દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સાંજે અધિકારીઓ સાથે એક હાઈલેવલની રિવ્યૂ મીટિંગ કરી હતી. જેમાં સ્વાસ્થ્ય વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. મીટિંગમાં ઓમિક્રોનના વધતા કેસને રોકવા માટે હોસ્પિટલની તૈયારીઓ અંગે વાતચીત થઈ.
સાંજે લગભગ 7 વાગ્યે મળેલી આ મીટિંગ એક કલાક ચાલી હતી. જેમાં વડાપ્રધાને અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનના સ્ટોકની પૂરતી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા. સાથે જ દેશભરમાં વેક્સિનેશન વધારવાને લઈને પણ ઝડપથી કામ કરવાનું કહ્યું.
મોદીએ અધિકારીઓને તે જિલ્લાની ઓળખ કરવાના પણ નિર્દેશ આપ્યા જ્યાં વેક્સિનેશનની સ્થિતિ હાલ યોગ્ય નથી. તેમને અધિકારીઓને કહ્યું કે તેઓ રાજ્યના વેક્સિનેશનમાં આવતી પરેશાનીઓને લઈને વાતચીત કરે અને તેને તાત્કાલિક તેને દૂર કરીને વધુને વધુ લોકોને વેક્સિનેટ થાય તેના પર ફોકસ કરે.
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 355 થયા
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. ગુરૂવારે 4 રાજ્યોમાં ઓમિક્રોનના 64 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી તમિલનાડુમાં 33, તેલંગાનામાં 14, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 કેસ સામે આવ્યા છે. જે બાદ દેશભરમાં નવા વેરિયન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 355 થઈ ગઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. 64 મામલાની સાથે દિલ્હી બીજા અને 38 કેસની સાથે તેલંગાના ત્રીજા નંબરે છે.
દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂયર સેલિબ્રેશન પર રોક
ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે બુધવારે ક્રિસમસ અને ન્યૂયર સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. બાર અને સિનેમાઘર પણ 50% કેપિસિટીની સાથે ખુલશે. આ ઉપરાંત ભીડ એકઠી થવા પર અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર રોક લગાવી દીધી છે. DDMAએ નવા આદેશ જાહેર કર્યા છે. દિલ્હી પોલીસ અને પ્રશાસનને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આદેશનું કડકપણે પાલન કરાવવામાં આવે.
100થી વધુ દેશમાં ફેલાયો છે ઓમિક્રોન
ઓમિક્રોનના વધતા કેસના કારણે અનેક દેશમાં પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યાં છે. આ વેરિયન્ટ 100થી વધુ દેશમાં ફેલાયો છે. WHOના ચીફ ટેડ રોસે કહ્યું કે વિશ્વભરની સરકારે મહામારીને ખતમ કરવાની દિશામાં કામ કરવું જોઈએ. તેઓએ કહ્યું કે 2022નું વર્ષ મહામારીના ખાતમાવાળું હોવું જોઈએ. દરેક દેશની 70% વસતિને આગામી વર્ષે જુલાઈ સુધી વેક્સિન આપવામાં આવે તો મહામારીને ખતમ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.