તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MRP, 10 Times Higher Than The Wholesale Rate, Is Robbing Millions Of Patients Every Day

ભાસ્કર તપાસ:હૉલસેલ રેટથી 10 ગણી વધુ MRP, રોજ લાખો દર્દીઓને લૂંટી રહ્યા છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: સુનિલસિંહ બઘેલ
  • કૉપી લિંક
  • સંકટમાં પણ ફાર્મા કંપનીઓએ તક ઝડપી લીધી, બ્રાન્ડેડના નામે દવાના ભાવમાં મોટો ફરક, સરકારની દરેક કડકાઈનો તેમના પાસે તોડ...
  • ખાનગી હોસ્પિટલો, ડૉક્ટરો, મેડિકલ સ્ટોર્સ, કંપનીઓની સાંઠગાંઠથી ચાલી રહ્યો છે ખેલ

કોરોનાકાળમાં લોકો જ્યારે પોતાના શ્વાસ અને ઓક્સિજન લેવલ ગણતા હતા, ત્યારે ફાર્મા કંપનીઓએ જોરદાર નફો રળ્યો છે. લોકો પર આવેલું આ સંકટ ફાર્મા કંપનીઓ, મેડિકલ સ્ટોરના માલિકો, ખાનગી હોસ્પિટલો અને કેટલાક ડૉક્ટરો માટે બહુ મોટી તક બની ગઈ હતી. આ સમયમાં પણ તેમણે દવાઓ પર હૉલસેલ રેટથી 10 ગણી વધુ એમઆરપી વસૂલી છે.

જેમ કે, કોવિડ-19ની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો ખૂબ ઉપયોગ થયો. હેટ્રો કંપનીના એક ઈન્જેક્શનની એમઆરપી રૂ. 5,400 હતી, જ્યારે હૉલસેલ કિંમત રૂ. 1,900 હતી. તેના 6 ઈન્જેક્શનનો કોર્સ રૂ. 32,400માં પડ્યો. બીજી તરફ, રૂ. 800ની એમઆરપી ધરાવતા કેડિલાના 6 ઈન્જેક્શનના આખા કોર્સની કિંમત રૂ. 4,800 હતી. આમ, એક જ દવાની કિંમતમાં રૂ. 27,600નો ફર્ક હતો.

એવી જ રીતે, સિપ્લાના એન્ટિબાયોટિક ઈન્જેક્શન મેરોપૈનમના 10 ડોઝની કિંમત રૂ. 36 હજાર છે, જ્યારે માયલાન ફાર્માના આટલાં જ ઈન્જેક્શન રૂ. 5000માં મળી જાય છે. ટ્રાયોકા ફાર્માનાં આ એન્ટિબાયોટિક ઈન્જેક્શન પર એમઆરપી ભલે રૂ. 2,400 હોય, પરંતુ તેનો હૉલસેલ રેટ ફક્ત રૂ. 221 છે. દવાઓની હૉલસેલ અને એમઆરપી કિંમતોમાં આટલો મોટા ફર્ક રાખીને કરાયેલી લૂંટ મુદ્દે રિપોર્ટ...

મોટા સવાલ... એક જ દવા બનાવવાનો ખર્ચ સમાન, તો તેની કિંમત જુદી જુદી કેમ?
કેમ કંપનીઓ મનમાની કરીને એમઆરપી નંખાવે છે?
પીએમ જનઔષધિ કેન્દ્રને દવા પૂરી પાડતા એક કંપની માલિક અનૈતિક નફાખોરીની વાત કબૂલે છે. તેઓ સવાલ કરે છે કે અમે ઔષધિ કેન્દ્ર અને કંપનીઓ બંનેને એક જ ભાવે દવા આપીએ છીએ, પરંતુ કંપનીઓ મનમાની એમઆરપી નક્કી કરે છે અને અનેકગણા મોંઘા ભાવે વેચે છે. આવું કેમ?

જનઔષધિ કેન્દ્ર પર એમઆરપી વધુ કેમ?
મેડિકલ એક્ટિવિસ્ટ ડૉ. પીયૂષ જોશી સવાલ કરે છે કે દેશમાં ખુલેલાં આઠ હજારથી વધુ જનઔષધિ કેન્દ્ર જ્યારે 20-80% સુધી છૂટ આપવાનો દાવો કરે છે, તો તેમની દવાઓ પર આટલી વધુ એમઆરપી કેમ છે? અસલી કિંમત કેમ નથી? ટૂંકમાં સ્પષ્ટ છે કે, અહીં પણ દવા માફિયાઓ ઘૂસી ગયા છે.

આઈએમએનો તર્ક: કેન્દ્ર બ્રાન્ડેડ દવાની સિસ્ટમ બંધ કરી દે
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. જે.એ. જયલાલ કહે છે કે સરકારે બ્રાન્ડેડ દવા સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ. આ લૂંટના મૂળમાં બ્રાન્ડ પ્રમોશન જ છે. બીજી તરફ, ઑલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના સચિવ રાજીવ સિંઘલ કહે છે કે હૉલસેલર, મેડિકલ શૉપનું 35% માર્જિન જોડીને એમઆરપી નક્કી કરવામાં આવે.

કંપની એક, પરંતુ જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓના હૉલસેલ રેટમાં મોટો તફાવત
ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાનના દવાબજારોની તપાસમાં માલુમ પડ્યું છે કે, બ્રાન્ડેડ દવાઓના નામે ફાર્મા કંપનીઓ કિંમતમાં 1000થી 1,500%નો જંગી વધારો કરે છે. મોટી કંપનીઓ પોતે જેનેરિક અને બ્રાન્ડેડ દવા જુદી જુદી કિંમતે બજારમાં મૂકે છે. જેનેરિક દવામાં 80% જેટલું અને બ્રાન્ડેડમાં 20% જેટલું માર્જિન હોય છે. ઉદાહરણ તરીકે, સિપ્લા કંપનીની બ્રાન્ડેડ એન્ટિબાયોટિક ઓમનિક્સ-ઓની એમઆરપી રૂ. 175 છે. તે રિટેલરને 20% ઓછી એટલે કે રૂ. 140માં મળે છે, જ્યારે સિપ્લા આ જ દવા સેફિક્સ-ઓ નામે પણ બનાવે છે. તેના પર એમઆરપી બ્રાન્ડેડથી પણ વધુ રૂ. 220 જેટલી હોય છે, પરંતુ 10 ટેબ્લેટનો હૉલસેલ રેટ ફક્ત રૂ. 52 છે.

કંપનીઓની ચાલાકી, દવા ‘મૂલ્ય નિયંત્રણ’ની યાદીમાંથી બહાર
દવાઓની કિંમતો પર નિયંત્રણ અને દેખરેખ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી કરે છે. જોકે, તેઓ ફક્ત કંટ્રોલ્ડ કેટેગરીની સિંગલ મોલેક્યુલ દવાની એમઆરપી નક્કી કરી શકે છે. કંપનીઓ તેનો ફાયદો ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...