મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. જોકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાઈરસની રસીના બંને ડોઝ લીધા હશે.
ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે એક પેસેન્જર પાસ જરૂરી હશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પેસેન્જર મોબાઈલ એપના માધ્યમથી ટ્રેનનો પાસ ડાઉનલોડ કરી શકાશે. એવા લોકો, જેમની પાસે સ્માર્ટફોન નથી તેઓ શહેરમાં સ્થિત મ્યુનિસિપલ વોર્ડ કાર્યાલયોમાંથી કે ઉપનગરી રેલવે સ્ટેશનમાંથી ફોટો પાસ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાના સવાલ પર ગુરુવારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવેએ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર આ સંબંધમાં પ્રસ્તાવ આપે છે તો વિચાર કરવામાં આવી શકે છે.
પુણેમાં નવ ઓગસ્ટથી દુકાનો રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે
પુણે જિલ્લામાં નવ ઓગસ્ટથી રેસ્ટોરાં 50 ટકા ક્ષમતાની સાથે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યારે દુકાનો રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રવિવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પુણે અને પિંપરી ચિંચવાડમાં મોલ રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે એમાં એ લોકોને જ પ્રવેશની પરવાનગી આપવામાં આવશે, જેમણે કોવિડ-19ની બંને રસી લીધી છે.
25 જિલ્લામાં દુકાનોને રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રેસ્ટોરાંના માલિક, વ્યવસાયી અને મોલમાં કામ કરતા લોકો, સંગઠનો સમય વધારવાની માગ કરી રહ્યાં હતાં. એના માટે દેખાવો પણ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ 25 જિલ્લામાં દુકાનોને રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી, જોકે એમાં પુણે અને દસ અન્ય જિલ્લા સામેલ ન હતા, જ્યાં ત્રીજા લેવલના પ્રતિબંધો ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.