ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા, જેમાં મહિલા, પુરુષ અને બાળકો પણ સામેલ છે. 14 લોકોનાં મોત થયાં છે. 17 લોકોને વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે.
ઘટનાસ્થળે હાજર રહેલા ભાજપના ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્યએ ભાસ્કરને જણાવ્યું હતું કે તંત્રએ તેમને પાંચ લોકોનાં મોત થયાની જાણકારી જણાવી છે, જેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ MIC સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે. કન્યા પૂજનનો કાર્યક્રમ હતો એટલે મંદિરમાં ભક્તોની ભીડ વધુ હતી.
PMએ CMને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ઈન્દોરમાં બનેલી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. રાજ્ય સરકાર બચાવ અને રાહતકાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે.
વધારે વજનને કારણે છત તૂટી પડી
આ દુર્ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, આ ઘટના હવન દરમિયાન બની હતી. વાવની છત પર 25થી વધુ લોકો બેઠા હતા, જેથી વધુપડતા વજનને કારણે તેની છત તૂટી ગઈ અને લોકો નીચે પડી ગયા હતા.
કેમ સર્જાઈ દુર્ઘટના
જણાવવામાં આવી રહ્યું છે કે મંદિર પરિસરમાં બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે. મંદિર પરિસરમાં ચાલતા બાંધકામને કારણે કૂવાની દીવાલ નબળી પડી જતાં છત તૂટી જવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાની માહિતી મેળવી છે. તેમણે ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી હતી. કેટલાક લોકોને વાવમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ અને પૂર્વ સીએમ કમલનાથે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં આગ લાગી
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં રામનવમી પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીંના વેણુગોપાલ મંદિર પરિસરમાં પંડાલમાં શોર્ટસર્કિટ બાદ ભીષણ આગ લાગી હતી. પોલીસ ફોર્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ટીમે તમામ ભક્તોને મંદિરમાંથી બહાર કાઢ્યા છે. કોઈને ઈજા થઈ નથી. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંદિરની આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.