તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનનાં ગામડાંમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ:ઘરે-ઘરે શરદી-ખાંસીના દર્દી, નકલી ડોક્ટરનો સહારો; એક પછી એક લોકોનાં મૃત્યુ

નાગૌર3 મહિનો પહેલાલેખક: મનીષ વ્યાસ
  • કૉપી લિંક
  • બડૂમાં 19, જંજીલા 17 અને હરનાવામાં 13 મૃત્યુ સહિત અત્યારસુધીમાં લગભગ 49 લોકોનાં મૃત્યુ થયાં છે

કોરોનાને કારણે શહેરમાં અંતિમસંસ્કાર માટે લાગેલી લાંબી લાઈનોની વચ્ચે હવે ગામડાંની સ્થિતિ પણ ખરાબ થઈ ચૂકી છે. ગ્રાઉન્ડ રિયલિટી જાણવા માટે અમે રાજસ્થાનના નાગૌર જિલ્લાનાં ત્રણ ગામો બડૂ, જંજીલા અને હરનાવમાં પહોંચ્યા.

દરેક ગામમાં 5થી 12 હજાર સુધીની વસતિ છે. આ તમામ ગામડાંમાં છેલ્લા 15 દિવસથી મૃત્યુ અચાનક વધી ગયાં છે. બડૂમાં 19, જંજીલા 17 અને હરનાવામાં 13 મૃત્યુ મેળવીને અત્યારસુધીમાં લગભગ 49 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. એમાંથી માત્ર 18 જ કન્ફર્મ્ડ કોરોના પોઝિટિવ હતા, બાકીના મૃત્યુ પામનારા તમામ 31 લોકો ખાંસી-તાવથી પીડાતા હતા. શું તેમને કોરોના હતો? ટેસ્ટ જ થયો નથી તો કઈ રીતે ખ્યાલ આવે.

શું કોઈએ દવા લીધી? કઈ રીતે લે- સરકારી વ્યવસ્થા ખરાબ છે, ખાનગી હોસ્પિટલમાં ગરીબો જઈ શકતા નથી. તમે સ્થિતિનો અંદાજ એ રીતે લગાવી શકો છો કે આ ગામોમાં દરેક ઘરમાં ખાંસી-તાવની સમસ્યા છે.

હરનામવાઃ 15 દિવસમાં ખાંસી-તાવથી મૃત્યુ પામ્યા 13 લોકો
અહીં 23 એપ્રિલે કોરોનાથી સૌથી પ્રથમ મૃત્યુ 36 વર્ષના વેપારી મુકુટ લડ્ડાનું થયું. બે દિવસ પછી અહીં એક મહિલાએ પણ કોરોના સંક્રમણના પગલે જીવ ગુમાવ્યો. મહિલાના મૃત્યુ પછી 3 દિવસ પછી તેના પતિનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું. મોટા ભાગે મૃત્યુ પામનારાઓ 30થી 50 વર્ષની ઉંમરના હતા. ગામમાં છગનલાલનું કહેવું છે કે અહીં મૃત્યુ પછી પણ સ્વાસ્થ્ય વિભાગેે કોરોના ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા કરી નથી.

છગન કહે છે, ટેસ્ટિંગ માટે બડૂ હોસ્પિટલ જઈને સેમ્પલ આપવા પડ્યાં છે. ગામમાં જ ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા હોવી જોઈએ, નહિતર મૃત્યુ અટકશે નહિ. જો પ્રત્યેક મૃત્યુની તપાસ થાય તો સરકારને ખ્યાલ આવશે કે લોકો કઈ રીતે મૃત્યુ પામી રહ્યાં છે. ગામના લોકોએ જણાવ્યું કે માત્ર 15 દિવસમાં જ ખાંસી-તાવથી 13 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આટલાં મૃત્યુ તો સમગ્ર વર્ષમાં પણ થતાં ન હતાં.

