કોરોના ફરી એકવાર ડરાવવા લાગ્યો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેની સાથે સંક્રમણનો દર પણ વધી રહ્યો છે. શુક્રવારે બહાર આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકની અંદર 17,336 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા 13313 દર્દીઓ નોંધાયા હતા. દેશમાં એક જ દિવસમાં નવા કેસ ચાર હજારથી વધું નોંધાયા છે.
આ ઉપરાંત, કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે, એક્ટિવ દર્દીઓમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં હવે 88,284 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે ગઈકાલ સુધીમાં 83,990 એક્ટિવ દર્દીઓ હતા. એક દિવસમાં ચાર હજારથી વધુ એક્ટિવ દર્દીઓમાં પણ વધારો થયો છે.
માંડવીયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે કોરોનાના વધતાં સંક્રમણ પર નજર રાખવા અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે વધું કેસ ધરાવતા રાજ્યોમાં બૂસ્ટર ડોઝની ઝડપ વધારવા પર પણ ભાર મૂકવા કહ્યું હતુ.
12 રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 જૂન પછી 12 રાજ્યોમાં કોરોનાનાં સંક્રમણમાં વધારો થયો છે. તેમાં મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ગોવા, પંજાબમાં સાપ્તાહિક કેસોમાં વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.