તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Narendra Modi Kashmir Meeting Live Update; Ajit Doval, Amit Shah, Mehbooba Mufti, Farookh Abdullah

કાશ્મીર મુદ્દે મોદીનું મંથન:PMએ કહ્યું- કાશ્મીરમાં વહેલી થશે વિધાનસભા ચૂંટણી; ઉમરને સીમાંકન મંજૂર નથી, મહેબૂબાએ કહ્યું- પાકિસ્તાન સાથે પણ વાતચીત જરૂરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • કોંગ્રેસ પ્રધાનમંત્રી સામે 5 મુદ્દા રાખ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે 8 પક્ષોના 14 નેતાઓની સાથે લગભગ 3 કલાક સુધી બેઠક કરી. વડાપ્રધાનના નિવાસસ્થાને ચાલેલી આ બેઠકમાં મોદીએ સંદેશ આપ્યો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલનું અંતર ઘટશે. તેઓએ પરિસીમા બાદ વહેલીતકે વિધાનસભા ચૂંટણી કરાવવાની વાત પણ કરી અને નેતાઓને એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં સામેલ થાવ.

આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, મહેબૂબા મુફ્તિ સહિત ગુપકાર એલાયન્સના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ પણ બેઠકમાં સામેલ થયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન કહ્યું કે રાજકીય મતભેદ હશે પરંતુ તમામે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ કે જેથી જમ્મુ કાશ્મીરના લોકોને ફાયદો થાય. તેઓએ જોર આપીને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમામની સુરક્ષા અને સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે.

મહેબૂબાએ કહ્યું- કાશ્મીરમાં કડક પગલાં ખતમ થવા જોઈએ
PDPના નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મેં મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના લોકોની મુસીબત સામે રાખી. કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદથી નારાજ છે અને શોષિત અનુભવી રહ્યાં છે. ગેરબંધારણીય રીતે અનુચ્છેદ 370ને હટાવવામાં આવ્યો, તે જમ્મુ કાશ્મીરના લોકોને પસંદ નથી. આ અમને પાકિસ્તાન પાસેથી મળ્યું ન હતું. આ અમને જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલે આપ્યું હતું.

અમે કહ્યું કે ચીનની સાથે તમે વાત કરી રહ્યાં છો. તમે પાકિસ્તાન સાથે વાતચીત કરી અને સીઝફાયર ઓછું થયું, જેનું અમે સ્વાગત કરીએ છીએ. પાકિસ્તાન સાથે ફરી વાતચીત કરવી જોઈએ કે જેથી જે ટ્રેડ તેમની સાથે અટકેલો છે તે ફરી શરૂ થાય. UAPAના કડક પગલાં બંધ થવા જોઈએ, જેલમાં બંધ કેદીઓને છોડી મુકવા જોઈએ. જમ્મુ કાશ્મીરના લોકો કંટાળી ગયા છે. આજે રાજ્યના લોકો જોરથી શ્વાસ લે તો પણ તેમને જેલમાં બંધ કરી દેવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ મીટિંગમાં સામેલ તમામ નેતાઓની પાસે જઈને તેમની સાથે વાત પણ કરી હતી
વડાપ્રધાન મોદીએ મીટિંગમાં સામેલ તમામ નેતાઓની પાસે જઈને તેમની સાથે વાત પણ કરી હતી

ઉમર અબ્દુલ્લાએ કહ્યું- એક બેઠકથી દિલનું અંતર નહીં ઘટે
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે આર્ટિકલ 370 પર અમારી લડાઈ અદાલતમાં લડીશું. અમે વડાપ્રધાનને પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર વચ્ચે વિશ્વાસ ફરી ઊભો કરવો તમારી જવાબદારી છે. જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરેટેરીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જે વાત કાશ્મીરીઓને પસંદ નથી.

ઉમરે કહ્યું કે વડાપ્રધાન દિલનું અંતર ઘટાડવાની વાત કરી રહ્યાં છે, પરંતુ એક મુલાકાતથી ન તો દિલનું અંતર ઘટશે કે ન તો દિલ્હીનું. એક મીટિંગમાં આ વાતની આશા રાખવી ભૂલભરેલું હશે. તેઓએ કહ્યું કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. અમે એમ પણ કહ્યું કે સીમાંકનની કોઈ જ જરૂરિયાત નથી, તેનાથી સંદેહ ઊભો થાય છે.

અમિત શાહે કહ્યું- અમે કાશ્મીર માટે પ્રતિબદ્ધ
બેઠક પછી ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે આજની બેઠક ઘણી જ સોહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ. તમામે લોકતંત્ર અને બંધારણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવાની વાત પર જોર આપ્યું.