હરનાવના સરપંચ મહિપાલ સિંહ સતત ગામમાં ફરીને પોતે જાહેરાત કરીને લોકોને જાગ્રત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રામપંચાયતે કોઈપણ પ્રકારના કારણ વગર ઘરમાંથી બહાર નીકળનારાઓ અને કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરનાઓને 11 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની પણ ચેતવણી આપી છે. સમગ્ર ગ્રામપંચાયતમાં હાઈપોક્લોરાઈડનો છંટકાવ કરાઈ રહ્યો છે.

બડૂઃ એક પરિવારમાં 9 દિવસમાં 4નાં મૃત્યુ
કોરોનાની બીજી લહેરને કારણે બડૂ ગામમાં શોક છે. અહીં 15 દિવસમાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. એક પરિવારમાં માત્ર 9 દિવસમાં 4 લોકોનાં મૃત્યુ થયાં, તેમાંથી મોટા ભાગનાએ ટેસ્ટ પણ કરાવ્યો ન હતો. જોકે તમામ તાવ, ખાસી, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. બીમાર લોકો હાલ પણ પોતાની સારવાર કરવાની જગ્યાએ નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવી રહ્યા છે. અહીં પેરાસિટામોલ જેવી સાધારણ ટેબ્લેટનાં પણ જોરદાર કાળાં બજાર થઈ રહ્યાં છે.

સખત લોકડાઉન છતાં અહીં સવારે મળેલી છૂટમાં લોકો માસ્ક વગર બજારોમાં નીકળે છે. અહીં પોલીસ ચોકીમાં પણ માત્ર 2 જ પોલીસ કર્મચારી છે. એને પગલે આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બડૂ સરપંચ સુરેશ માલી સતત ગામમાં ફરીને જાહેરાત કરીને લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરવાનું કહી રહ્યા છે.

જંજીલાઃ 15 દિવસમાં 17 અર્થી ઊઠી
જંજીલા ગામમાં માત્ર 15 દિવસમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. એને પગલે સમગ્ર ગામમાં ભય છે. હવે લોકો ઘરની બહાર નીકળતા નથી. સમગ્ર ગામમાં સન્નાટો છે. અહીં મૃત્યુ પામનારાઓ પહેલા ખાંસી-તાવથી પીડાતા હતા. અહીં ચિકત્સા વિભાગ એક્ટિવ છે. દરેક ઘરે જઈને લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જંજીલા સરપંચ રેખા કડવા લોકોને મહામારી અંગે જાગ્રત કરી રહી છે. ગ્રામપંચાયત ક્ષેત્રમાં હાઈપોક્લોરાઈડનો છંટકાવ થઈ રહ્યો છે.

દર્દની જૂની કહાની કહે છે લોકો
ગ્રામીણ યુવા સતવીર સિંહે કહ્યું, અહીં આટલાં મૃત્યુ છતાં મેડિકલ ડિપાર્ટમેન્ટે કોરોના ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા કરી નથી. તેમનું કહેવું છે કે સરકારે ગામડાંની સ્થિતિ સમજવી જરૂરી છે. ગામમાં જ ટેસ્ટિંગ અને સારવારની સુવિધા હોવી જોઈએ, નહિતર મૃત્યુ અટકશે નહિ.

બડૂના પૂર્વ સરપંચ ભીંવરાજ ગિંવારિયાએ જણાવ્યું હતું કે મારી પત્નીનું 10 દિવસ પહેલાં જ કોરોનાથી મૃત્યુ થયું છે. થોડીક પણ બેદરકારી તમારો જીવ લઈ શકે છે. જો સ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લેવામાં ન આવી તો ગામડાંનો નાશ થશે.

જંજીલાના વેપારી રામગોપાલ લોહિયાના 23 વર્ષના પુત્રનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેમણે કહ્યું હતું કે આ બીમારીએ બધું ખેરવી નાખ્યું છે. હવે તો જે બચ્યું છે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. દરેક સમયે ચિંતા અને ડર લાગે છે કે કોઈ મૃત્યુના સમાચાર ન મળે.

ઈન્પુટઃ હરનાવાંથી રામાવતાર વૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...