પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે પાંચમી વખત દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. આ સમય દરમિયાન 17 મેથી સમાપ્ત થતા લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવશે. રવિવારે કેટલાક રાજ્યોએ શ્રમિકોના પરત ફરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ રાજ્યો કહે છે કે, સ્થળાંતરીત શ્રમિકોને લીધે કોરોનાવાયરસના કેસો વધી રહ્યા છે, તેથી જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે તે જલ્દીથી રેડ ઝોનમાં બદલાઈ જશે.
સોમવારે મોદી 51 દિવસમાં પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ કરશે. આ પહેલા તેઓ ચાર વખત મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી ચૂક્યા છે. તેઓએ 20 માર્ચ, 2, 11 અને 27 એપ્રિલના રોજ પણ વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી હતી.
ઘણા રાજ્યોએ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પર સવાલ ઉઠાવ્યા
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અને હેલ્થ સેક્રેટરી (આરોગ્ય સચિવ) સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બનાવેલા નિયમો પર સવાલ ઉઠાવ્યા છે.
લોકડાઉનમાં ત્રણ વાર વધારો થયો છે
વડા પ્રધાન મોદીએ સૌથી પહેલા 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી. પ્રથમ લોકડાઉન 21 દિવસ માટે લગાવવામાં આવ્યું હતું. તે 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું હતું. ત્યારબાદ લોકડાઉન 19 દિવસ સુધી વધારવામાં આવ્યું હતું. 3 મેના રોજ પૂરા થનારા લોકડાઉનમાં ફરી 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે લોકડાઉન 17 મેના રોજ સમાપ્ત થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.