મેરિટલ રેપ (પત્નીની મરજી વગર શારીરિક સંબંધ રાખવા)ના કેસમાં 7 દિવસની અંદર દેશની બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા છે. કેરળ હાઈકોર્ટે 6 ઓગસ્ટે એક નિર્ણયમાં કહ્યું હતું કે મેરિટલ રેપ ક્રૂરતા છે અને એ ડિવોર્સનો આધાર બની શકે છે, જ્યારે મુંબઈ સિટી એડિશનલ સેશન કોર્ટનું કહેવું છે કે પત્નીની ઈચ્છા વગર યૌન સંબંધ બનાવવા ગેરકાયદે નથી.
મુંબઈની એક મહિલાએ સેશન કોર્ટમાં કહ્યું હતું કે પતિની જબરદસ્તીને કારણે તેના કમરમાં લકવો આવી ગયો છે. એ સાથે જ પીડિતે તેના પતિ અને સાસરીવાળાઓ સામે દહેજ માટે ત્રાસ આપવાનો કેસ પણ કર્યો છે. જ્યારે આરોપી અને તેના પરિવારે કેસને ખોટો ગણાવીને આગોતરા જામીન અરજી પણ કરી હતી અને કોર્ટે એને મંજૂર કરી છે.
આ કેસમાં ગુરુવારે સુનાવણી દરમિયાન જજ એસ. જે. ધરતે કહ્યું હતું કે મહિલાનો આરોપ કાયદાકીય તપાસમાં આવતો નથી. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે જો તે પત્ની સાથે સંબંધ બનાવી રહ્યા છે તો એને ગેરકાયદે પણ કહી શકાય નહીં. તેણે કોઈ ખોટું કામ કર્યું નથી.
કોર્ટે કહ્યું- મહિલાનું લકવાગ્રસ્ત થવું દુર્ભાગ્યપૂર્ણ
જજે કહ્યું- મેરિટલ રેપ ભારતમાં ગુનો નથી. જોકે મહિલા લકવાગ્રસ્ત થઈ એ ખૂબ ખરાબ વાત છે, પરંતુ એના માટે આખા પરિવારને જવાબદાર ના ગણાવી શકીએ. આ મુદ્દે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની જરૂર પણ નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે મહિલાએ દહેજના ત્રાસનો આરોપ તો લગાવ્યો છે, પરંતુ એવું નથી કહ્યું કે સાસરીવાળાએ દહેજમાં શું શું માગ્યું છે.
લગ્નના એક મહિના પછી જ જબરદસ્તી સંબંધ બનાવ્યોઃ મહિલા
પીડિત મહિલાએ કહ્યું હતું કે તેમના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા અને લગ્નના એક મહિના પછી જ પતિએ તેની સાથે જબરદસ્તી સંબંધ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન જાન્યુઆરીમાં તબિયત ખરાબ થતાં તે ડોક્ટર પાસે ગઈ તો ખબર પડી કે તેની કમર નીચેના ભાગમાં લકવાની અસર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.