શિક્ષણમાં ધર્મ:કર્ણાટકમાં મુસ્લિમ સંઘ 13 કોલેજ ખોલશે, જ્યાં હિજાબ બૅન નહીં હોય

બેંગલુરુ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ કર્ણાટકમાં વકરતો હિજાબ વિવાદ
  • રાજ્યમાં તમામ શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ હિજાબ વિવાદ ફરી વકરે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના દક્ષિણના જિલ્લાઓનાં મુસ્લિમ સંગઠનોએ રાજ્યમાં નવી 13 ખાનગી કોલેજ ખોલવા અરજી કરી છે. આ કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ નહીં હોય. ખાનગી કોલેજ ખોલવા લઘુમતી સંગઠનો તરફથી એકસાથે આટલી અરજીઓ અગાઉ ક્યારેય નથી આવી.

છેલ્લાં 5 વર્ષમાં એક પણ અરજી નહોતી કરાઇ. તેથી જાણકારોનું માનવું છે કે નવી કોલેજો ખૂલવાથી હિજાબ વિવાદ વકરશે, કેમ કે રાજ્યની તમામ સરકારી શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ છે. તેના કારણે લઘુમતી સમાજની સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા પણ નથી આપી. તેને ધ્યાનમાં રાખીને જ મુસ્લિમ સંગઠનો પોતાની કોલેજ ખોલવા માગે છે.

કર્ણાટકમાં અગાઉની કોંગ્રેસી સરકારે સરકારી શિક્ષણ સંસ્થાઓ માટે ડ્રેસકોડ ફરજિયાત કરી દીધો હતો. ખાનગી સ્કૂલોને પોતાનો ડ્રેસકોડ નક્કી કરવાની છૂટ છે. સરકારી શાળા-કોલેજોમાં ધાર્મિક ચિહનો પર પ્રતિબંધ હોવાથી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હિજાબને મંજૂરી આપવી કે નહીં એ જે-તે સંસ્થા પર નિર્ભર કરે છે. તેથી મુસ્લિમ સંગઠનોએ પોતાની કોલેજો ખોલવાનું નક્કી કર્યું છે.

શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવી ખાનગી કોલેજ ખોલવા માટેની અરજીઓની ચકાસણી કરાઇ રહી છે. એક અરજી મંજૂર થઇ ગઇ છે. અરજદાર કોલેજ ખોલવા માટેના તમામ માપદંડ પૂરા કરે તો તેમને મંજૂરી આપી શકાય છે.

હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટમાં રાહત ન મળી છતાં આંદોલન જારી
કર્ણાટકમાં હિજાબ મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યા બાદ શમવા લાગ્યો હતો. શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરીની દાદ માગતી અરજી હાઇકોર્ટે ફગાવી, પછી સુપ્રીમકોર્ટે સુનાવણીનો ઇનકાર કર્યો. તેમ છતાં હિજાબના સમર્થનમાં આંદોલન કરતાં સંગઠનોએ સંઘર્ષ તેજ કર્યો છે. વિદ્યાર્થિનીઓનું સ્કૂલે ન જવું અને હિજાબ વિના પરીક્ષા આપવાનો ઇનકાર કરવો પણ આંદોલનનો જ ભાગ છે. આંદોલનનું નેતૃત્વ કરતા કેમ્પસ ફ્રન્ટ આૅફ ઇન્ડિયા (સીએફઆઇ)એ તાજેતરમાં એક રેલી કરી હતી. સીએફઆઇના પ્રદેશ અધ્યક્ષ અથૌલા પંજાલકટ્ટેએ કહ્યું કે હિજાબ વિરુદ્ધનો હાઇકોર્ટનો આદેશ ગેરબંધારણીય છે અને સુપ્રીમકોર્ટ સુનાવણી નથી કરી રહી. તેથી અમારી પાસે હવે આંદોલનનો એકમાત્ર રસ્તો બચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...