અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સે શુક્રવારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓએ હેલ્થ, ક્લાઇમેટ ચેન્જ, જી20 પ્રેસિડેન્સી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બિલ ગેટ્સે પોતાના ઓફિશિયલ બ્લોગ 'ગેટ્સનોટ્સ'માં આ બેઠક અંગે લખતી વખતે ભારતના વખાણ કર્યા હતાં.
તેમણે લખ્યું કે, હું આ અઠવાડિયે ભારતમાં છું. અત્યારે જ્યારે દુનિયા અનેક પડકારોથી ઘેરાયેલી છે, ત્યારે ભારત જેવા ગતિશીલ અને ક્રિએટિવ સ્થાને રહેવું પ્રેરણાદાયક છે. ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે જ્યારે ઇનોવેશનમાં રોકાણ કરવામાં આવે ત્યારે શું-શું શક્ય બની શકે છે. હું હેલ્થ, ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જના સેક્ટરમાં ભારતના ગ્રોથને લઇને પહેલાંથી વધારે પોઝિટિવ છું. હું આશા કરું છું કે ભારત આ ગ્રોથને જાળવી રાખશે અને પોતાના ઇનોવેશન દુનિયાને જણાવતાં રહેશે.
ગેટ્સે ભારતીય કોરોના વેક્સિન અને હેલ્થકેર સિસ્ટમના વખાણ કર્યા
બિલ ગેટ્સે કહ્યું- પ્રભાવી, સુરક્ષિત અને સસ્તી કોરોના વેક્સિન બનાવવામાં ભારતની અદભૂત ક્ષમતા પ્રોત્સાહનને પાત્ર છે. આ વેક્સિને લાખો લોકોનું જીવન બચાવ્યું અને દુનિયાભરમાં અન્ય બીમારીઓ ફેલાવાથી અટકાવી. આ સારી બાબત છે કે થોડી વેક્સિન બનાવવામાં ગેટ્સ ફાઉન્ડેશન પણ ભારતનો સહયોગ કરી શક્યું.
તેમણે લખ્યું- ભારતે માત્ર જીવનરક્ષક વેક્સિન બનાવી નથી, પરંતુ તેને ડિલીવર કરવામાં પણ સારું કામ કર્યું. ભારતના પબ્લિક હેલ્થ સિસ્ટમે Co-WIN નામના ઓપન સોર્સ પ્લેટફોર્મ દ્વારા કોરોના વેક્સિનની 220 કરોડ ડોઝ ડિલિવર કરી. આ પ્લેટફોર્મ દ્વારા કરોડો લોકોએ વેક્સિન લગાવવાની અપોઇન્ટમેન્ટ લીધી અને વેક્સિન લગાવ્યા પછી તેમને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળ્યું. વડાપ્રધાન મોદીના જણાવ્યા પ્રમાણે CO-WIN દુનિયા માટે એક ઉદાહરણ છે અને હું તેમની વાત સાથે સહમત છું.
ડિજિટલ પેમેન્ટ્સથી 30 કરોડ લોકોને મળ્યું ઇમરજન્સી પેમેન્ટ
ગેટ્સે લખ્યું કે મહામારી દરમિયાન ભારતે ડિજિટલ પેમેન્ટ્સને અપનાવ્યું. 30 કરોડ લોકોને ઇમરજન્સી ડિજિટલ પેમેન્ટ મળ્યાં. તેમાં 20 કરોડ મહિલાઓ સામેલ છે. આ માત્ર એટલાં માટે શક્ય બન્યું કેમ કે ભારતે આર્થિક સમાવેશને પોતાની પ્રાયોરિટી બનાવ્યું અને ડિજિટલ ID સિસ્ટમ(આધાર) અને ડિજિટલ બેકિંગના ઇનોવેટિવ પ્લેટફોર્મમાં રોકાણ કર્યું. જેનાથી સાબિત થાય છે કે ફાયનાન્શિયલ ઇન્ક્લૂઝન સારું રોકાણ છે.
ડિજિટલ ટેક્નોલોજીની મદદથી સરકાર સારું કામ કરે છે
બિલ ગેટ્સે લખ્યું કે ગતિ શક્તિ પ્રોગ્રામ આ વાતનું સટીક ઉદાહરણ છે કે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી સરકાર સારું કામ કરી શકે છે. આ પ્રોગ્રામ રેલ અને રોડ સહિત 16 મંત્રાલયોને ડિજિટલી જોડે છે જેથી આ મંત્રાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના પોતાના પ્લાનને એકસાથે લઇને ચાલી શકે અને ભારતીય સાઇન્ટિસ્ટ્સ અને એન્જીનિયર્સનું કામ ઝડપથી આગળ વધી શકે.
ભારતના ઇનોવેશન દુનિયાની મદદ કરી રહ્યા છે
ગેટ્સે લખ્યું કે ભારતની G20 પ્રેસિડેન્સી આ હાઈલાઇટ કરવાની સારી તક છે કે કેવી રીતે દેશમાં કરવામાં આવતા ઇનોવેશન દુનિયાની મદદ કરી શકે છે. ભારતની બધી કોશિશમાં તેમની મદદ કરવી, ખાસ કરીને ભારતના ડિજિટલ ID અને પેમેન્ટ સિસ્ટમને અન્ય દેશો સુધી લાવવી ગેટ્સ ફાઉન્ડેશનની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.