મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર લોકોને બચાવવા INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં 137 લોકો સવાર છે. એમાંથી 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા છે.
ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું, ' બોમ્બે હાઇ વિસ્તારમાં સ્થિત હીરા ઓઇલ ક્ષેત્રમાં જહાજ ' P-305 'ની મદદ માટે આઈએનએસ કોચ્ચીને રવાના કરવામાં આવ્યું હતું. INS તલવારને પણ સર્ચ અને રાહત કામગીરી માટે તહેનાત કરાયા હતા. બીજું જહાજ એટલે કે GAL કન્સ્ટ્રક્ટરનો પણ ઇમર્જન્સી સંદેશ મળ્યો હતો, જેના પર 137 લોકો સવાર છે અને એ મુંબઈ કિનારે આઠ નોટિકલ માઇલ દૂર છે. INS કોલકાતાને એની મદદ માટે રવાના કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં સવાર 38 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
કમાન્ડર મધવાલે જણાવ્યું હતું કે આ પહેલાં સોમવારે દિવસમાં અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે પાણી ભરાઈ ગયેલા ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર IX માં ફસાયેલા 4 ક્રૂ-સભ્યોને નેવી હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં ફસાયેલા આ જહાજના મશીનરી ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે એ આગળ વધી શકતું ન હતું. એનો વીજપુરવઠો પણ બંધ કરાયો હતો.
તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની 11 ટીમો તૈયાર રાખવામાં આવી છે. બાર પૂર રાહત ટીમો અને મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે, વાવાઝોડા પ્રભાવિત રાજ્યોમાં જરૂર પડવા પર એને મોકલવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.