એન્ટિલિયા કેસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (API)સચિન વઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સરકારના મુખ્ય સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને CM ઉદ્ધવ ઠાકરે વચ્ચે આશરે એક કલાક વાતચીત થઈ હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે એન્ટિલિયા કેસમાં વઝેનું નામ આવતા અને રાજ્ય સરકાર તરફથી તેમનો બચાવ કરવાને લઈ શરદ પવાર નારાજ હોવાનું માનવામાં આવે છે. દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખને હટાવ્યાના સમાચાર આવ્યા. જ્યારે ભાજપ નેતા નીતેશ રાણેએ વઝે અને શિવસેનાની યૂથ વિંગ યુવા સેનાના એક નેતાના IPL બુકી સાથે સંબંધનો આરોપ લગાવ્યો.
પવાર બાદ જોઈન્ટ CP સાથે CMએ મુલાકાત કરી
શરદ પવાર સાથે મળ્યાના કેટલાક સમય બાદ CM ઠાકરેએ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશ્નર મિલિંદ ભારંબેને પોતાના સત્તાવાર નિવાસ એટલે કે વર્ષા બંગલા પર બોલાવ્યા હતા. બન્ને વચ્ચે આશરે 45 મિનિટ સુધી મુલાકત કરી હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે મિલિંદે વઝે કેસને લગતી તમામ જાણકારી CMને આપી છે. મિલિંદ સાથે મુલાકાત બાદ મુંબઈના સંયુક્ત આયુક્ત વિશ્વાસ નાંગરે પાટિલને CMના વર્ષા બંગલા પર બોલાવ્યા છે.
NCPએ ગૃહમંત્રીના રાજીનામાને નકાર્યું
પવાર અને ઠાકરેની મુલાકાત પૂરી થયાની થોડી ક્ષણોમાં વઝેને સસ્પેન્ડ કર્યાનાં સમાચાર વહેતા થયા હતા. આ અગાઉ 16 વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા બાદ જૂન,2020માં વઝેને ફરી નોકરી પર જોઈન્ટ કરવામાં આવ્યા હતા. વઝે સાથે જ ગૃહમંત્રી અનિલ દેશમુખને પણ તેમના પદ પરથી હટાવ્યાની ચર્ચા છેડાઈ હતી. જોકે NCPના પ્રદેશ અધ્યક્ષ અને જળ સંશાધન મંત્રી જયંત પાટિલે કહ્યું કે આ કેસમાં ગૃહમંત્રીના રાજીનામાની કોઈ જરૂર નથી. તેઓ યોગ્ય રીતે આ કેસને જોઈ રહ્યા છે.
રાણેનો આરોપઃ IPLના બુકીના પણ વઝે સાથે સંબંધ
દરમિયાન ભાજપ નેતા નીતેશ રાણેએ આરોપ લગાવ્યો છે કે મુંબઈના કેટલાક બુકી પણ સચિન વઝેના સંપર્કમાં હતા. આ બુકી IPL શરૂ થતા પહેલા વઝે સાથે સંપર્કમાં હતા. હુબૂકીને ધમકી આપવામાં આવતી હતી કે જો તેમને પૈસા આપવામાં ન આવ્યા તો ધરપકડ કરી તેમના સટ્ટા ગિરોહનો ભાંડાફોડ કરી દેવામાં આવશે.
નીતેશ રાણેએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે યુવા સેના સાથે જોડાયેલા નેતા વરુણ સરદેસાઈ અને સચિન વઝેના પરસ્પર કનેક્શન છે. રાણેએ એમ પણ કહ્યું કે NIAને વઝે તથા સરદેસાઈના કોલ ડિટેલની તપાસ કરવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.