ફરમાન:કોલેજોમાં સૂર્યનમસ્કારના UGCના આદેશનો મુસ્લિમ સંગઠન દ્વારા વિરોધ

લખનઉ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કારમાં ન જોડાવા કહ્યું

યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (એમપીએલબી) વિરોધ કર્યો છે. બોર્ડે મુસ્લિમ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કારમાં ન જોડાવા ફરમાન જારી કરી જણાવ્યું છે કે આ પૂજાની એક રીત છે અને ઇસ્લામમાં તેની મંજૂરી નથી. તેથી મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં ન જોડાવું જોઇએ.

બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ રહમાનીએ કહ્યું કે આ બહુમતીની પરંપરાઓ અને સંસ્કૃતિ બીજા ધર્મો પર થોપવાનો પ્રયાસ અને ગેરબંધારણીય છે. સૂર્યનમસ્કાર દેશભક્તિ નહીં પણ પૂજાની પદ્ધતિ છે. ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને યુજીસીએ 29 ડિસેમ્બરે પરિપત્ર જારી કર્યો હતો, જેમાં દેશની 30 હજાર શૈક્ષણિક સંસ્થાઓમાં 3 લાખ વિદ્યાર્થીઓને તિરંગા સામે સૂર્યનમસ્કાર કરવા જણાવાયું છે. આ કાર્યક્રમ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે અને 26 જાન્યુઆરીએ કરાવવાનો નિર્દેશ છે.

સૂર્યનમસ્કાર એ સૂર્યપૂજા જ છે: AIMPLB
મૌલાના ખાલિદ રહમાનીએ કહ્યું કે સૂર્યનમસ્કાર સૂર્યપૂજાનો જ એક પ્રકાર છે. મુસ્લિમો તથા દેશના અન્ય લઘુમતીઓ સૂર્યને દેવતા નથી માનતા કે તેની ઉપાસનાને યોગ્ય નથી ગણતા. તેથી આવા નિર્દેશ પાછા ખેંચવાની અને દેશનાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો આદર કરવાની સરકારની ફરજ છે. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ કહ્યું કે સરકાર ઇચ્છે તો દેશપ્રેમની ભાવના જગાડવા રાષ્ટ્રગીત ગવડાવે. સરકાર દેશપ્રેમનો હક અદા કરવા ઇચ્છતી હોય તો તેણે દેશની વાસ્તવિક સમસ્યાઓ તરફ ધ્યાન આપવું જોઇએ. મુસ્લિમ બાળકોને સૂર્યનમસ્કાર જેવા કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનાથી બચવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...