વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે થોડા કલાકો માટે નેપાળની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત છે. આ મુલાકાતને બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય એને દેશની રાજનીતિ સાથે જોડીને પણ જોઈ શકાય છે.
નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું હતું- વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબા લુમ્બિનીમાં મળશે. આ દરમિયાન તેમણે બંને દેશ વચ્ચે વધુ સારા સંબંધો અંગે ચર્ચા કરશે. એકબીજાના હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જોકે સવાલ એ છે કે મીટિંગ માટે માત્ર લુમ્બિની જ કેમ, કાઠમંડુ કે અન્ય કોઈ શહેર કેમ નહીં? અમે તમને જણાવીએ છીએ કે કેમ....
અહીં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો
વાસ્તવમાં આજે બુદ્ધપૂર્ણિમા છે અને આજે નેપાળના વડાપ્રધાન અને મોદીની મુલાકાત થશે. નોંધનીય છે કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો. ભારતમાં બૌદ્ધ લોકોની વસતિ ભલે ઓછી હોય, પરંતુ ભારતનો ઇતિહાસ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિના પૂર્ણ નથી. નેપાળમાં બૌદ્ધોની બીજા નંબરની સૌથી મોટી વસતિ છે. એકલા લુમ્બિનીમાં એક લાખ 58 હજાર બૌદ્ધો રહે છે. જ્યારે આ બેઠક લુમ્બિનીમાં થશે, ત્યારે ભારત અને નેપાળ બંનેના સામાન્ય બૌદ્ધ વારસાના રાજકીય સંબંધોમાં પણ સુધારો થશે.
એશિયાના દેશોને એકસાથે બાંધી શકે છે બૌદ્ધ કૂટનીતિ
લુમ્બિની જવાથી ભારત અને નેપાળ વચ્ચેના રાજકીય સંબંધો માત્ર મજબૂત થશે જ નહીં, બૌદ્ધ કૂટનીતિ દ્વારા એશિયાને પણ એકબીજા સાથે જોડી શકાય છે. હકીકતમાં વિશ્વની સૌથી મોટી બૌદ્ધ વસતિ ચીન, નેપાળ ભુતાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોમાં રહે છે. એટલા માટે ભારતીય જોડાણ અને બૌદ્ધ કૂટનીતિથી એશિયાને એકતાના સૂત્રમાં બાંધી શકાય છે.
વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય રીતે પણ મહત્ત્વની
ભારતમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. આવતા વર્ષે અહીં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર છે અને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય રીતે પણ મહત્ત્વની પણ ગણી શકાય. અહીંથી તેઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં રહેતા બૌદ્ધોને ભાજપ સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.