તેઓએ કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અમે જમ્મુ અને કાશ્મીરના ભવિષ્ય અંગે ચર્ચા કરી.સીમાંકન અને ચૂંટણી સંસદમાં કરવામાં આવેલા વાયદા મુજબ રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણના પાયાના પથ્થર છે.

પૂર્ણ રાજ્યનો દરજ્જો લાગુ કરવાનો વિશ્વાસ
જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કવીંદર ગુપ્તાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પર વિસ્તારથી ચર્ચા થઈ. એવું લાગે છે કે સીમાંકન પછી ઝડપથી ચૂંટણી યોજાશે. તમામ નેતાઓ ચૂંટણી સામાન્ય રીતે યોજાય તેવું ઈચ્છે છે. પ્રધાનમંત્રીએ ભરોસો આપ્યો છે કે અમે જમ્મુ-કાશ્મીરના વિકાસ પર કામ કરીશું. નેતાઓની માંગ પર પ્રધાનમંત્રીએ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ભરોસો પણ આપ્યો છે.

બેઠકમાં સામેલ થયેલા નેતાઓ સાથે મોદી
બેઠકમાં સામેલ થયેલા નેતાઓ સાથે મોદી

કોંગ્રેસ પ્રધાનમંત્રી સામે 5 મુદ્દા રાખ્યા

બેઠક પછી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે તેઓએ સરકાર સામે પાંચ મુદ્દા રાખ્યા છે.

 • પ્રથમ: જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ટૂંક સમયમાં જ આપવો જોઈએ. ગૃહમાં ગૃહમંત્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે રાજ્યનો દરજ્જો સમય આવ્યે અપાશે. અમે તર્ક આપ્યો છે કે હાલ શાંતિ છે તો આનાથી અનુકૂળ સમય બીજો ન હોય શકે.
 • બીજી: તમે લોકશાહીની મજબૂતીની વાત કરો છો, પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ છે તો આવામાં વિધાનસભાની ચૂંટણી પણ તરત જ કરવી જોઈએ.
 • ત્રીજી: કેન્દ્ર સરકાર ગેરન્ટી આપે કે અમારી જમીન અને રોજગારી અમારી પાસે જ રહે.
 • ચોથી: કાશ્મીર પંડિત છેલ્લા 30 વર્ષથી બહાર છે, જમ્મુ-કાશ્મીરની દરેક પાર્ટીની એ જવાબદારી છે તે તેઓને પરત લાવવામાં આવે અને તેમનું પુન:વસન કરવામાં આવે.
 • પાંચમી: 5 ઓગસ્ટે રાજ્યના બે ભાગ કર્યા હતા. અમે તેનો વિરોધ કર્યો.

મોદીની બેઠક પહેલાં ચૂંટણી પંચની પણ બેઠક મળી
મોદીની બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં રાજકીય અડચણ ખતમ કરવા અને ચૂંટણી કરાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. આ બેઠક પહેલાં ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરના તમામ 20 ઉપાયુક્તો સાથે પણ વિધાનસભા ક્ષેત્રોના પુનર્ગઠન અને 7 નવી સીટ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યા.

બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી. આ બેઠકમાં રવીન્દ્ર રૈના, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ અને મંત્રી જિતેન્દ્ર સિંહ સામેલ હતા.

મોદી સાથે મીટિંગમાં આ નેતા

 • મહેબુબા મુફ્તી: પીડીપીના ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી. કાશ્મીર અનુચ્છેદ 370 હટાવ્યા પછી નજરકેદ કરવામાં આવેલા નેતાઓમાં સામેલ.
 • ફારુક અબ્દુલા: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ છે. 2009થી 2014ની યુપીએ સરકારમાં મંત્રી રહ્યા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લીધા પછી તેમને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા.
 • ઉમર અબ્દુલા: નેશનલ કોન્ફરન્સના નેતા. જમ્મુ-કાશ્મીરની ગઈ પીડીપી-ભાજપ ગઠબંધન સરકાર સમયે વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. તેઓ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમને પણ PSA અંતર્ગત નજરકેદ કરવામાં આવ્યા હતા.
 • સજ્જાદ લોન: જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ છે. તેઓ અબ્દુલ ગની લોનના દિકરા છે. જેમની 2002માં શ્રીનગરમાં એક રેલી દરમિયાન હત્યા કરવામાં આવી હતી. સજ્જાદ ગુપકાર અલાયન્સના નેતાઓ સામેલ છે.
 • રવિન્દર રૈના: જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ છે. સંઘમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી તેમને પાર્ટીના કામે લગાડવામાં આવ્યા છે.
 • કવિંદર ગુપ્તા: પીડીપી- ભાજપા સરકારમાં ડેપ્યૂટી સીએમની જવાબદારી સંભાળી રહ્યા હતા. 13 વર્ષની ઉંમરમાં સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા હતા. લાંબા સમય સુધી સંઘ સાથે કામ કર્યા પછી તેમને ભાજપમાં મોકલવામાં આવ્યા હતા.

