વાંદરાની VIP મુલાકાત:કપિરાજે એરપોર્ટના બાર કાઉન્ટર પર ધમાચકડી મચાવી, જ્યૂસ પીધો, ખાવાનું ખાધું ને સીસીટીવીના સહારે રફૂચક્કર

21 દિવસ પહેલા
  • દિલ્હીની મેટ્રો હોય કે એરપોર્ટ અવારનવાર વાંદરા એન્ટ્રી મારીને તોફાનો કરે

આપણે અવારનવાર કપિરાજના કારનામાના વીડિયો સોશિયલ મીડિયામાં જોતા જ હોઈએ છીએ. ક્યાંક શેરીઓમાં તોફાન કરે તો ક્યાંક દિલ્હીની મેટ્રોમાં મસ્તી કરતો પણ વાંદરો જોવા મળી જ જાય છે. જો કે, હવે કપિરાજે મોટો ઠેકડો માર્યો હોય તેમ સીધા જ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જઈને મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં ઘૂસીને કપિરાજે મચાવેલી ધમાચકડીને મુસાફરોએ મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. ગેરકાયદે રીતે ઘૂસેલા વાંદરાએ ત્યાં બાર કાઉન્ટર પડેલા જ્યૂસને પીવાની સાથે જ મુસાફરો માટેની સ્પેશ્યલ ડિશની પણ લિજ્જત માણી હતી. જાણે કે કોઈનો પણ ડર ના હોય તેમ કપિરાજ પોતાની મસ્તીમાં ત્યાં હાજર દરેક વસ્તુની મજા લેતા રહ્યા હતા. બાર કાઉન્ટર પર ઉછળકૂદ કરીને કપિરાજે ત્યાંથી ઠેકડો મારીને સીસીટીવીના સહારે બહાર નીકળવાની તૈયારીઓ કરી હતી. મુસાફરોએ પણ કપિરાજની વીઆઈપી લોન્જની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનો ઘટનાક્રમ કેમેરામાં કેદ કર્યો હતો.

વીડિયો વાઈરલ થયા બાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટનો વીડિયો હોવાની પુષ્ટિ કરી હતી. જો કે, આ વીડિયો ક્યારનો છે તેના વિશે કોઈ ફોડ નહોતો પાડ્યો. આમ પણ દિલ્હીની મેટ્રો હોય કે એરપોર્ટ અહીં અવારનવાર વાંદરાઓ ઘૂસ મારીને મજા કરીને રવાના થઈ જાય છે.