પંજાબમાં, ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અમૃતપાલની ધરપકડ માટે રાજ્યમાં સતત બીજા દિવસે પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. અહીં જલંધર રેન્જના DIG સ્વપન શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં અમૃતપાલના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના કનેક્શનનો ખુલાસો કર્યો છે. અમૃતપાલ સિંહના ટોચના ધરપકડ કરાયેલા ચાર સહયોગીઓને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યા છે. ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એરફોર્સનું એક વિશેષ વિમાન તેમને ઉચ્ચ સુરક્ષાવાળી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં આસામ લઈ જશે. ચાર કટ્ટરપંથીઓની સાથે પંજાબ પોલીસની 30 સભ્યોની ટીમ હતી.
પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ આનંદપુર ખાલસા ફોર્સ (AKF)ની રચના કરી રહ્યો હતો. પોલીસને તેના ઘરે અને તેના સાથીઓ પાસેથી મળી આવેલાં હથિયારો પર AKF લખેલું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે અમૃતપાલ AKFના નામે પોતાની ખાનગી સેના તૈયાર કરી રહ્યો હતો.
અમૃતસર ગ્રામીણ SSP સતીન્દર સિંહે દાવો કર્યો હતો કે અમૃતપાલના નજીકના સાથી પાસેથી 100થી વધુ ગેરકાયદે કારતૂસ મળી આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કારતૂસ ક્યાંથી આવ્યા, તો તેમણે કહ્યું કે અમૃતપાલે કોઈ જાણીતા પાસેથી તેને આ કારતૂસ અપાવ્યા હતા.
વકીલનો દાવો- અમૃતપાલ પોલીસ કસ્ટડીમાં છે
અમૃતપાલના વકીલ ઈમાન સિંહ ખારાએ રવિવારે પંજાબ અને ચંદીગઢ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે, પરંતુ તેમની ધરપકડ બતાવવામાં આવી રહી નથી.
અરજીમાં માગ કરવામાં આવી હતી કે અમૃતપાલ સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવે. અરજી પર સુનાવણી હાઈકોર્ટના જસ્ટિસ શેખાવતના ઘરે થઈ હતી. આમાં કોર્ટે અમૃતપાલને રજૂ કરવા માટે વોરંટ અધિકારીની નિમણૂક કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પંજાબ સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માગ્યો હતો. આ અરજી પર આગામી સુનાવણી 21 માર્ચે થશે.
પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની તપાસ રવિવારે બીજા દિવસે પણ ચાલુ છે. પંજાબ પોલીસે રાજ્યમાં તેને શોધવા માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શનિવારે 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પોલીસથી બચવામાં સફળ રહ્યો હતો. તેની કાર નાકોદરમાં પાર્ક કરેલી મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલનો મોબાઈલ ફોન પણ આ જ વાહનમાંથી મળી આવ્યો હતો.
જલ્લુપુર ખૈરાની બહાર કડક સુરક્ષા
ડિબ્રુગઢ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પોલીસ અધિક્ષકે કડક સુરક્ષા વચ્ચે મોહનબારી એરપોર્ટ પર ટીમનું સ્વાગત કર્યું. ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉત્તરપૂર્વ ભારતની સૌથી જૂની જેલોમાંની એક છે. તે ભારે કિલ્લાબંધી ધરાવે છે, અને આસામમાં ઉલ્ફા વિદ્રોહ દરમિયાન ટોચના આતંકવાદીઓને અહીં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પંજાબ પોલીસે અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના સંગઠન 'વારિસ પંજાબ દે'ના 78 સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તેમના પિતાને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે, અને અમૃતસરમાં તેમના ગામ જલ્લુપુર ખૈરાની બહાર પોલીસ અને અર્ધલશ્કરી દળોની ભારે તૈનાત છે.
અમૃતપાલના ફાઇનાન્સર દલજીત સિંહ કલસીની ધરપકડ કરવામાં આવી છે. તે અભિનેતા અને પ્રોડ્યુસર છે. અમૃતપાલની ધરપકડની માહિતી શનિવારે બપોરે મળી હતી, પરંતુ પોલીસે મોડી રાત્રે જાહેર કરેલા સત્તાવાર પ્રેસ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે હજી તે ફરાર છે. અમૃતપાલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે 'વારિસ પંજાબ દે' સાથે જોડાયેલા 78 લોકોની ધરપકડ કરી છે.
પંજાબમાં કાલે બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ બંધ રહેશે. વાતાવરણ ડહોળાવાની શકયતા અને અફવાઓ રોકવાના હેતુથી મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ બંધ કરવામાં આવી હતી.
અપડેટ્સ...
