• Gujarati News
  • National
  • Modi's Five Words, When The Soldiers Chanted The Slogan 'Bharat Mata Ki Jai', The Country Also Listens

સરહદ પર દિવાળી:મોદીની એ પાંચ વાત, જ્યારે જવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, દેશ પણ સાંભળે

23 દિવસ પહેલા

"નૌશેરાનું શૌર્ય ક્યારેય ઝૂક્યું નથી, નૌશેરાએ દરેક ષડયંત્રોનો જવાબ આપ્યો છે, સર્જિકલ સ્ટ્રાઈકનો એ દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે, મા અને માતૃભૂમિ સ્વર્ગથી તો સ્વર્ગથી પણ મહાન છે અને ભારત અમર હતો, અમર છે અને અમર રહેશે". આ એ પાંચ વાત છે જેને સાંભળીને સરહદ પર તૈનાત દેશના જવાનો ‘ભારત માતા કી જય’નો જયઘોષ કરવા લાગ્યા. જવાનો સાથે દિવાળી મનાવવા વડા પ્રધાન જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટર પહોંચેલા મોદીએ આ વાત કરી. PM મોદીની આ પાંચેય વાતોને વિસ્તારથી સમજીએ.

નૌશેરાનું શૌર્ય ક્યારેય ઝૂક્યું નથી
સૈનિકોને સંબોધતા PM મોદીએ નૌશેરાની ભૂમિની વાત કરી. મોદીએ કહ્યું કે, આ ભૂમિમાં જ કંઈક ખાસ છે. આ ભૂમિ પર પગ મૂકતાની સાથે જ તેમને અનેરો રોમાંચ થઈ રહ્યો છે. મોદીએ કહ્યું કે, જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે નૌશેરાના નરબંકાઓએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે, આ ભૂમિનું શૌર્ય જ એવું છે કે, ક્યારેય કોઈની સામે ઝૂક્યું નથી.

નૌશેરાએ દરેક ષડયંત્રોનો જવાબ આપ્યો છે
વડા પ્રધાને કહ્યું કે, આઝાદી મળ્યા પછી તરત જ નૌશેરા પર દુશ્મનોએ ડોળો તાંક્યો હતો. પણ નૌશેરાના આ શૌર્ય સામે તમામ ષડયંત્રો ઢેર થઈ ગયા હતા. મોદીએ કહ્યું કે, અહીંનો વર્તમાન તમારા જેવા વીરોની વીરતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. અહીંના પહાડોની દરેક ટોચ પર વીરતાનો એ જયઘોષ સંભળાય છે. એટલા માટે જ તો નૌશેરા એ જમ્મુ-કાશ્મીરનું પ્રહરી બનીને અડિખમ ઉભું છે.

એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું
જવાનોનું જોમ વધારતાં વડા પ્રધાને સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરી. મોદીએ કહ્યું કે, આ ઓપરેશનમાં અહીંના જવાનોએ જે કામ કર્યું એ શૌર્યને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે, સૂર્યોદય પહેલા જવાનોએ દુશ્મનોનો ખાત્મો બોલાવીને આવવાનું હતું અને એ પણ સલામત રીતે. આ રાત્રે તેમની નજર ફોન પર જ હતી કે ક્યારે એ રિંગ વાગે.

મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન
આ સંબોધન દરમિયાન મોદીએ જવાનોના ત્યાગ અને બલીદાનની પણ વાત કરી. આ માટે તેમણે ભગવાન શ્રીરામની ‘જનની જન્મભૂમિશ્ચ...’ની વાત કરી. તેમણે કહ્યું કે, જેમ ભગવાનને માટે મા અને માતૃભૂમિ જ મહાન હતા તેમ તમારા માટે પણ તમારે પણ આ દેશ માટે જ જીવવાનું છે. આ જ ભાવ આપણને બીજાથી જૂદા પાડે છે. આ જ ભાવના આપણે માનવ મૂલ્યોના ઉચ્ચતમ શિખર પર બિરાજમાન કરે છે.

ભારત અમર હતો, અમર છે અને અમર રહેશે
સંબોધનના અંતમા વડા પ્રધાને દેશની વાત કરી. તેમણે કહ્યું કે, ઈતિહાસ બને છે, બગડે છે, સત્તા આવે છે અને જાય છે, સામ્રાજ્ય આકાશને આંબે છે અને ધરાશાયી પણ થાય છે, પણ ભારત હજારો વર્ષ પહેલાં પણ અમર હતો, આજે પણ અમર છે અને હજારો વર્ષ પછી પણ અમર રહેશે. કારણ કે, આપણે રાષ્ટ્રને શાસન, સત્તા અને સામ્રાજ્યના રૂપમાં જોતા નથી. આપણા માટે તો એ સાક્ષાત જીવંત આત્મા છે. આ દેશની રક્ષા આપણા માટે કેવળ ભૌગોલિક સીમાઓની રક્ષા નથી પણ આપણા માટે રાષ્ટ્રરક્ષાનો અર્થ છે, રાષ્ટ્રીય જીવંતતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડતાનું રક્ષણ.