કર્ણાટકમાં આગામી વર્ષે એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે નવા ગઠબંધનની શક્યતાઓ તપાસવાનું શરૂ કરી દીધું છે. તે અંતર્ગત પક્ષ વૈચારિક રીતે વિરોધી જેડીએસ સાથે ગઠબંધનની તૈયારી કરી રહ્યો છે. આમ કરીને તેઓ જૂના મૈસૂર ક્ષેત્રની 89 બેઠક (વોક્કાલિગ્ગા બહુમતી)ને સાધવા ઈચ્છે છે.
224 વિધાનસભા બેઠક ધરાવતા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 બેઠકની બહુમતી જોઇએ. ગઇ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 104 બેઠક મળી હતી. તેમાં ભાજપ જૂના મૈસૂરની 89માંથી ફક્ત 22 બેઠક જીતી શક્યો હતો, જ્યારે કોંગ્રેસે 32 અને જેડીએસએ 31 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. આ પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચ.ડી. દેવગૌડાનો મતવિસ્તાર પણ છે. અહીં કોંગ્રેસ અને જેડીએસની ટક્કર થાય છે.
એ ચૂંટણીમાં 100થી વધુ બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હોવા છતાં ભાજપ અહીં સરકાર નહોતો બનાવી શક્યો. તેનું કારણ એ હતું કે જેડીએસએ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપ્યું હતું. સૂત્રો મુજબ, હવે ભાજપ અહીં તેની નબળાઈઓ પર ધ્યાન આપવા માંગે છે, જેથી જૂના મૈસૂર વિસ્તારની 80%થી વધુ બેઠક જીતી શકે. ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે અહીંની ચૂંટણીનું એક મોટું ફેક્ટર સેન્ટિમેન્ટ છે. ખાસ કરીને સ્થાનિક નેતાઓથી લઈને લોકોનું સેન્ટિમેન્ટ પરિણામોને અસર કરે છે. વર્ષ 2009માં જેડીએસએ ભાજપ, ખાસ કરીને યેદિયુરપ્પાની અઢી-અઢી વર્ષની સીએમ ફોર્મ્યુલા હેઠળ સમર્થન નહોતું આપ્યું, એટલે સરકાર ટકી ના શકી. ત્યાર પછી સહાનુભૂતિ ફેક્ટર યેદિયુરપ્પાના પક્ષમાં રહ્યું અને ભાજપ ચૂંટણી જીત્યો.
ત્યાર પછી યેદિયુરપ્પા ભાજપથી અલગ થયા અને ભાજપ ચૂંટણી હાર્યો. ગઇ ચૂંટણીમાં ભાજપે યેદિયુરપ્પાને સીએમ તરીકે પ્રોજેક્ટ કરી લડવી પડી, જ્યારે તેમની ઉંમર 76 વર્ષ હતી. સૂત્રોના મતે, ભાજપે આ નિર્ણય લેવો પડ્યો હતો કારણ કે ભાજપના મુખ્ય મતદારો લિંગાયતોને સાધી શકે એવો યેદિયુરપ્પાથી મોટો કોઈ નેતા તેમની પાસે ન હતો. પછી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લિંગાયત સમાજના બસવરાજ બોમ્બઇને સીએ બનાવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.