અમૃતપાલ ચકમો આપીને ભાગી ગયો
અમૃતપાલના જલંધર અને ભટિંડામાં કાર્યક્રમો હતા. તે જલંધરના મેહતપુરમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યો હતો કે પોલીસે તેને પકડવા માટે ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. અમૃતપાલનો કાફલો જ્યારે મહેતપુર નજીક પહોંચ્યો ત્યારે પોલીસે તેને ઘેરી લીધો હતો. કાફલામાં આગળ દોડી રહેલા 2 વાહનોમાં મુસાફરી કરી રહેલા 7 લોકો ઝડપાયા હતા. અમૃતપાલની કાર કાફલામાં ત્રીજા નંબરે હતી. પોલીસને જોઈને અમૃતપાલનો ડ્રાઈવર કારને લિંક રોડ પર લઈ ગયો. ત્યારબાદ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખની ધરપકડ કરવા માટે પોલીસની ગાડીઓ પાછળ પીછો કરી રહી હતી. આ દરમિયાન અમૃતપાલની કાર નકોદરમાં ઊભેલી મળી આવી હતી.
બે દિવસ સુધી રોડવેઝ-પનબસ બસો દોડશે નહીં
પંજાબમાં આજથી બે દિવસ માટે સરકારી બસ સેવાઓ પણ બંધ રહેશે. સરકારી આદેશ અનુસાર, સોમવાર અને મંગળવારે પંજાબ રોડવેઝ અને પનબસની કોઈ બસ દોડશે નહીં. અમૃતપાલના સમર્થકો દ્વારા તોડફોડની આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીઆરટીસીની બસો દોડશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
નકોદર પાસે મોડી રીત સુધી સર્ચ ઓપરેશન કરાયું
જલંધર જિલ્લાના નાકોદર વિસ્તારમાં પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ હતું. અહીંના સરિન્હ ગામમાં સર્ચ ઓપરેશનનું નેતૃત્વ જલંધરના પોલીસ કમિશનર પોતે કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમૃતપાલ હજુ પણ ફરાર છે અને ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે. નકોદરમાં જ અમૃતપાલની મળી આવેલી કાર પોલીસે જપ્ત કરી હતી.
અમૃતસરમાં આજથી G20 દેશોની કોન્ફરન્સ
આજથી અમૃતસરમાં G20 દેશોની લેબર લો પર બે દિવસીય સંમેલન પણ શરૂ થઈ રહ્યું છે. આ માટે મોટાભાગના વિદેશી પ્રતિનિધિઓ શનિવારે જ અમૃતસર પહોંચ્યા હતા. આ કોન્ફરન્સ અમૃતસરની ખાલસા કોલેજ અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU)માં યોજાઈ રહી છે. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે અમૃતસરના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી દીધી છે.
પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર
સમગ્ર પંજાબમાં પોલીસ-પ્રશાસન એલર્ટ મોડ પર છે. અમૃતસર, ફાઝિલ્કા, મોગા, મુક્તસર સહિત ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે. જો કે તેનું કારણ અમૃતસરમાં G20 દેશોની કોન્ફરન્સ કહેવામાં આવી રહી છે.
નિહંગની સમયમર્યાદા આજે પૂરી થશે
મોહાલીમાં, અમૃતપાલની મુક્તિ માટે તેમના સમર્થકો દ્વારા શનિવારે મોડી રાત સુધી વિરોધ ચાલુ રહ્યો હતો. ચંદીગઢ-મોહાલી બોર્ડર પર કોમી ઈન્સાફ મોરચામાં સામેલ લગભગ 150 નિહંગોએ શનિવારે ચંદીગઢ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઝપાઝપી બાદ સાંજે 5 વાગ્યે એરપોર્ટ રોડ જામ કરી દીધો હતો. તેઓએ હાથમાં ખુલ્લી તલવાર, ભાલા અને લાકડીઓ લીધી હતી. રાત્રે 10 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. તે પછી ભીડ ઓછી થવા લાગી હતી પણ રસ્તો ખુલ્લો ન થઈ શક્યો. તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેપિડ એક્શન ફોર્સ (RAF) ઉપરાંત અહીં બુલેટપ્રૂફ ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યાં છે. નિહંગોએ અમૃતપાલને છોડવા માટે પોલીસને 24 કલાકનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા આજે સાંજે પૂરી થશે.
જાણો શનિવારે શું થયું
અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો
23 ફેબ્રુઆરી 2023ના રોજ, ખાલિસ્તાન તરફી સંગઠન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલના નેતૃત્વમાં તેના હજારો સમર્થકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેઓના હાથમાં બંદૂક અને તલવારો હતી. આ લોકો અમૃતપાલના નજીકના લવપ્રીત સિંહ તુફાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. આ હુમલાથી પંજાબ પોલીસ દબાણમાં આવી ગઈ હતી. લવપ્રીત સિંહ તુફાનને છોડવાની જાહેરાત કરવી પડી હતી.
અમૃતપાલના ગામની ચારેય તરફ સેન્ટ્રલ ફોર્સ તહેનાત
અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે અમૃતસર જિલ્લામાં રઈયાની પાસે આવેલા તેના પિતૃક ગામ જલ્લુપુર ખેડાને પણ શનિવારે બપોરે ઘેરી લીધું હતું. ગામમાં અવર-જવર કરતાં દરેક વ્યક્તિની પૂછપરછ ઉપરાંત વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. પંજાબ પોલીસ ઉપરાંત જલ્લુપુર ખેડાની ચારેય તરફ સેન્ટ્રલ ફોર્સના જવાન તહેનાત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.