જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે ફરી શરૂ:જ્ઞાનવાપી પરિસરમાં કલ્પના કરતાં પણ વધુ પુરાવા: હિન્દુ પક્ષના વકીલ

વારાણસી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોંયરાના 4 રૂમનો 52 લોકોની ટીમ દ્વારા સર્વે

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં અદાલતના સખ્ત આદેશ બાદ શનિવારે ફરીથી સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા, વિશાલ સિંહ, અધિકારીઓ તેમજ બંને પક્ષોના 52 લોકોની ટીમે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આજે સર્વે ટીમે મસ્જિદના ભોંયરાના ચાર રૂમનો સર્વે પૂર્ણ કર્યો છે.

ભોંયરામાં સાપ હોવાની આશંકાને કારણે મદારીને પણ સાથે રખાયા હતા. હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે પુરાવાઓ અમારા પક્ષમાં છે. અપેક્ષાથી વધુ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને સર્વેનો પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે, કોર્ટે આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે.

આ પરિપ્રેક્ષ્યમાં અમે કોઇ જાણકારી ના આપી શકીએ. જો કે, તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, ત્યાં જે કંઇપણ હતું તે કલ્પનાથી પણ વધુ હતું. પાંચ મહિલાઓની જ્ઞાનવાપી મસ્જિદની બાહ્ય દિવાલો પર બનેલા દેવી-દેવતાઓની પૂજાની અનુમતિ માંગવા માટેની અરજીના મામલામાં વારાણસીની કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. પરંતુ ગત સપ્તાહે મુસ્લિમ પક્ષોના વિરોધને કારણે સર્વેનું કામ અટક્યું હતું.

આ બાદ ફરીથી અદાલતે કોઇપણ રીતે સર્વે જારી રાખવા તેમજ 17 મે સુધી સર્વે રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સર્વે માટે મસ્જિદ પરિસરની આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં 1500થી વધુ પોલીસકર્મીઓ તેમજ PAC જવાનો તહેનાત હતા. રવિવારે પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે.

ત્રણ રૂમના તાળાં તોડીને સર્વેનું કામ થયું
સર્વે ટીમે ભોંયરાના ચાર રૂમનો સર્વે પૂર્ણ કર્યો હતો. તેમાં ત્રણ રૂમ મુસ્લિમ પક્ષના કબ્જામાં જ્યારે એક રૂમ હિંદુ પક્ષના કબ્જામાં છે. ત્રણ રૂમમાં તાળા હતા. કેટલાકને ચાવી દ્વારા ખોલવામાં આવ્યા અને અમુક તાળા તોડવાની પણ નોબત આવી હતી. ચારેય રૂમનું નિરીક્ષણ કરાયું હતું. દીવાલોની બનાવટથી લઇને સ્તંભોની પણ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સર્વે બાદ ફરીથી દરેક રૂમને સીલ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...