કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.નકવી સાથે કેન્દ્રીય સ્ટીલ મંત્રી આરસીપી સિંહે પણ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. બન્નેનો રાજ્યસભામાં કાર્યકાળ આવતીકાલે એટલે કે ગુરુવારે પૂરો થવા જઈ રહ્યો છે.બન્ને મંત્રીના રાજીનામા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઘુમતી બાબતને લગતા મંત્રાલયની વિશેષ જવાબદારી આપવામાં આવી છે.
આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે કે તેઓ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે તાજેતરમાં રાજ્યસભા ચૂંટણીમાં નકવીને ઉમેદવાર બનાવ્યા ન હતા, ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે પક્ષ તેમને કોઈ મોટી ભૂમિકામાં રજૂ કરવા ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. નકવી અત્યારે કેન્દ્ર સરકારમાં પ્રધાન રહ્યા છે, આ ઉપરાંત રાજ્યસભામાં ભાજપ સંસદીય પક્ષના ઉપનેતા પણ હતા.
PM મોદીએ કેબિનેટ બેઠકમાં પ્રશંસા કરી
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં પણ લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી તથા આરસીપી સિંહની પ્રશંસા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદીએ કહ્યું કે તમે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે.
કેબિનેટ બેઠક બાદ નડ્ડાને મળ્યા નકવી
કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જોકે બન્ને નેતા વચ્ચે શું વાતચીત યોજાઈ તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી મળી શકી નથી.
JDU ક્વોટાથી મંત્રી આરસીપી સિંહે પણ રાજીનામું આપ્યું
મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત જનતા દળ યુનાઈટેડના ક્વોટાથી કેન્દ્ર સરકારમાં મંત્રી આરસીપી સિંહે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. JDUએ તેમને રાજ્યસભામાં વધુ કાર્યકાળ આપ્યો નથી. આરસીપી સિંહનો રાજ્યસભા સાંસદ તરીકે ગુરુવારે અંતિમ દિવસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.