મીટિંગમાં આ લોકો પણ સામેલ

 • નિર્મલ સિંહ: BJP નેતા ડૉ. નિર્મલ કુમાર સિંહ પૂર્ણ રાજ્ય રહ્યું તે દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના અંતિમ અધ્યક્ષ હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
 • એમ.વાય. તારિગામી: CPIના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી પીપુલ્સ અલાયન્સના સંયોજક અને પ્રવક્તા છે. તારિગામી 1996, 2002, 2008 અને 2014માં કુલગામથી ધારાસભ્ય ચૂંટાયા હતા.
 • ગુલામ અહમદ મીર: કોંગ્રસે નેતા ગુલામ અહમદ મીર દુરુ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર રાજ્ય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. 2019ના લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા.
 • તારા ચંદ: રાજ્યના કોંગ્રેસના સીનિયર નેતા તારા ચંદ 2009થી 2014 સુધી જમ્મુ અને કાશ્મીરમા ઉપમુખ્યમંત્રી રહ્યા છે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
 • ભીમ સિંહ: ભીમ સિંહ જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી (JKNPP)ના સંસ્થાપક છે. ભીમ સિંહ 30 વર્ષ સુધી પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. 2012માં તેમણે તેમના ભત્રીજાને આ જવાબદારી સોંપી હતી.

પાકિસ્તાન મુદ્દે મહેબૂબાનો વિરોધ
આ દરમિયાન મહેબૂબાના પાકિસ્તાન સાથે વાતચીતના નિવેદન મુદ્દે હોબાળો થઈ ગયો છે. જમ્મુમાં ડોગરા ફ્રન્ટે તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું છે કે મહેબૂબાએ આવું નિવેદન ના આપવું જોઈએ. એ માટે તેમને જેલના સળિયા પાછળ નાખી દેવા જોઈએ.

મહેબૂબા-ફારુખ દિલ્હીમાં
બેઠકમાં સામેલ થવા મહેબૂબા મુફ્તિ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખુલ્લા દિલે ચર્ચા કરશે. જોકે તેમણે આ સપ્તાહે એવું પણ કહ્યું હતું કે આર્ટિકલ 370ને પરત લેવી જોઈએ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. એ ઉપરાંત ફારુક અબ્દુલા શ્રીનગરથી દિલ્હી પહોંચી ગયા છે.

7 પોઈન્ટમાં સમજો મીટિંગનું મહત્ત્વ

 • બુધવારે જ ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીરમાં પરમિશનના મુદ્દે એક મીટિંગ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના અંદાજે 20 ડેપ્યુટી કમિશનર સામેલ થયા હતા.
 • જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્રીય શાસિત રાજ્ય બનાવવાની સાથે જ અહીં વિધાનસભા સીટો વધારવામાં આવી છે. અહીં 114 સીટ છે, જેમાંથી 24 PoKની છે, એટલે કે હાલના સમયમાં ચૂંટણી માટે અંદાજે 90 સીટો હશે.
 • આ બેઠકમાં માત્ર જમ્મુ-કાશ્મીરના આંતરિક મુદ્દાઓ જ નહીં, પરંતુ એ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓની પણ ચર્ચા થઈ શકે છે. એમાં અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાને હટાવવી, લદાખમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવતી ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પણ સામેલ છે.
 • મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના 14 પક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. ગુપકાર ગ્રુપે થોડા દિવસ પહેલાં જ મીટિંગ કરીને નિર્ણય કર્યો હતો કે તેઓ આ બેઠકમાં સામેલ થશે. તેમાં ફારુક અબ્દુલા, મહેબૂબા મુફ્તિ અને સજ્જાદ લોન સામેલ હતા.
 • ગુપકાર ગ્રુપ સિવાય કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિ પણ આ મીટિંગમાં સામેલ થવાના છે. કોંગ્રેસ મનમોહન સિંહની આગેવાનીમાં મીટિંગ કરીને તેમાં સામેલ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 • મીટિંગમાં વડાપ્રધાન મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, NSA અજિત ડોભાલ સહિત અન્ય સિનિયર અધિકારીઓ પણ સામેલ થશે.

2019થી ચાલી રહી છે રાજકીય અસ્થિરતા
5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટ્સને ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યો- જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધા છે. ત્યાર પછીથી રાજકીય સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે. મોટા ભાગના સિનિયર નેતાઓને ઘણા સમય સુધી નજરબંધ રાખવામાં આવ્યા હતા. અમુક લોકોને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરની બહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...