રવિવારે મન કી બાતમાં PM મોદીએ સંબોધન કર્યુ હતુ. મન કી બાતને 94મો એપિસોડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતા સૌ પ્રથમ દેશવાસીઓને છઠ પર્વની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે આ તહેવાર સ્વચ્છતા પર ભાર મુકે છે.
PMએ સંબોધન કરતા કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં સૂર્ય ઉપાસનાનો મહાપર્વ છઠ ઉજવવામાં આવી રહ્યો છે. છઠ પર્વમાં ભાગ લેવા માટે લાખો ભક્તો તેમના ગામો, તેમના ઘરો, તેમના પરિવારો વચ્ચે પહોંચ્યા છે. હું પ્રાર્થના કરું છું કે છઠ મૈયા દરેકની સમૃદ્ધિ, દરેકનું કલ્યાણના આશીર્વાદ આપે. તેમણે કહ્યું કે સૂર્યપૂજાની પરંપરા તે વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા અને પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ છે. આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યપ્રકાશનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તેમજ આ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર-ચઢાવ એ જીવનનો અભિન્ન ભાગ છે.
દેશનું પ્રથમ સૂર્ય ગામ ગુજરાતનું મોઢેરા
PM એ કહ્યું કે થોડા દિવસો પહેલા તમે દેશના પ્રથમ સૂર્ય ગામ- ગુજરાતમાં મોઢેરા વિશે ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગામનો મોટા ભાગનો ઘરોમાં સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન થવા લાગી છે. હવે ત્યાં ઘણા ઘરોમાં મહિનાના અંતે વીજળીનું બિલ નથી આવતુ, તેના બદલે વીજળીથી કમાણીનો ચેક મળી રહ્યો છે.
આ સૂર્ય ભગવાનનું વરદાન છે - 'સોલાર એનર્જી'. સૌર ઉર્જા આજે એક એવો વિષય છે, જેમાં સમગ્ર વિશ્વ તેના ભવિષ્ય તરફ જોઈ રહ્યું છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી માત્ર પૂજા જ નહીં, પરંતુ જીવનની પદ્ધતીના કેન્દ્રમાં પણ રહ્યા છે.
'છઠ'નો તહેવાર 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નું ઉદાહરણ છે
મોદીએ કહ્યું કે છઠનો તહેવાર પણ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'નું ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના ખૂણે ખૂણે ધામધૂમથી છઠનું આયોજન કરી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ ઘણા ભાગોમાં છઠનું મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ગુજરાતમાં આટલી છઠ પૂજા થતી ન હતી, પરંતુ સમયની સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં છઠ પૂજાના રંગો જોવા મળી રહ્યા છે. હું પણ આ જોઈને ખૂબ જ ખુશ છું. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશમાંથી પણ છઠ પૂજાની કેટલી સુંદર તસવીરો સામે આવી રહી છે.
આ પહેલા PM મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના રોજગાર મેળાને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં 20 જુદા-જુદા સ્થળો પર 3 હજાર યુવાઓને સરકારમાં કામ કરવા માટે નિમણૂંક પત્રો સોંપવામાં આવી રહ્યા છે. તેમણે નિમણૂંક પત્રો મેળવનારા તમામ યુવાઓને અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમાં બીજા અન્ય વિભાગોમાં પણ 700 થી વધુ નિમણૂંક પત્રો આપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. તેમણે વદુમાં કહ્યુ હતુ કે 21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપુર્ણ દાયકો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.