• Gujarati News
  • National
  • Nanavati, Former Supreme Court Judge, Dies At 86, Investigates Godhra Scandal And 1984 Riots

દુ:ખદ અવસાન:સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ રહી ચુકેલા નાણાવટીનું 86 વર્ષની ઉંમરે નિધન, 2002ના ગોધરા કાંડ અને 1984ના તોફાનોની તપાસ કરેલી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

અનેક બહુચર્ચિત કેસોની તપાસ કરનારા અને સુપ્રીમ કોર્ટના ભૂતપુર્વ ન્યાયમૂર્તિ જીટી નાણાવટીનું આજે અવસાન થયું છે. ન્યાયમૂર્તિ નાણાવટીએ ગુજરાતના ગોધરા કાંડ ઉપરાંત વર્ષ 1984ના શીખ વિરોધી તોફાનોની પણ તપાસ કરી હતી.

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા તોફાનો અને વર્ષ 1984ના શીખ વિરોધી તોફાનોની તપાસ કરનારા આયોગનું તેમણે નેતૃત્વ કર્યું હતું. ભૂતપુર્વ ન્યાયમૂર્તિ જીટી નાણાવટીનું શનિવારે સવારે અમદાવાદ સ્થિતિ તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 86 વર્ષની ઉંમર ધરાવતા હતા. પરિવારના સભ્યોએ આપેલી માહિતી પ્રમાણે નાણાવટીનું હાર્ટએટેકને લીધે અવસાન થયુંહ તું. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5:15 વાગે કરવામાં આવ્યા હતા.

ગોધરા ટ્રેનમાં કારસેવકનોને જીવતા સળગાવવાની ઘટના અને ત્યારબાદ ફાટી નિકળેલા કોમી તોફાનોની તપાસ માટે નિમવામાં આવેલા ન્યાયમૂર્તિ નાણાવટી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંત્રિપરિષદના સભ્યો તથા પોલીસને ક્લિન ચિટ આપી હતી. નાણાવટી પંચે છ-છ મહિનાના 24 વખત વિસ્તાર કરવામાં આવેલો. ત્યારબાદ વર્ષ 2014માં નાણાવટી પંચે તેનો અહેવાલ સોંપ્યો હતો.

આ ઉપરાંત નાણાવટીને NDA સરકારે 1984ના શીખ વિરોધી તોફાનોની તપાસ માટે નિમણૂંક કરી હતી. તેઓ નાણાવટી પંચના એકમાત્ર સભ્ય હતા. નાણાવટીનો 17મી ફેબ્રુઆરી,1935ના રોજ જન્મ થયો હતો અને તેમણે 1958માં બોમ્બે હાઈકોર્ટથી તેમની કરિયરની શરૂઆત કરી હતી. ​​​​​​​

તેમની વર્ષ 1979માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક થઈ હતી અને વર્ષ 1993માં ઓડીસા હાઈકોર્ટમાં સ્થળાંતરિક કરાયા હતા. ત્યારબાદ 6 માર્ચ,1995ના રોજ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બને તે અગાઉ ઓડીસા અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ 16 ફેબ્રુઆરી,2000ના રોજ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિવૃત થયા હતા.