• Gujarati News
  • National
  • Many Areas In Delhi And Mumbai Were Flooded, Cloudburst In Uttarkashi Killed 3 People, 4 Missing

આફતનો વરસાદ:ક્યાંક રસ્તા થયા પાણી-પાણી, ક્યાંક ઈમારત ધરાશાયી; ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 3નાં મોત-4 ગુમ

મુંબઈ/દિલ્હી3 મહિનો પહેલા
ઉત્તરકાશીમાં દુર્ઘટનામાં ગુમ થનારામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. વરસાદને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે.
  • મુંબઈમાં સોમવારે સવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો
  • દિલ્હીમાં અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા

ક્યાંક વરસાદથી રાહત મળી છે તો ક્યાંક આકાશમાંથી આફત બનીને વરસાદ વરસ્યો છે. મુંબઇ અને દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામે વાદળ ફાટવાને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે અને 4 ગુમ થયા છે. એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.

ઉત્તરાખંડના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. અહીંની મોટા ભાગની નદીઓમાં પૂર આવ્યું છે. ગંગા, યમુના, ભાગીરથી, અલકનંદા, મંદાકિની, પિંડર, નંદાકિની, ટોસ, સરયુ, ગોરી, કાલી, રામગંગા નદીઓ ભયજનક નિશાનની થોડે જ નીચે જ વહી રહી છે.

ગુરુગ્રામમાં ઇમારત ધરાશાયી થતાં એકનું મોત
હરિયાણાના ગુરુગ્રામમાં રવિવારે રાત્રે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કાટમાળ નીચે બે લોકો ફસાયેલા હોવાની આશંકા છે. એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમારત જર્જરિત હાલતમાં હતી. આમાં એક કંપનીનું ગોડાઉન હતું. અકસ્માત સમયે તેમાં કેટલાક મજૂર હતા.

ગુરુગ્રામની આ ઇમારતમાં એક કંપનીનું ગોડાઉન હતું. દુર્ઘટના સમયે કેટલાક મજૂરો ઇમારતની અંદર હતા.
ગુરુગ્રામની આ ઇમારતમાં એક કંપનીનું ગોડાઉન હતું. દુર્ઘટના સમયે કેટલાક મજૂરો ઇમારતની અંદર હતા.

મુંબઈ, પુણેમાં ભારે વરસાદનું અલર્ટ
સોમવારે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદને કારણે કુર્લા, સાયન, કિંગ સર્કલ, અંધેરી સબવે, હિંદમાતા અને દાદરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આજે હવામાન વિભાગે મુંબઇ, પુણે અને આસપાસમાં ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આ પહેલાં રવિવારે મુંબઇમાં ભારે વરસાદને કારણે અલગ અલગ અકસ્માતમાં 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં થોડા સમય માટે લોકલ ટ્રેનોને અટકાવવી પડી હતી અને ઘણી લાંબી અંતરની ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી હતી.

મુંબઈમાં સામાન્ય કરતાં 85% વધુ વરસાદ
સાન્તાક્રુઝ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી મુંબઇમાં 1,811 મિમી વરસાદ નોંધાયો છે, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઇમાં પડેલા સામાન્ય વરસાદના 85% કરતાં વધારે છે. IMD અનુસાર, આ આંકડો 2,205 મિમી છે. જોકે મુંબઈમાં 15 જુલાઇ સુધીમાં માત્ર 58.7% વરસાદ થયો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં 661.5 મિમી વરસાદ થયો છે, જેનો અર્થ માત્ર ચોમાસાએ ત્રણ દિવસમાં 26.3% મોસમી વરસાદ પૂરો કર્યો છે.

રવિવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે અલગ-અલગ દુર્ઘટનામાં 30 લોકો મૃત્યુ પામ્યા હતા. એમાંથી 17 લોકોનાં મોત ચેમ્બૂરમાં ભૂસ્ખલનમાં થયાં હતાં.
રવિવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે અલગ-અલગ દુર્ઘટનામાં 30 લોકો મૃત્યુ પામ્યા હતા. એમાંથી 17 લોકોનાં મોત ચેમ્બૂરમાં ભૂસ્ખલનમાં થયાં હતાં.

મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 15% વરસાદ પડ્યો છે
18 જુલાઈ સુધી રાજ્યમાં 15% સુધી વરસાદ થયો છે. રાજ્યમાં સામાન્ય રીતે 19 જુલાઇ સુધી 394.3 મિમી વરસાદ પડે છે, પરંતુ ખરેખર એમાં 453.6 મીમી વરસાદ થયો છે. IMD અનુસાર, આ જ સુધી કોંકણમાં 30%, મરાઠાવાડામાં 46%, મધ્ય મહારાષ્ટ્રમાં અને વિદર્ભમાં માત્ર 2-2% વરસાદ થયો છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા
સોમવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો છે. આને કારણે લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી, પરંતુ ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. વરસાદથી આઇટીઓ, એઈમ્સ નજીક અરવિંદો માર્ગ, મંડી હાઉસની આજુબાજુનો રસ્તા પર વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સવારે કામ પર જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

દિલ્હીના પાલમ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા

જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં પણ વરસાદ
જમ્મુ-કાશ્મીરના ભાગોમાં સોમવારે સવારે વરસાદ પડ્યો હતો. IMD દ્વારા આજે શ્રીનગરમાં સામાન્ય વરસાદ સાથે વાદળછાયું આકાશની આગાહી કરવામાં આવી છે.

દેશના આ ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કોંકણ અને ગોવા, કર્ણાટક, ઉત્તર કર્ણાટક અને ઉત્તર પશ્ચિમ યુપીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સિક્કિમ, પશ્ચિમ બંગાળના ભાગો અને આસામ, મેઘાલય, અંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હરિયાણાના ભાગો અને ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંજાબ, બિહાર, બંગાળ, ઝારખંડ, ઓડિશાના કેટલાક વિસ્તારો, કેરળ, તેલંગાણાના કેટલાક ભાગોમાં, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, રાજસ્થાનના પૂર્વીય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને લદાખના કેટલાક ભાગોમાં હળવો તેમણે મધ્યમ વરસાદ પાડવાની શક્યતા છે.