 11 વાગ્યે બંધ થઈ ગયો. એક કલાક પછી પણ પંજાબ પોલીસના કોઈ પણ અધિકારીએ તેમના લોકોને એક પણ વાર કહ્યું ન હતું કે વડાપ્રધાન મોદી આ રસ્તેથી ફિરોઝપુર જવાના છે. ખેડૂતોને ત્યાં સુધી ખબર હતી કે વડાપ્રધાન મોદી ભટિંડાથી હેલિકોપ્ટર દ્વારા ફિરોઝપુર પહોંચશે, જ્યાં તેમના માટે 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

12 વાગે અચાનક કહ્યું- હાઈવે ખાલી કરો, મોદી આવી રહ્યા છે
ફૂલેએ જણાવ્યું કે બપોરે 12 વાગ્યાની આસપાસ પંજાબ પોલીસના કેટલાક અધિકારીઓએ અચાનક જ PM મોદીના આગમન વિશે કહીને તેમના લોકોને હાઇવે ખાલી કરવા કહ્યું. તેઓ પોલીસકર્મીઓની વાત પર વિશ્વાસ ન કરી શક્યા કારણ કે PM હેલિકોપ્ટર દ્વારા ફિરોઝપુર પહોંચવાના હતા. ત્યાં સુધીમાં કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી હુસૈનીવાલા પહોંચવાના સમાચાર પણ આવવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં તેમના જૂથને લાગ્યું કે પોલીસકર્મીઓ બીજેપી કાર્યકર્તાઓની બસો નિકાળવા માટે અમારા સાથે ખોટું બોલી રહ્યા હશે, કારણ કે PMની રેલી આ હાઈવેથી લગભગ 10 કિલોમીટર આગળ હતી.

સુરજીત સિંહ ફૂલે સ્પષ્ટતા કરી હતી કે તેમનો હાઈવે બ્લોક કરવાનો કે PMનો રસ્તો રોકવાનો કોઈ કાર્યક્રમ નહોતો. જો પંજાબ પોલીસે પ્યારેઆના ગામ પાસે ફિરોઝપુર ડીસી ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા તેમના જૂથને રોક્યા ન હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.

અન્ય સમાચારો પણ છે...