સિક્યોરિટી ફોર્સને જમ્મુ કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. ગુરૂવારે સવારે જમ્મુના નગરોટામાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ચારેય આતંકી ગોળા-બારૂદ અને હથિયાર લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યાં હતા. ઘટના સવારે 4:50 વાગ્યે ઘટી છે. સુરક્ષાદળોએ નગરોટા સ્થિત બનેલા ટોલ પ્લાઝ પર એક ટ્રકને રોકી અને તપાસ શરૂ કરી. આ દરમિયાન ડ્રાઈવર ટ્રકમાંથી છલાંગ મારીને ભાગ્યો હતો. જે બાદ જવાનોએ તપાસ શરૂ કરી તો ટ્રકની અંદરથી ફાયરિંગ થવા લાગ્યું. લગભગ બે કલાકના એન્કાઉન્ટર પછી સુરક્ષાદળોએ ટ્રકને ઉડાવી દીધી હતી.
આ ટ્રક ચોખાની ગુણીઓથી ભરેલી હતી અને તેની વચ્ચે આતંકીઓ બેઠા હતા. અથડામણ પછી ટ્રકમાંથી 4 આતંકીઓની બોડી કાઢવામાં આવી. આ સાથે જ 11 AK-47 રાયફલ, 3 પિસ્તોલ, 29 ગ્રેનેડ, 6 UBGL ગ્રેનેડ, મોબાઈલ ફોન, કંપાસ, બેગપેક જપ્તા કરવામાં આવી છે.
અથડામણ પછી આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે અમારો પાકિસ્તાન અને તેના આતંકીઓ માટે સ્પષ્ટ સંદેશ છે. જે પણ આતંકી લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને ભારત આવશે, તેમની સાથે આવું જ કરવામાં આવશે. તેઓ પછી પરત નહીં જઈ શકે. સેના પ્રમુખે કહ્યું કે આ ઘણું જ સફળ ઓપરેશન હતું. આ તમામ સુરક્ષાદળો વચ્ચે ઉમદા તાલમેળનું ઉદાહરણ છે.
જમ્મુ ઝોનના IGની પ્રેસ કોન્ફરન્સ: મોટા હુમલાની ફિરાકમાં હતા આતંકી
સાંબા સેક્ટરથી ભારતમાં દાખલ થયા હતા
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહના જણાવ્યા પ્રમાણે, જૈશના ચાર આંતકીઓએ બુધવારે રાતે સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમાથી ઘૂસણખોરી કરી હતી. તેઓ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જઈ રહ્યા હતા. પોલીસે નગરોટા પાસે એક ટોલ પ્લાઝા પર તેમને રોક્યા હતા. આંતકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
આ વર્ષે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ બીજુ એન્કાઉન્ટર છે. સેનાએ જાન્યુઆરીમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. તેઓ પણ આ રીતે જ એક ટ્રકમાં છુપાયા હતા.
3 દિવસ પહેલાં દિલ્હીમાં જૈશના 2 આતંકીઓ પકડાયા હતા
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સોમવારે રાતે બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજ અને વિસ્ફોટકો મળ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી છે. તેઓ વોટ્સએપ ગ્રૂપથી પાકિસ્તાન વાત પણ કરતાં હતા.
ધરપકડ કરાયેલા આતંકીઓના નામ અબ્દુલ લતીફ મીર અને અશરફ ખટાના છે. આ આંતકીઓએ ઘણાં રાષ્ટ્રીય ઠેકાણાં અને VIPને ટાર્ગેટ કરીને રાખ્યા હતા. ઓગસ્ટમાં પણ દિલ્હી પોલીસે ISના એક આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી IED ડિવાઈસ મળી આવી હતી.
1 નવેમ્બરે હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરવામાં આવ્યો હતો
આ મહિનાની પહેલી તારીખે CRPF અને પોલીસે શ્રીનગરમાં હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરી દીધા છે. તેના સાથીની ધરપકડ કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળેથી એક એકે-47 રાઈફલ અને પિસ્ટલ મળી આવી છે. હાલના સમયે કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદીઓમાં સૈફુલ્લા મોસ્ટ વોન્ટેડ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.