ઉત્તરાખંડમાં ભારે વરસાદ:મેઘતાંડવ; ચારધામ યાત્રા અટકી

દહેરાદૂનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સહિત દેશભરના હજારો તીર્થયાત્રાળુઓ ફસાયા
  • કેરળમાં વરસાદ, ભૂસ્ખલનથી 27 મરણાંક, 10 ડેમમાં રેડએલર્ટ
  • દિલ્હીમાં વરસાદે 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલમાં બરફવર્ષા શરૂ
  • હિમાચલ ​​​​​​​પ્રદેશમાં 7 લોકોના મોત, 37થી વધુ રસ્તાઓ હિમવર્ષાથી બંધ કરવા પડ્યા

ઉત્તરાખંડમાં સતત બે દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદીઓ તોફાની છે અને અનેક બંધોમાં પાણીની સપાટી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ચારેય ધામમાં હિમવર્ષા થઈ રહી છે. આ જોતા સરકારે 19 ઓક્ટોબર સુધી ચારધામ યાત્રા રોકી દીધી છે. આ માહોલમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં આશરે દસ હજાર શ્રદ્ધાળુ ફસાઈ ગયા છે.

બીજી તરફ, કેરળમાં સતત વરસાદથી ભૂસ્ખલન અને અન્ય વરસાદી ઘટનાઓથી મોતનો આંકડો 27એ પહોંચી ગયો છે. અહીંના અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત છે, જેથી 184 રાહત શિબિરો ઊભી કરાઈ છે. કેરળના 10 જિલ્લામાં 20 ઓક્ટોબરે અને છ જિલ્લામાં 21 ઓક્ટોબરે ભારે વરસાદનું એલર્ટ છે. કોટ્ટાયમ જિલ્લામાં 62 મકાન ધરાશાયી થઈ ગયા છે, જ્યારે 161ને નુકસાન થયું છે. જળસ્તર વધતા અહીંના દસ બંધોમાં રેડ એલર્ટ અને આઠમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે વરસાદને પગલે સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરની તીર્થયાત્રા પણ અટકાવી દેવાઈ છે.

સોમવારે સવારે બદ્રીનાતથી પાછા આવી રહેલા શ્રદ્ધાળુઓના વાહનો જોશીમઠ અને પીપલકોટિ વચ્ચે એક તોફાની નાળાના કારણે ફસાઈ ગયા. ત્યાર પછી અહીં અનેક કિલોમીટર લાંબો જામ લાગી ગયો. ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.

ચારધામ યાત્રાળુઓમાં પાછા આવવા અફરાતફરી
ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા ડબલ રેડ એલર્ટ જારી કરવાની સૂચના મળતા જ યાત્રાળુઓમાં સોમવારે પાછા આવવા અફરાતફરી મચી ગઈ હતી. મસૂરી, ઉત્તરકાશી, શ્રીનગર, દેવપ્રયાગ વગેરે હાઈવે પર લાંબા જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસના મતે, બદ્રીનાથમાં સવારે છ હજાર શ્રદ્ધાળુ હતા, જેમાં ચાર હજાર પોતપોતાના વાહનોમાં પરત જવા નીકળી ગયા હતા.

દિલ્હીથી પરિવાર સાથે બદ્રીનાથના દર્શનાર્થે આવેલા જગમોહન કોટનાલા કહે છે કે, અમે સુરક્ષિત રીતે દહેરાદૂન પહોંચવા માંગીએ છીએ. ચંડીગઢથી આવેલા સરકારી શિક્ષક રોહિત સચદેવા કહે છે કે, મારો પરિવાર ભયભીત છે. અમે અનેક સ્થળે પહાડ પડતા જોયા છે. અમે અહીંથી ઝડપથી નીકળી જવા માંગીએ છીએ.

મસૂરી, નૈનિતાલથી પ્રવાસીઓ પણ પાછા આવી ગયા
મસૂરી, નૈનિતાલ અને ચકરાતા જેવા સ્થળોએથી સહેલાણીઓ પાછા આવી ગયા છે. આ દરમિયાન મસૂરી અને દહેરાદૂન વચ્ચે જામ લાગી ગયો હતો. આ ઉપરાંત નૈનિતાલથી હલ્દવાની પાછા ફરતા વાહનોના કારણે પણ લાંબો જામ લાગી ગયો હતો. અહીં કિતાબઘર ચોકમાં લક્ષ્મી પેલેસ હોટલના માલિક વીરેન્દ્ર નેગી કહે છે કે, મારી હોટલમાં 80% પ્રવાસી પાછા આવી ગયા છે. તેમાંના મોટા ભાગનાના બુકિંગ રદ થઈ ગયા છે.

કેદારનાથમાં અનેક ગુજરાતીઓ ફસાયા
ચારધામની યાત્રા માટે ગુજરાત સહિતના રાજ્યોના 3 હજારથી વધુ યાત્રાળુઓ ભારે વરસાદને પગલે કેદારનાથ સહિતના સ્થળે ફસાયા હતા. માર્ગો, હેલિકોપ્ટર સેવા બંધ થતા યાત્રાળુઓ હોટેલમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. યાત્રાળુઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી રહેવા-ખાવાપીવાની મુશ્કેલીઓ વર્ણવીને ગુજરાત સરકારને મદદની અપીલ કરી હતી.

દિલ્હી-NCRમાં 94.6 મિ.મી. વરસાદ; 1960માં ઓક્ટોબરમાં 93.4 મિ.મી. થયો હતો
દિલ્હી-એનસીઆરમાં પણ સોમવારે ભારે વરસાદને પગલે વાહન વ્યવહારને અસર થઈ. દિલ્હીમાં ઓક્ટોબરમાં અત્યાર સુધી 94.6 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ પહેલા 1960માં 93.4 મિ.મી. વરસાદ થયો હતો. આમ, 60 વર્ષ પછી ઓક્ટોબરમાં આટલો વરસાદ થયો છે. આ પહેલા 1910માં 185.9, 1954માં 238 અને 1956માં 236 મિ.મી. વરસાદ પડ્યો હતો. રવિવારે દિલ્હીમાં 87.9 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે ઓક્ટોબરમાં એક દિવસમાં ચોથા ક્રમનો સૌથી વધુ વરસાદ છે.

હવે આગળ શુંઃવરસાદ ચાલુ રહેશે, ઠંડી વધશે
ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા, તોફાનની ચેતવણી આપતા રેડ એલર્ટ આપ્યું છે. અહીં ત્રણ હજાર ફૂટથી વધુની ઊંચાઈએ સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષાને પગલે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...